________________
યોગદર્શન
અવિદ્યા જ બધા ક્લેશોનું મૂળ છે. એટલે અવિદ્યા જ વાસનાઓ યા કર્મોનો હેતુ છે. (૨) ફલ—ફલનો અર્થ પ્રયોજન લેવાનો છે. વાસનાનું પ્રયોજન યોગ્ય સ્મૃતિ જન્માવી ભોગ શક્ય બનાવવાનું છે. કર્મનું ફળ જાતિ, આયુ અને ભોગ છે. (૩) આશ્રય–સાધિકાર ચિત્ત વાસના અને કર્મનો આશ્રય છે. સાધિકાર એટલે જેનાં ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનો સિદ્ધ થયાં નથી તે. જે ચિત્તનાં આ પ્રયોજનો સિદ્ધ થઈ જાય છે તે ચિત્ત પોતાના પ્રકૃતિરૂપ કારણમાં લય પામી જાય છે. (૪) આલંબન-જે વિષય કર્મ વડે અભિમુખ થઈ વાસનાને વ્યક્ત કરે તે વિષય વાસનાનું આલંબન કહેવાય. જે વિષય કર્મ વડે અભિમુખ થાય તે કર્મનું આલંબન કહેવાય. ખરેખર તો જે વિષયને લઈ નવું કર્મ બંધાય તે વિષય તે કર્મનું આલંબન કહેવાય. વિવેકખ્યાતિ દૃઢ થતાં વાસના અને કર્મનાં હેતુ, ફલ, આશ્રય અને આલંબનનો અભાવ થઈ જ જાય છે. તેમ થતાં વાસના અને કર્મનો અભાવ થઈ જાય છે. વસ્તુને અનાદિ બે રીતે માની શકાય—સ્વરૂપથી કે પ્રવાહરૂપથી. જે સ્વરૂપથી અનાદિ હોય છે તેનો નાશ કદી થતો નથી
અને જે પ્રવાહથી અનાદિ હોય છે તેનો નાશ તેના કારણનો નાશ થતાં થઈ શકે છે. ચિતિશક્તિ (પુરુષ) સ્વરૂપથી અનાદિ છે, એટલે એનું કોઈ કારણ નથી, તેથી કારણનાશને પરિણામે થતો નાશ તેની બાબતમાં નથી. વાસના પ્રવાહરૂપથી અનાદિ છે, એટલે એનું કારણ સંભવે છે, તેથી કારણનો નાશ થતાં તેનો નાશ પણ સંભવે છે. અને વાસના યા કર્મનો નાશ થતાં મોક્ષ થાય છે.૨૬
૨૮૫
આપણે ઉપર જોયું કે કર્મ જ્યારે વિપાકોન્મુખ બને છે ત્યારે તેને અનુરૂપ વાસના જાગે છે. આ ઉપરથી ફલિત થાય છે કે જ્યારે કર્મો પોતાનાં ફળ આપવા અસમર્થ બને ત્યારે વાસનાનું જાગવું પણ અટકી જાય. કર્મનું મૂળ ક્લેશ છે. એટલે ક્લેશો દગ્ધબીજ બનતાં કર્મો પોતાનું ફળ આપવાનું સામર્થ્ય ગુમાવે છે. પરિણામે વાસનાનું જાગવું પણ બંધ થઈ જાય છે.
કેટલીકવાર કર્મોના ત્રણ વિભાગ કરવામાં આવે છે—સંચિત કર્મો, પ્રારબ્ધ કર્મો અને ક્રિયમાણ કર્યો. જે કર્મો હજુ વિપાકોન્મુખ બન્યાં નથી તે સંચિત કર્મો. જે કર્મો વિપાકોન્મુખ બની પોતાનાં ફળ આપી રહ્યાં છે તે પ્રારબ્ધ કર્યો. જે કર્મો વર્તમાનમાં બંધાઈ રહ્યાં છે તે ક્રિયમાણ કર્મો, વિવેકજ્ઞાન થવાથી જેના ક્લેશો દગ્ધબીજ બની ગયા છે તે વ્યક્તિના સંચિત કર્મો અને ક્રિયમાણ કર્મો વિપાક આપવા અસમર્થ હોય છે. માત્ર પ્રારબ્ધ કર્મો પોતાનો વિપાક આપી રહ્યાં હોય છે. આ છે જીવન્મુક્ત દશા. આ પ્રારબ્ધ કર્મોનો વિપાક ભોગવાઈ જતાં તે વ્યક્તિ વિદેહમુક્ત બની જાય છે.
કર્મસિદ્ધાંત મૂળ ભારતીય અનાર્યોનો હોવાનો સંભવ છે.૨૭ પછી આર્યોએ તેને અપનાવ્યો અને આર્ય-અનાર્યની સમન્વિત વિચારધારાનું મહત્ત્વનું અંગ બની રહ્યો. હાલ ઉપલબ્ધ કર્મસિદ્ધાંતનું જૂનામાં જૂનું રૂપ તેમ જ તેની પ્રક્રિયાની વિસ્તૃત સમજૂતી જૈન આગમો અને આમિક ગ્રંથોમાં મળે છે. આ દૃષ્ટિએ આ ગ્રંથોનો અભ્યાસ ભારતીય દર્શનના અભ્યાસીને અવશ્ય ફળદાયી નીવડશે. જૈનો કર્મને પૌલિક (material) માને છે. યોગદર્શનના ક્લેશો અને જૈનદર્શનના કષાયોમાં કોઈ ભેદ નથી.