________________
૧૩૮
પદર્શન શકાય નહિ, કારણ કે તે કરણ છે. જે કરણ હોય તે અવશ્ય પરિચ્છિન્ન પરિમાણવાળું જ હોય. વળી, મન ઇન્દ્રિય પણ છે અને ઇન્દ્રિય તો પરિમિત પરિમાણવાળી જ હોય છે. એટલે મનને દેહવ્યાપી અર્થાત્ મધ્યમપરિમાણવાળું જ માનવું જોઈએ.” મન સૂક્ષ્મ છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે સૂક્ષ્મનો અર્થ પરમાણુપરિમાણવાળું એવો નથી સમજવાનો. મન દેહમાં રહેનાર પદાર્થ છે. મને અહંકારરૂપ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયું હોવા છતાં તે ક્ષણિક નથી. તત્ત્વજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એનું અસ્તિત્ત્વ પરિવર્તનશીલ દ્રવ્યરૂપે ટકી રહે છે. પ્રાણસંયોગ નષ્ટ થતાં જ્યારે સ્કૂલ શરીરનો નાશ થાય છે ત્યારે તે તે દેહમાં રહેતું નથી. પ્રતિ શરીર એક એક મન હોય છે. મનની ઉત્પત્તિ પણ છે અને અન્ત પણ છે એટલે એ અનિત્ય છે. આત્માને લોકાન્તરગમનમાં મન સહાય કરે છે. તેથી મન સક્રિય છે અને ગતિશક્તિસંપન્ન છે. મન સક્રિય હોઈને તે સર્વવ્યાપી નથી." આમ મન અણુપરિમાણ પણ નથી કે વિભુ પણ નથી પરંતુ દેહપરિમાણ છે. અહીં એ નોંધીએ કે અનિરુદ્ધ મનને અણુપરિમાણ માનવાના મતના હોય એમ લાગે છે.”
અન્તઃકરણો ત્રણ છે બુદ્ધિ, અહંકાર અને મન, આ ત્રણ અન્તઃકરણોને પોતપોતાની વૃત્તિ છે. બુદ્ધિની વૃત્તિ અધ્યવસાય (નિશ્ચય) છે; અહંકારની વૃત્તિ અભિમાન છે અને મનની વૃત્તિ સંકલ્પ છે. આ તેમની અસાધારણ વૃત્તિઓ છે. આ ત્રણની સાધારણ વૃત્તિ પ્રાણ વગેરે પાંચ વાયુ છે. આ ત્રણ અન્તઃકરણો દ્વારા શરીરસ્થિત વાયુ વિભિન્ન પ્રદેશમાં પ્રતિષ્ઠિત થઈને વિભિન્ન કાર્યો કરે છે અને શરીરધારણમાં સહાયક બને છે. પ્રાણ વગેરે પાંચ વાયુને જીવન કહેવામાં આવે છે કારણ કે તેમની ક્રિયા હોતાં જીવનસ્પન્દન હોય છે અને તેમના અભાવમાં જીવનું મૃત્યુ થાય છે. જીવના મૃત્યુમાં જો કે પ્રાણવાયુની ક્રિયાની વિરતિ મુખ્યપણે જણાય છે તેમ છતાં અપાન વગેરે વાયુની વિરતિનું પણ અનુમાન થઈ શકે છે. મુખ્ય પ્રાણવાયુની ક્રિયાની નિવૃત્તિમાં અપાન વગેરે વાયુની પણ નિવૃત્તિ હોય છે એવું શ્રુતિમાં કહ્યું છે. પ્રાણવાયુ નાસાગ્રે, હૃદયે, નાભિસ્થાને અને પગના અંગુઠે રહે છે. અપાનવાયુનું સ્થાન કંઠદેશે, પૃષ્ઠ (પીઠમાં), પગે, પાયુદેશે, ઉપસ્થ અને પાશ્વદશે (પડખાંમાં) છે. હૃદયમાં, નાભિમાં અને સર્વ સન્ધિમાં સમાનવાયુનું સ્થાન છે. ઉદાનવાયુનાં સ્થાનો છે હૃદય, કંઠ, તાલુ, મસ્તક અને ભૂયુગલનો મધ્યભાગ. વ્યાનવાયુનું સ્થાન ચામડીમાં છે.”
યુક્તિદીપિકામાં પ્રાણ વગેરે પાંચ વાયુનું વિસ્તૃત વર્ણન છે. પાંચેય વાયુનાં કાર્યો દ્વિવિધ છે-આન્તર અને બાહ્ય, મુખ અને નાક દ્વારા પ્રાણવાયુ લેવાય છે અને કઢાય છે. આ શ્વાસપ્રશ્વાસની ક્રિયા પ્રાણવાયુનું અંતર કાર્ય છે. પ્રાણનો અર્થ છે મુખ અને નાક દ્વારા ગમનાગમન અને પ્રણતિ. સેનાપતિ આગળ સૈન્યને વશ થઈ જવું, ફળના ભારે વૃક્ષનું નમી જવું, સામાન્ય જનની ધર્મ, અર્થ, વિદ્યા વગેરેમાં આસક્તિ એ પ્રાણવાયુના પ્રભાવે છે અર્થાત્ આ પ્રાણવાયુનું બાહ્ય કાર્ય છે. “અપાન” શબ્દનો અર્થ છે અપક્રમણ. અપાન વાયુ દેહમાં રહેલા રસ, ધાતુ, શુક્ર, મૂત્ર, મળ વગેરેને નિમ્નાભિમુખ કરે છે.