________________
શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર શબ્દશક્તિ અને વિચારશક્તિ દ્વારા પૂર્વકૃત પાપોનો વિનાશ કરવા માટે એક અદ્ભુત આલંબન છે. શ્રાદ્ધનો અર્થ છે એ વ્યક્તિ, જેને જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે તત્ત્વો પર દૃઢ શ્રદ્ધા છે...પૂર્ણ વિશ્વાસ છે. આધુનિક વિજ્ઞાનીઓ પણ જ્યારે પૂર્વજન્મ અને પુનર્જન્મ પર શ્રદ્ધા ધરાવી રહ્યા છે, ત્યારે બુદ્ધિજીવીઓ માટે પણ ‘શ્રાદ્ધ’ બનવું કઠિન નથી. ‘પ્રતિક્રમણ’નો અર્થ છે પાછા ફરવું.
स्वस्थानाद्यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । भूयोऽप्यागमनं तत्र, प्रतिक्रमणमुच्यते ॥
નિષ્પાપવૃત્તિ એ જીવનું પોતાનું સ્થાન છે. તે સ્થાનને છોડીને વિષયતૃષ્ણા વગેરેને કારણે જીવ પાપપ્રવૃત્તિ કરે, અને પરસ્થાનમાં જાય છે. આ પરસ્થાનથી જીવ સ્વસ્થાનમાં પાછો આવે, એનું નામ પ્રતિક્રમણ.
પાપોનો વિનાશ કરવા માટે ચાર સોપાન (સ્ટેપ્સ) છે. (૧) પાપોનો તીવ્ર પશ્ચાત્તાપ (૨) સદ્ગુરુ સમક્ષ પાપોની કબૂલાત (૩) પાપોની નિંદા (૪) પ્રાયશ્ચિત્તનો સ્વીકાર. અધ્યાત્મવિશ્વનો આ શાશ્વત સિદ્ધાન્ત છે કે દોષ અને ગુણ આ બંનેમાંથી તમે જેને ધિક્કારશો, એ તમારામાંથી દૂર થશે, અને જેને ચાહશો, એ તમને મળશે. પાપ એ આત્મગત દોષનો વિકાર છે. શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર પાપનું ઉન્મૂલન કરે છે, ને માટે જ દુ:ખોનું ઉન્મૂલન કરે છે.
कयपावो वि मणुस्सो, आलोईयनिंदिओ गुरुसगासे ।
होइ अइरेगलहुओ, ओहरियभरु व्व भारवहो ॥
પાપી મનુષ્ય પણ ગુરુ પાસે પાપોની કબૂલાત અને પાપોની નિંદા કરીને અત્યંત હળવો થઈ જાય છે, જાણે કોઈ ભારવાહકે પોતાના માથા પરનો બોજો ઉતારી દીધો હોય. શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રમાં ક્રમશઃ હિંસા, અસત્ય, ચોરી વગેરે પાપોનો ઉલ્લેખ આવતો જાય છે, અને પડિમે...નિલે...તં નિવે તં = રિહામિ...જેવા શબ્દો દ્વારા એ પાપોથી ‘પ્રતિક્રમણ’ કરવામાં આવે છે. પાપો પ્રત્યેનો પક્ષપાત ફરી ફરી પાપપ્રવૃત્તિ કરાવે છે અને જીવ દુઃખોના વિષચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી. ‘પ્રતિક્રમણ’ અને ‘નિંદા' આ પક્ષપાતને તોડી નાખે છે. પક્ષપાત તૂટી જવાથી જીવને પાપમાં રસ રહેતો નથી. કદાચ સંયોગવશ એને કોઈ પાપ કરવું પડે, તો ય એનું દિલ ડંખે છે, અને એ પાપ ખટકે છે, એ ઓછામાં ઓછું પાપ કરવા પ્રયત્ન કરે છે,
२६