________________
આકાર ધારણ કરે. મારો વ્હાલો સૌનો વ્હાલો બને એવી સંવેદના ઝંકૃત થાય. દુનિયામાં દેવ-ગુરુનું નામ કરવાની ઝંખના થાય. દેવ-ગુરુના ગુણોને પ્રસિદ્ધ કરવાના પ્રયત્નો થાય. એ પરાર્થપ્રયત્નોના પરિણામ-સ્વરૂપે અનેક જીવો પ્રશસ્ત મોહની પ્રાપ્તિ કરે અને ક્રમશઃ નિર્મોહદશાને પામે. આ પરાર્થસિદ્ધિથી એ જીવ પણ શીધ્ર સ્વાર્થસિદ્ધિ કરે. આ રીતે દેવ-ગુરુનું “નામ કરવાની પ્રવૃત્તિ પ્રશસ્ય ઠરે છે.
પણ બીજી રીતે આ પ્રવૃત્તિ વિચારણીય બની જાય છે. જ્યારે પરાર્થભાવનાનું સ્થાન પક્ષભાવના લઈ લે. “મારા ગુરુ મહાન” આ વચનનું તાત્પર્ય ‘બીજા બધા નિમ્ન એવું બની જાય. ગુરુભક્તિની ભીતરમાં ભક્તવૃદ્ધિની સ્પૃહા રમવા લાગે, ગુરુની મહાનતાના નાતે આડકતરી રીતે પોતાની મહાનતાને ઠરાવવા ને ઠસાવવાનો મનસુબો થવા લાગે. “ગમે તે ભોગે આ ‘ગુરુભક્તિ માટે કમર કસવામાં આવે. ને એ પ્રયત્નોનું અનૌચિત્ય પરાર્થભાવનાને શરમાવીને વિદાય લેવા માટે મજબૂર કરી દે. આ સ્થિતિમાં બીજાને અને પોતાને શું પરિણામ મળી શકે? આને પ્રશસ્ત મોહ કહેવો? કે મોહ?
મારા ગુરુ મહાન છે' એનો અર્થ એ છે કે “ગુરુ મારા જીવનમાં મહાન છે.” દુનિયામાં હું ગમે તેટલા ઘાટા પાડીને કહ્યું કે “મારા ગુરુ મહાન છે, પણ જો મારા જીવનમાં ગુરુ કરતાં વિષયો પ્રત્યેનું આકર્ષણ વધારે છે, જો ગુરદર્શન કરતાં વિજાતીયદર્શનનો રાગ વધારે છે, જો ગુરુની સેવા કરતાં ભક્તોના મેવા મને વધારે પ્રિય લાગે છે. જો ગુરુના ગુણાનુવાદની પાછળ “મારી પીપૂડી વગાડવાનો જ મારો આશય છે, તો વાસ્તવમાં મેં પોતે જ મારા ગુરુની મહાનતાનો સ્વીકાર કર્યો નથી.
“ભઇ મગનતા પ્રભુ ગુણ રસ કી, કુણ કંચન? કુણ દારા?’ વિશ્વસુંદરી વાંદરીથી ય અધમ લાગે અને હીરાના ઢગલા ધૂળ બરાબર લાગે, ત્યારે સમજવું કે દેવ-ગુરુ ખરેખર મહાન લાગ્યા છે. ગુરુની ઇચ્છાને સમજવા માટે મન સતર્ક બની જાય, ગુરુવચનને ઝીલવા માટે કાન સરવા બની જાય, ગુરુની આજ્ઞાને અનુસરવા માટે જીવન ઉત્સુક બની જાય, ત્યારે સમજવું કે ગુરુની મહાનતાનો ભાવથી સ્વીકાર કર્યો છે. પણ જો આમાનું કશું જ ન હોય, તો બહારથી ભલે સેંકડો ગુણાનુવાદો થઈ જાય, વાસ્તવમાં ગુરુની અવગણના થઈ છે.
હકીકતમાં તો ગુરુના માધ્યમે ગુરુતત્ત્વનો સ્પર્શ કરવાનો છે. ગુરુ કે કોડિયું છે, ગુરુતત્ત્વ એ જ્યોત છે. કોડિયા પ્રત્યે કૃતજ્ઞ બનવાનું છે, કોડિયાનો આદર કરવાનો છે, પણ અવલંબન જ્યોતનું કરવાનું છે. ગુરુ એ એક વ્યક્તિ છે. ગુરુતત્ત્વ એ સમષ્ટિ છે.