________________
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ અધ્યાત્મનું અમૃત
અધ્યાત્મોપનિષદ્ અંગે અંગથી લાવણ્ય નીતરી રહ્યું છે. સૌન્દર્ય ટપકી રહ્યું છે...માદકતાએ માઝા મૂકી છે...મોહકતા મન મૂકીને વરસી છે. અદાઓ અવર્ણનીય બની છે. ને નૃત્ય ચરમસીમાએ પહોંચ્યું છે. પથ્થરને ય પીગાળી દે એવા વાતાવરણનું સર્જન થયું છે. નામ જ છે રૂપકોશા...રૂપનો મૂર્તિમંત કોશ.
પણ રે ! મુનિ સ્થૂલભદ્રની આંખ પણ ઊંચી થતી નથી ને રૂંવાડું પણ ફરકતું નથી. જાણે કશું છે જ નહીં, એવો ઉપેક્ષાભાવ. જાણે પોતે ત્યાં હાજર જ નથી, એવો અંતર્મુખભાવ. અને ખરેખર, આત્મગુણોની અનંત સમૃદ્ધિની તુલનામાં બહાર હતું પણ શું? બાહ્ય લાવણ્યના આવરણમાં મળ-મૂત્રની ગંદકી... નૃત્યના નામે વ્યર્થ ઉછળ-કુદ.. સંગીતના બહાને નર્યો ઘોંઘાટ, ના, બહાર કશું જ ન હતું. ને, એ પોતે ય ત્યાં નથી જ. એ તો મગ્ન છે ભીતરના પરમાનંદના અમૃતકુંડમાં.
જેના જીવનમાં શાસ્ત્ર કહેલું તત્ત્વ જીવંત બન્યું હોય, એનું નામ સંત. શાસ્ત્ર છે અધ્યાત્મોપનિષદ્ અને તત્ત્વ છે વિરાગ.
वासनानुदयो भोग्ये, वैराग्यस्य तदावधिः । अहंभावोदयाभावो, बोधस्य परमावधिः ॥ लीनवृत्तेरनुत्पत्ति - मर्यादोपरतेस्तु सा ।
स्थितप्रज्ञो यतिरयं, यः सदानन्दमश्नुते ॥ ભોગ્યની હાજરીમાં પણ વાસના ન જાગે, એ વિરાગની પારકાષ્ઠા છે. અહંકારની શક્યતા જ નાબૂદ થઈ જાય, એ જ્ઞાનની ચરમ સીમા છે. રાગ-દ્વેષની વૃત્તિઓ એવું મરણ પામે, કે જેના પછી જન્મ જ નથી, એ વિરતિની પરાકાષ્ઠા છે. આવો વિરાગ, જ્ઞાન અને વિરતિનો ત્રિવેણી સંગમ જેમને સ્વાધીન છે એ સંત ‘સ્થિતપ્રજ્ઞ છે. એ સંત સદા આનંદમાં મગ્ન રહે છે.