________________
યોગદર્શન
૨૬૧ પણ તેમ તો નથી. શબ્દનો સંકેત વ્યક્તિમાં - વિશેષમાં - માનવો ઘટતો નથી. કારણ કે તેમ કરવાથી આતંત્યદોષ કે વ્યભિચારદોષ આવે. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે જે અર્થમાં શબ્દ સંકેતિત થયો હોય તે જ અર્થનું તે શબ્દથી જ્ઞાન થાય. તેથી જો “ગાય” શબ્દનો ગાયરૂપ અમુક વ્યક્તિ સાથે સંકેત કરીએ તો એ શબ્દથી તે જ ગાયનું જ્ઞાન થાય. તેથી બધી ગાયોનું જ્ઞાન કરવા દરેક ગાય સાથે સંકેત કરવો જોઈએ. પણ એ તો અશક્ય છે, કારણ કે અતીત, અનાગત અને વર્તમાન ગાયો અનંત છે. અતીત અને અનાગત ગાયો બધી જ અપ્રત્યક્ષ હોવાથી તેમનામાં સંકેત કરવો અશક્ય છે. વળી, વર્તમાન ગાયોમાંથી મોટા ભાગની અપ્રત્યક્ષ જ હોય છે એટલે બધી વર્તમાન ગાયોમાંય વ્યક્તિશ સંકેત કરવો અસંભવ છે. આ જ છે આમંત્યદોષ. આ દોષને ટાળવા જો કોઈ એમ સૂચવે કે જેટલી ગાયો પ્રત્યક્ષ હોય તેટલીમાં સંકેત કરવો, તો એ સૂચન પણ બરાબર નથી, કારણ કે તેમાં વ્યભિચારદોષ આવે છે. જેટલી ગાય વ્યક્તિઓમાં સંકેત કર્યો હોય તે સિવાયની ગાય વ્યક્તિઓને ગાય નહિ કહેવાય. આમ જે ખરેખર ગાય છે તેને અગાય કહેવાનો વખત આવે. આ છે વ્યભિચારદોષ, પરિસ્થિતિ આવી હોઈને શબ્દનો સંકેત વ્યક્તિમાં નહિ પણ જાતિમાં મનાય છે. એટલે શબ્દથી આપણને માત્ર જાતિ યા સામાન્યનું જ જ્ઞાન થાય છે, વિશેષનું નહિ. અનુમાનપ્રજ્ઞા પણ સામાન્યને જ ગ્રહણ કરે છે. આપણે જ્યારે ધુમાડો જોઈ અગ્નિનું અનુમાન કરીએ છીએ ત્યારે તે અનુમાન દ્વારા જાણેલો અગ્નિ સામાન્ય હોય છે વિશેષ નહિ. તે અગ્નિ લાકડામાંથી ઉદ્ભવેલો છે કે ઘાસફૂસમાંથી ઉદ્ભવેલો છે, જલદ છે કે મંદ છે એ ધુમાડો જોઈ આપણે જાણી શકતા નથી. આમ આગમપ્રજ્ઞા અને અનુમાપ્રજ્ઞા માત્ર સામાન્યને જાણે છે જ્યારે ઋતંભરા પ્રજ્ઞા વિશેષોને જાણે છે. પણ એમ તો ઇન્દ્રિયપ્રત્યક્ષ પણ વિશેષને જાણે છે તો ઋતંભરા પ્રજ્ઞાની શી જરૂર? ઇન્દ્રિયપ્રત્યક્ષ માત્ર વર્તમાન અને તેય સન્નિકૃષ્ટ વિશેષોને જ જાણે છે જ્યારે ઋતંભરા પ્રજ્ઞા તો અતીત, અનાગત અને વર્તમાન તેમ જ સક્નિકૃષ્ટ અને અસન્નિકૃષ્ટ બધા જ વિશેષોને જાણે છે. અતીત પદાર્થ તો નાશ પામ્યો છે અને અનાગત તો હજુ ઉત્પન્ન થયો નથી તો અતીત અને અનાગતને ઋતંભરા પ્રજ્ઞા કેમ કરીને જાણી શકે? આનો ઉત્તર એ છે કે યોગ સત્કાર્યવાદી છે એટલે અતીત અને અનાગત પણ શાંત અને અવ્યક્તરૂપે વિદ્યમાન છે જ. | ઋતંભરા પ્રજ્ઞા અને વિવેકખ્યાતિ વચ્ચે કંઈ ભેદ છે કે નહિ તેની સ્પષ્ટતા યોગદર્શન કરતું નથી. પરંતુ વિવેકખ્યાતિના વર્ણન ઉપરથી આપણને જણાશે કે તે ઋતંભરા પ્રજ્ઞાથી ભિન્ન નથી. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકીએ કે સાધકની પ્રજ્ઞા વિવેકઞાતિના ઉદય સાથે જ ઋતંભરા બની જાય છે. વિવેકખ્યાતિ એ સમ્યક દૃષ્ટિ છે. અને સમ્યફ દૃષ્ટિ સંપન્ન થતાંની સાથે જ સાધકનું જ્ઞાન યા પ્રજ્ઞા પણ સમ્યક બની જાય છે. આમ વિવેકજ્ઞાનના ઉદય સાથે જ ઋતંભરા પ્રજ્ઞાનો ઉદય થાય છે. આ દૃષ્ટિએ પણ બંને અભિન્ન છે એમ કહી શકાય. એક સંદર્ભ ઉપરથી એવું ફલિત થાય કે તે વિવેકજ્ઞાનની પ્રાથમિક ભૂમિકા હોય.
હવે વિવેકખ્યાતિ શું છે તેનો વિચાર કરીએ. વિવેકઞાતિ એ પ્રકૃતિ અને પુરુષ એકબીજાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળા છે એવું જ્ઞાન છે. વિવેકખ્યાતિથી ઊલટા યા