________________
રહ્યા છે. હજારો લોકોને લાખો પશુઓ તણાઈ રહ્યા છે. એ ધસમસતા પાણીનો જોરમાં મકાનો પડી રહ્યા છે, વૃક્ષો ઉખડી રહ્યા છે... “જુઓ ! હવે તો આ દરિયો અયોધ્યાની સીમામાં પણ આવી ગયો. જુઓ, તમારી પ્રજા કેવી લાચારપણે તણાઈ રહી છે. ને હવે તો....આ પાણી રાજમહેલ સુધી આવી ગયું. જુઓ રાજસભાના પગથિયાં ય ડુબી ગયા. રાજન્ ! જીવ બચાવવો હોય તો ઉપરના માળે...” ને રાજા દોડ્યા..પહેલો માળ...બીજો માળ, ત્રીજો માળ..રાજાની ગતિ તેજ છે, તો પાણીની ગતિ પણ કાંઈ કમ નથી. દુનિયાભરનો મોતનો હાહાકાર રાજાના કાનમાં ગુંજી રહ્યો છે... મોતના ભણકારા વાગી રહ્યા છે. પાણી માત્ર ચાર પગથિયાં જ પાછળ છે. ચોથો માળ....પાંચમો માળ...છઠ્ઠો માળ...સાતમો માળ.... ને હવે તો અગાશી આવી ગઈ. ને અગાશીમાંથી જે દશ્ય દેખાયું, એ ખરેખર ચક્કર આવી જાય તેવું...બસ...બે-ચાર ક્ષણ ને ચારે બાજુ આકાશને આંબતું પાણી....બધું જ એક કરી નાખશે...રાજા અગાશીની સીમા સુધી પહોંચ્યાં ને હવે બીજો કોઈ જ ઉપાય ન દેખાતા પાણીમાં ઝંપલાવવા જાય છે, ત્યાં તો એમના કાને શબ્દ પડ્યા, “સબૂર...રાજન્ ! શું કરી રહ્યા છો ?” આજથી સાતમે દિવસે દરિયામાં એવું તોફાન આવશે, જેમાં આખી દુનિયા ડુબી જશે.
રાજાએ જોયું, તો પોતે રાજસભામાં રાજસિંહાસન પર જ છે. પાણીનો કોઈ પત્તો જ નથી. રાજા અત્યંત વિસ્મયથી ચારે બાજુ જોઈ રહ્યા છે. ત્યારે એ વિદ્વાને વિનયથી પ્રણામ કરીને કહ્યું, “ક્ષમા કરજો રાજન્ ! હું નૈમિત્તિક નહીં, પણ ઇન્દ્રજાલિક છું. મારી કળા દેખાડવા માટે મેં આ પ્રયોગ કર્યો હતો.” રાજા એક વિસ્મયમાંથી બહાર આવે, એની પહેલા બીજુ વિસ્મયમાં ડુબી ગયા. મંત્રીશ્વરના વચનથી રાજાએ એ વિદ્વાનને ક્ષમા આપી અને તેની કળાનું ઉચિત સમ્માન કર્યું.
ભારતની પ્રાચ્યવિદ્યાની એક લુપ્ત થઈ ગયેલી કળા છે ઇન્દ્રજાળ. આજના મનોરંજનના સાધનો ક્યાંય પાણી ભરે, એવી અદ્ભુત એ કળા હતી. પણ અહીં જે વાત કરવી છે, તે મનોરંજનના પરિપ્રેક્ષ્યમાં નહીં, પણ અધ્યાત્મના પરિપ્રેક્ષ્યમાં છે. રાજાનું વિસ્મય, એમની ચિંતા, એમનો ભય, એમનો ગભરાટ, એમની દોટ....આ બધાનું પ્રવર્તક કારણ શું હતું? દરિયાઈ તોફાન ? ના, એ તો હતું જ નહીં.
१४३