________________
યોગદર્શન
૨૯૫
પાણી વગેરે ઉપર ચાલવાની શક્તિ–ઉદાનવાયુમાં સંયમ કરવાથી ઉદાનવાયુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ઉદાનજયને પરિણામે યોગી પાણી, કાદવ, કાંટા વગેરેને સ્પર્યા વિના તેમના ઉપર ચાલી શકે છે. ઉદાનવાયુ નાકના ટેરવે થી માંડી બ્રહ્મરંધ્ર સુધી રહેલો હોય છે અને તેનું કાર્ય રસ વગેરેને ઉપર ચઢાવવાનું ઉન્નયન) છે.
ઊર્ધ્વગમન-ઉદાનવાયુમાં સંયમ કરવાથી ઊર્ધ્વગમનની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. ભાષ્યકાર ઊર્ધ્વગમનનો “મૃત્યકાળે ઊર્ધ્વગમન' એવો અર્થ કરે છે.”
આકાશગમન-શરીર જ્યાં હોય છે ત્યાં આકાશ હોય છે. આકાશ શરીરને અવકાશ યા જગા આપે છે. આમ, શરીર અને આકાશ વચ્ચે સંબંધ છે. આ સંબંધમાં સંયમ કરવાથી એ સંબંધ ઉપર જય મેળવાય છે. તે સંબંધનો જય થયા પછી જો સાધક રૂના પોલમાં પરમાણુ સુધી સમાપત્તિ સાધે તો તેનું શરીર એકદમ હલકું બની જાય છે. તેને પરિણામે તે પાણી ઉપર ચાલી શકે છે, કરોળિયાના તાંતણા ઉપર ચાલી શકે છે, કિરણો ઉપર ચાલી શકે છે અને તેથી ઇચ્છા પ્રમાણે આકાશમાં વિહરી શકે છે.
શરીરમાંથી જ્વાળાઓ કાઢવાની શક્તિ–સમાનવાયુવિષયક સંયમ કરવાથી સમાનવાયુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સમાનજયને પરિણામે યોગી પોતાના શરીરમાંથી જ્વાળાઓ ફેંકી શકે છે.° જૈનોની અને આજીવકોની તેજોવેશ્યાની માન્યતા સાથે આ માન્યતા સરખાવવા જેવી છે. સમાનવાયુ હૃદયથી નાભિ સુધીના પ્રદેશમાં રહેલો હોય છે. તે જઠરાગ્નિને ઢાંકી મંદ રાખે છે. પરંતુ સમાન ઉપર જય થતાં યોગી પોતાની ઇચ્છાથી સમાનને જઠરાગ્નિથી દૂર કરી તે અગ્નિની જ્વાળાઓને બહાર ફેંકે છે. આ જઠરાગ્નિની કલ્પનાને જૈનોના તૈજસૂશરીર સાથે સરખાવવા જેવી છે.
અણિમા વગેરે આઠ સિદ્ધિઓ અને તદ્ધનભિઘાતરૂપ સિદ્ધિ-પાંચ ભૂતોમાંથી પ્રત્યેકમાં પાંચ અંશો હોય છે–(૧) સામાન્ય (પૃથ્વીમાં પૃથ્વીત્વ), (૨) વિશેષ (પૃથ્વીમાં આકાર, ગૌરવ, રૂક્ષતા, વગેરે ધર્મો), (૩) તન્માત્ર, (૪) ત્રણ ગુણો અને (૫) ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનો સાધી આપવાનું સામર્થ્ય. પાંચેય ભૂતોના પાંચેય અંશોમાં સંયમ કરવાથી ભૂતો ઉપર વિજય મળે છે. ભૂતજયને પરિણામે અણિમા વગેરે આઠ સિદ્ધિઓ અને તદ્ધર્માનભિઘાત નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક સિદ્ધિનો પરિચય ટૂંકમાં કરીએ.
અણિમા–આ સિદ્ધિને પરિણામે યોગીનું શરીર અણુ જેવડું બની જાય છે. લધિમા–આ સિદ્ધિને પરિણામે યોગીનું શરીર તણખલા જેવું હલકું બની જાય છે.
મહિમા-આ સિદ્ધિને પરિણામે યોગીના શરીરનું કદ પર્વત વગેરે જેવડું મોટું બની જાય છે.
પ્રાપ્તિ–આ સિદ્ધિને પરિણામે યોગી પૃથ્વી ઉપર રહ્યો રહ્યો પોતાની આંગળીના ટેરવાથી ચંદ્રને સ્પર્શી શકે છે. *. પ્રાકામ્ય-આ સિદ્ધિને પરિણામે પૃથ્વીમાં ડૂબકી મારવાની ઇચ્છા જેવી ઇચ્છાઓ પાર પડે છે.