________________
ચેતના નથી. તેઓ ગરીબોના લોહી ચૂસી શકે છે, ઘરાકો ને કલાયન્ટોને ઠંડે કલેજે છેતરી શકે છે, કોઈની કબર પર પોતાનો મહેલ બનાવી શકે છે, કોઈના આંસુમાં ‘નમક’ શોધી શકે છે, કોઈની ચિતા પર પોતાની ભાખરી શેકી શકે છે. અને કહેતાં પણ શરમ આવે એવા અક્ષમ્ય અપરાધો કરી શકે છે.
દોષ એમનો નથી. દોષ એમને આપવામાં આવેલા શિક્ષણનો છે. એક કૂમળા બાળકને જે સમયે જેમ વાળો તેમ વાળી શકાય તેમ હતું, ત્યારે આપણે એને જીવનોપયોગી અને સમાજોપયોગી શિક્ષણ ન આપ્યું. એના પર વ્યર્થ ગોખણપટ્ટીના બોજાઓ ખડકી દીધાં. જેનો એના સામાજિક કે વ્યવસાયિક જીવન સાથે કોઈ સંબંધ ન હતો, એવા વિષયોના ભાર લાદી દીધાં. એના અમૂલ્ય વર્ષો એક મજૂરની જેમ આ બોજાઓને ઉપાડવામાં જતાં રહ્યા. જે અત્યંત આવશ્યક શિક્ષણ હતું, એના બારાક્ષરી શીખવાનો પણ અવકાશ ન રહ્યો. અને બીજી બાજુથી અસમાજિક તત્ત્વોએ જાત-જાતના માધ્યમો દ્વારા એના ક્રોધને અને લોભને ઉશ્કેર્યો, એને છળ-કપટ કરતાં શીખવાડ્યું. એને પૈસા પાછળ પાગલ બનાવ્યો. એની કામવૃત્તિને ભયજનક રીતે સતેજ કરી. પરિણામ આપણી સામે છે.
એક વૃક્ષને યોગ્ય સમયે પાણી ન મળ્યું. એ સૂકાવા લાગ્યું એના પાંદડાં પીળાં પડીને સૂકાવા લાગ્યાં. હવે એ સૂકાં પાંદડાંની ફરિયાદ કરવાનો શો અર્થ ? હવે એના પર પાણી ઢોળવાનો શો ફાયદો ? હવે અવસર ગયો. હા, જેનો અવસર છે એવા વૃક્ષના મૂળમાં સિંચન કરો, તો અર્થ સરે. ભ્રષ્ટાચાર, હિંસા ને જાતીય સતામણીઓની બદીથી દેશ ખદબદી રહ્યો છે. આપણે હોબાળા મચાવીએ છીએ, આંદોલનો કરીએ છીએ, જાત-જાતના કાયદાઓ ઘડી કાઢીએ છીએ. પણ આ બધું કદાચ મડદાંની ચિકિત્સા જેવું છે. મડદું બેઠું થઈ જાય, તો એ આનંદની વાત છે. પણ જે જીવિત છે - જેની પાછળ કરેલો પ્રયાસ ખરેખર સફળ થઈ શકે છે. જેને જીવનોપયોગી શિક્ષણ આપવા માટે કરોડોનું અર્થતંત્ર અને કરોડોની સ્થાવરમિલકતો છે...લાખો શિક્ષકો રોકેલા છે. એની ધરાર ઉપેક્ષા શી રીતે થઈ શકે ? મૂળમાં સિંચન ન કરવું અને પછી સૂકા પાંદડાને જોઈને હોબાળો મચાવવો, એમાં મૂર્ખામી સિવાય બીજું કશું જ નથી.
આપણે આપણી જાતને દરિદ્ર સમજી લીધી છે, અને માટે જ આપણે બધું જ પશ્ચિમથી આયાત કરવામાં માનીએ છીએ. માટે જ આપણા પાઠ્યપુસ્તકોમાંથી
४७