________________
યોનિઓના ભયાનક ભ્રમણથી બચાવવા ત્રીશ વર્ષની યુવાન વયે રાજ્યસુખને ધૂળની જેમ ખંખેરીને સાધનાનો પંથ પકડ્યો હતો, એ મહાવીર, જેમણે પરીષહો અને ઉપસર્ગોને સામી છાતીએ વધાવ્યા, જેનો ઉદ્દેશ્ય વિશ્વકલ્યાણનો હતો, વિશ્વ એટલે? નિર્જીવવસ્તુઓનો સમૂહ નહીં, પણ જીવજગત, જેનો હું એક અંશ છું, કથંચિત જેનાથી હું અનન્ય છું. શૂલપાણિની પાશવી-રાત્રિ હોય કે સંગમની એ કાળ-રાત્રિ હોય, પણ મહાવીર એ મહાવીર જ રહ્યા છે, એમનું શરીર દાયું છે, છોલાયું છે, કોતરાયું છે, ઘવાયું છે, પછડાયું છે. પટકાયું છે, ચાલણી જેવું થયું છે, પણ એમની કરુણા એવી ને એવી અકબંધ રહી છે, અસંખ્યકાળથી નિરંતર વહેતી ને વહેતી એની ધારા નથી હું એમાંથી બાકાત થયો, નથી તો એ પાપીઓ પણ બાકાત થયાં.
વિશ્વોદ્ધારનો ભેખ લેનારા બીજા ય હશે, પણ તેમનું ક્ષેત્ર એક નાનું કૂંડાળું બની ગયું હશે. મહાવીરે વિશ્વોદ્ધારનો મહત્તમ સાફલ્યયુક્ત માર્ગ જોયો, એ વિકટ માર્ગે મહાભિનિષ્ક્રમણ કર્યું. ઘોરાતિઘોર સાધના કરીને સર્વજ્ઞ-વીતરાગ પદની પ્રાપ્તિ કરી. કેવળજ્ઞાનના પરમ પ્રકાશમાં મોક્ષમાર્ગ જોયો અને તેનો યથાર્થ ઉપદેશ આપ્યો. એક એવી સંસ્થાની સ્થાપના કરી, જે અવિચ્છિન્નપણે હજારો વર્ષ સુધી ચાલતી રહે. એ સંસ્થાના સભ્ય બનવા માત્રથી વધુમાં વધુ સાતથી આઠ ભવમાં અનાદિની આ દુઃખદ યાત્રા પર સુખદ પૂર્ણવિરામ આવી જાય. વિશ્વોદ્ધારનું આ પ્લેટફોર્મ શી રીતે બન્યું છે, એ પૂર્ણપણે તો એ મહાવીર જાણે છે. રિવાજ કે કર્તવ્ય ખાતર કલ્પસૂત્રના પાના વાંચી કે સાંભળી જવાથી વધુમાં વધુ એનો આછો ખ્યાલ આવી શકે છે. એ પ્લેટફોર્મમાં ઇંટની જગ્યાએ પ્રભુના અશ્રુબિંદુ, ના, અશ્રુસિંધુ વપરાયા છે, એનો કણ કણ મહાવીરની મહાનતા ને મહાવીરતાને આભારી છે. એક દષ્ટિએ એ પ્લોટફોર્મ ખુદ મહાવીર જ છે વિશ્વોદ્ધારનો પૂર્ણ પ્રબંધ એ મહાવીરે કરી દીધો. આવો, સભ્ય બનો, મુક્ત થાઓ, શાશ્વત સુખના સ્વામી બનો. વિશ્વ ન આવે, એમાં એની કમનસીબી છે. મહાવીરના અજોડ ઉપકારની અસ્મિતાને એનાથી કોઈ આંચ આવી શકે તેમ નથી. સૂર્ય વિશ્વપ્રકાશક છે જ. જેને અંધારું જ વહાલું હોય, જેને બારી ખોલવી જ ન હોય, એના ઘરમાં અંધારું હોય, તો ય સૂર્યની વિશ્વપ્રકાશકતાને કોઈ આંચ આવતી નથી. મહાવીર વિશ્વોદ્ધારક હતાં જ, અને છે.
પણ વાત તો મારી કરવી છે. વિશ્વ-વિશ્વની વાતોમાં મારો ને મહાવીરનો
૬
૬.