________________
સાંખ્યદર્શન
૯૩
માન્યતામાં કર્મકવિરોધનો દોષ રહેલો છે. ગમે તેટલો કુશળ નટ હોય તોય તે પોતે પોતાના ખભા ઉપર ચઢી શકે નહિ. એટલે જેમ બાહ્યવિષયાકાર બુદ્ધિમાં માનીએ છીએ તેમ પુરુષાકાર પણ બુદ્ધિમાં માનવો જોઈએ અર્થાત્ જેમ બુદ્ધિમાં બાહ્યવિષયોનું પ્રતિબિંબ સ્વીકારવામાં આવ્યું છે તેમ તેમાં પુરુષનું પ્રતિબિંબ પણ સ્વીકારવું જોઈએ. બાહ્યવિષય કે પુરુષ જ્યારે બુદ્ધયારૂઢ થાય છે ત્યારે જ તે પુરુષના બોધનો વિષય બને છે. ‘દ્રષ્ટ્ર-દૃશ્યોપરક્ત ચિત્ત સર્વાર્થ છે' - આ પતંજલિનું યોગસૂત્ર સ્પષ્ટપણે દર્શાવે છે કે બુદ્ધિમાં પુરુષનું અને બાહ્યવિષયનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિની બાબતમાં પ્રતિબિંબ શબ્દથી પરિણામ સમજવાનું ભિક્ષુ કહે છે. બુદ્ધિનો વિષયાકારે અને પુરુષાકારે પરિણામ એટલે જ બુદ્ધિમાં વિષયનું અને પુરુષનું પ્રતિબિંબ. આથી ઊલટું વૃરિસહિતા બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પરિણામ સ્વરૂપ નથી. અર્થાતું, બુદ્ધિ જેમ પોતાના વિષયના આકારે પરિણમે છે તેમ પુરુષ પોતાના વિષયના આકારે પરિણમતો નથી. પુરુષનો સાક્ષાત્ વિષય બુદ્ધિવૃત્તિ છે. પંચશિખ પુરુષને જ્યારે અપરિણામી અને અપ્રતિસંક્રમા કહે છે ત્યારે તે એવું સૂચવતા લાગે છે કે જ્યારે વૃત્તિસહિતા બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષ તે તે વૃત્ત્વાકારે પરિણમતો નથી અને જ્યારે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે તે દેશાન્તરગતિરહિત હોવાથી બુદ્ધિમાં પ્રવેશતો નથી યા તો તેનો કોઈ સ્વભાવ પણ બુદ્ધિમાં સંક્રાન્ત થતો નથી. કોઈને પ્રશ્ન થાય છે કે જો પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ માનીશું તો અસંપ્રજ્ઞાતયોગ અસંભવિત બની જશે કારણકે સંસ્કારશેષ બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થતી જ રહેશે. આના ઉત્તરમાં ભિક્ષુ જણાવે છે કે વૃત્તિરહિત પરમાણમાં જેમ પ્રતિબિંબિત થવાની શક્તિ નથી તેમ વૃત્તિરહિત બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાની શક્તિ નથી. એટલે સંપૂર્ણ વૃત્તિનિરોધ થતાં અસંપ્રજ્ઞાતયોગ સિદ્ધ થશે જ. બીજી રીતેય શંકાનું સમાધાન થઈ શકે છે. બુદ્ધિમાં સુખદુઃખની અને બાહ્યવિષયજ્ઞાનની વૃત્તિઓના તરંગોનો નિરોધ થતાં પુરુષનું સ્પષ્ટ પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે. પરિણામે બુદ્ધિમાં વિવેકજ્ઞાનરૂપવૃત્તિ ઊઠે છે. તે વૃત્તિનું ભાન જીવ યા બદ્ધ પુરુષને થાય છે. તેથી અભિમાનરૂપ ઉપરાગ ગળી જાય છે. અને તેમ થતાં પુરુષ અને બુદ્ધિ વચ્ચેનો સ્વસ્વામીભાવરૂપ અનાદિ સંબંધ તૂટી જાય છે. છેવટે, એને પરિણામે પુરુષનું બુદ્ધિમાં કે બુદ્ધિનું પુરુષમાં પડતું પ્રતિબિંબ બંધ થાય છે. અને આ જ તો અસંપ્રજ્ઞાત યોગ છે. પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ તો બધા જ સાંગાચાર્યો માને છે. પરંતુ પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ કેટલાક જ માને છે. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ માનતાં પુરુષનું અપરિણામપણું ચાલ્યું જશે એવો કેટલાકને ભય લાગે છે. પરંતુ આપણે જોયું કે તે ભયને ભિક્ષુ મિથ્યા ગણે છે. વળી, “બુદ્ધિ પુરુષના ભોગ અને અપવર્ગ માટે છે,” “બોધ પૌરુષેય છે વગેરે વિધાનો પુરુષમાં બુદ્ધિના પ્રતિબિંબની માન્યતાના પોષક લાગે છે. વળી, ‘જેમ સ્ફટિક જાસુદના ફૂલના સાન્નિધ્યને કારણે લાલ લાગે છે તેમ પુરુષ પણ બુદ્ધિના સાનિધ્યને લઈ બુદ્ધિના ધર્મવાળો લાગે છે,” “જેમ તટ ઉપરનાં વૃક્ષો સરોવરમાં પ્રતિબિંબિત થાય છે તેમ ચિદર્પણમાં વસ્તુદૃષ્ટિઓ પ્રતિબિંબિત થાય છે' વગેરે ભિક્ષુપૂર્વકાલીન કેટલાંક દૃષ્ટાન્તો પણ ભિક્ષુના મતનું સમર્થન કરે છે.