________________
સંબંધ કેમ ભૂલી શકાય ? મહાવીરની એ પરમ પાવન સંસ્થા દુષમકાળની કાળરાત્રિના પરીષહો-ઉપસર્ગોને વટાવતી વટાવતી સેંકડો-હજારો સાલ સુધી આગળ વધી. એના ઉત્તરાધિકારીઓ, એના મંત્રીઓ, એના સભ્યો...બધું જ અદ્ભુત... અતુલ્ય એક-એક ઉપર એક-એક ગ્રંથ પણ ઓછો પડે. આજ સુધી આ પરંપરા ચાલી આવી. એક પરમ પાવન પળે મારા મહાવીરે જે સ્વપ્ન મારા માટે સેવેલું, એ મને ખુદને ફળ્યું. મને એની એ પરમ પાવન સંસ્થાનું સભ્યપદ મળી ગયું. મારા દેદાર પલટાઈ ગયાં, મારી દિશા બદલાઈ ગઈ, મારું ભવિષ્ય બદલાઈ ગયું. મહાવીરની અનરાધાર કરુણાએ મને અપ્લાવિત કરી દીધો. મહાવીરના અમુક ઉત્તરાધિકારીઓએ મારું હજી વધુ સંસ્કરણ કર્યું. મારી યોગ્યતા વધારી, ને મને પ્રમોશન આપ્યું. મોક્ષમાર્ગ પર મારી ગતિના ગુણાકાર થઈ ગયાં. હું ન્યાલ થઈ ગયો, હું ધન્ય થઈ ગયો, મહાવીર ! તે મને આ શું આપી દીધું ? આખા વિશ્વની સમૃદ્ધિ પણ જેની સમક્ષ ધૂળ ને ઢેફાં તુલ્ય છે, એ અદ્ભુત વૈભવ...દેવોને ય ઇર્ષા આવે એવો અનહદ આનંદ...મારા મહાવીર ! ન્યાલ...ખરેખર ન્યાલ કરી દીધો તે મને, હવે બસ, હાથવેંતમાં મોક્ષ, હવે સંસારને જલાંજલિ હવે કદી નરકની ભટ્ટીમાં કરુણ ચીસો નહીં પાડવી પડે, હવે કદી નિગોદના બંદીખાને નહીં પૂરાવું પડે.
હા, કદાચ મારી કોઈ દુર્બુદ્ધિ...અવળચંડાઈથી તારી સંસ્થાનું સભ્ય પદ છોડી દઉં, તો એ મારો દોષ છે. એમાં તારો અસીમ-અનંત ઉપકાર રદબાતલ નથી થતો. તારી કરુણા ને તારી સંસ્થાનું ગૌરવ ઓછું નથી થતું, તે તો મને સર્વસ્વ આપ્યું છે... એક અપેક્ષાએ મોક્ષ જ આપ્યો છે.
સવાલોનો સવાલ એ છે કે તારા પ્રત્યે મારી સંવેદના ને કૃતજ્ઞતા કેટલી? ને કેવી ?
દશ-પંદર વર્ષ પહેલા જે ભૂમિમાં જન્મ થયો હોય, એ ભૂમિ સાથેના સંબંધનું ઔચિત્ય જો વ્યવહારિક | લૌકિક રીતે એના ખાતર તન-મન-ધન-જીવન-પરિવારસુખ બધાનું બલિદાન આપવાથી સચવાતું હોય, એ ભૂમિ “માતૃભૂમિ' કહેવાતી હોય, તો મહાવીર ! તને મારે શું સંબોધન કરવું? અને તારી સાથેનું ઔચિત્ય શી રીતે સચવાઈ શકે ?
તારી સાથેનો સંબંધ તો હજારો-લાખો-કરોડો કે અબજો વર્ષ નહીં, પણ અસંખ્ય અસંખ્ય અસંખ્ય વર્ષ પુરાણો છે... મહાવીર ! તું એ અનંત અનંત