________________
અધ્યયન ૧૭
બાહ્યવસ્તુવાદ
કેટલાક દાર્શનિકો (વિજ્ઞાનવાદીઓ) વિજ્ઞાનથી બહાર વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમને મતે વિજ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ છે જ નહીં. તેમના મતને સમજીએ. વિજ્ઞાનના અસ્તિત્વ વખતે પદાર્થની પ્રતીતિ થાય છે અને વિજ્ઞાનના અભાવમાં તેની પ્રતીતિ થતી નથી : વિજ્ઞાન ઘટાકાર હોય છે ત્યારે આપણને ઘટનું જ્ઞાન થાય છે અને વિજ્ઞાન ઘટાકાર નથી હોતું ત્યારે આપણને ઘટનું જ્ઞાન નથી થતું. આમ આપણને થતા ઘટના જ્ઞાનનો આધાર બાહ્ય. ઘટ નથી પરંતુ વિજ્ઞાનનો ઘટાકાર જ છે. બાહ્ય ઘટ જેવી કોઈ વસ્તુ નથી, માત્ર આંતર ઘટાકાર જ છે. વિજ્ઞાન ઘટાકાર બને છે ત્યારે ઘટનું જ્ઞાન થાય છે, પટાકાર બને છે ત્યારે પટનું જ્ઞાન થાય છે, વગેરે. પરંતુ વિજ્ઞાન આવા ભિન્ન ભિન્ન આકારો શેને લઈ ધારણ કરે છે? આના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે તેનું કારણ અનાદિ અવિદ્યારૂપ વાસના છે. સ્વપ્નમાં જેમ બાહ્ય વસ્તુ વિના માત્ર વાસનાને બળે વિજ્ઞાન જુદા જુદા આકારો ધારણ કરે છે તેમ જાગ્રત અવસ્થામાં પણ બાહ્ય વસ્તુઓ વિના માત્ર અવિદ્યારૂપ વાસનાને બળે વિજ્ઞાન જુદા જુદા આકારો ધારણ કરે છે.'
યોગદર્શન આ મતનું ખંડન કરી બાહ્ય વસ્તુની સ્થાપના કરે છે. અહીં આપણે સૂત્રકાર અને ભાષ્યકારે આપેલી દલીલોને જ વિસ્તારથી સમજાવીશું. (૧) ભાષ્યકાર જણાવે છે કે જો બાહ્ય વિષય ઘટ ન હોય અને વિજ્ઞાન પોતે જ ઘટ હોય તો “આ ઘટ છે એવી પ્રતીતિ થવાને બદલે “હું ઘટ છું' એવી પ્રતીતિ થવી જોઈએ પરંતુ આપણને તો આ ઘટ’ ‘આ પટ' એવી પ્રતીતિઓ થાય છે. આ પુરવાર કરે છે કે વિજ્ઞાનથી ભિન્ન બાહ્ય વસ્તુ છે. (૨) માત્ર વિકલ્પરૂપ જ્ઞાનો યા ચિત્તવૃત્તિઓને આધારે બાહ્ય વસ્તુનો છેદ ઉડાડી દેવો અયોગ્ય છે. વિકલ્પરૂપ જ્ઞાનો વસ્તુશુન્ય છે એ તો યોગદર્શન પણ સ્વીકારે જ છે. પરંતુ વિકલ્પરૂપ જ્ઞાનો વસ્તુશુન્ય જણાતાં બધાં જ જ્ઞાનોને વસ્તુશુન્ય ગણવાં એ બરાબર નથી. વળી, આ વિકલ્પરૂપ જ્ઞાનો અપ્રમાણ છે. એટલે એમના બળે બાહ્ય વસ્તુ છે જ નહિ એવો નિર્ણય બાંધવો તર્કવિરુદ્ધ છે.(૩) સૂત્રકાર જણાવે છે કે વસ્તુ અને ચિત્ત બે ભિન્ન છે. વસ્તુ ચિત્તની બહાર છે. જ્યારે આપણને વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનની સાથે સુખ, દુઃખ કે મોહનો ભાવ પણ જાગે છે. આમાં જ્ઞાન ભાગ વધારે વસ્તુગત (objective) છે, કારણ કે એક વસ્તુને અનુલક્ષી બધાને સમાન જ્ઞાન થાય છે. જેને એક વૃક્ષ જાણે છે, તેને બીજો, ત્રીજો વગેરે પણ વૃક્ષ જ જાણે છે. આથી ઊલટું ભાવભાગ વધારે ચિત્તગત (subjective) છે, કારણ કે એક વસ્તુને અનુલક્ષી