________________
યોગદર્શન
૨૯૧
કૈવલ્યનું નિયમથી કારણ છે, સર્વજ્ઞત્વ વિવેકીને થાય છે પણ તે કૈવલ્યને માટે બિલકુલ આવશ્યક નથી. વિવેકજ્ઞાનથી અવિદ્યારૂપ અદર્શન દૂર થાય છે, અવિદ્યાની સાથે જ બાકીના ક્લેશો દૂર થાય છે, ક્લેશો દૂર થવાની સાથે જ કર્મોની વિપાક આપવાની શક્તિ બળી જાય છે, ગુણોનાં પ્રયોજનો પૂરાં થાય છે એટલે ગુણો મૂળ કારણ પ્રકૃતિમાં લય પામે છે અને પુરુષ કેવળ બને છે. આમાં સર્વજ્ઞત્વની ક્યાં જરૂર છે ? અલબત્ત, સર્વજ્ઞત્વ વિવેકીને પ્રાપ્ત થતું હોય તો ભલે થાવ. એ માત્ર એક સિદ્ધિરૂપ છે. તે બહુ બહુ તો કૈવલ્યપ્રાપ્તિમાં શ્રદ્ધા દૃઢ કરે. એથી વિશેષ કંઈ જ નહીં. આમ ભાષ્યકારે સર્વજ્ઞત્વને સ્વીકારવા છતાં તેને મહત્ત્વ ન આપીને મહાન ઉપકાર કર્યો છે. સાધકને સર્વજ્ઞનાં વચનો યા ઉપદેશની જરૂર નથી પરંતુ વિવેકીનાં વચનો યા ઉપદેશની જરૂર છે. ઉપદેષ્ટા સર્વજ્ઞ છે કે નહીં તેવો પ્રશ્ન સાધકને ઉચિત નથી પણ તે વિવેકી છે કે નહીં તે પરીક્ષા કરવી જ સાધકને ઉચિત છે. જેની વિવેકદૃષ્ટિ ખૂલી ગઈ છે તે વ્યક્તિ વસ્તુને પક્ષપાત યા રાગદ્વેષથી પોતાના દર્શનને વિકૃત કર્યા વિના વસ્તુ જેવી છે તેવી જ જાણે છે અને એને જે વસ્તુ જાણવી હોય તે વસ્તુને જાણવાનું તેનામાં સામર્થ્ય હોય છે – પછી ભલેને તે એકસાથે બધી વસ્તુઓના બધા પર્યાયોને જાણતો હોય યા નહીં. ખરેખર તો એમ લાગે છે કે સર્વજ્ઞત્વનો સિદ્ધાંત યોગદર્શનની સાધના અને કર્મસિદ્ધાંત સાથે મેળ ખાતો નથી. એટલે તેની પ્રતિષ્ઠાને કારણે યોગદર્શને તેને સ્થાન આપ્યું હોય તેમ બને. સર્વજ્ઞત્વનો સિદ્ધાંત નિયતિવાદી અને અષ્ટાંગનિમિત્તને જ મુખ્ય માનનાર આજીવક પરંપરામાં જ બરાબર બંધ બેસે એવું લાગ્યા કરે છે.
સાંખ્યની જેમ યોગદર્શન પણ કૈવલ્યમાં આનંદનો સ્વીકાર કરતું નથી. કૈવલ્યમાં સાંસારિક અવસ્થાના સુખથી તદ્દન ભિન્ન કોટિનું સુખ હોય છે એવી કલ્પના કરવાનું યોગદર્શન ઇષ્ટ માનતું નથી. તે તો એટલું જ કહેવું યોગ્ય માને છે કે કૈવલ્યાવસ્થા સુખ અને દુઃખ બંનેયથી પર છે.
સામાન્ય રીતે અસંપ્રજ્ઞાત યોગને કૈવલ્યનું સાક્ષાત્ કારણ ગણવામાં આવે છે. પરંતુ તે પ્રક્રિયામાત્ર છે. વળી આપણને યોગદર્શને ઘણીવાર સ્પષ્ટપણે કહ્યું છે..કે વિવેકખ્યાતિ કૈવલ્યનો હેતુ છે.1॰.વિવેકખ્યાતિ દૃઢ થયા પછી પુનર્ભવ નથી જ અને નિયમથી કૈવલ્ય થવાનું જ છે. વિવેકખ્યાતિવાળાને પ્રારબ્ધ કર્મો ભોગવવાનાં હોય છે. તે તેના સ્વાભાવિક ક્રમમાં ભોગવાઈ જાય એટલે કૈવલ્ય થાય. જો તેણે શીઘ્ર ભોગવવા હોય તો જ અસંપ્રજ્ઞાત યોગ જરૂરી છે.૧૧ જૈનદર્શનમાં કર્મોને ટૂંકા ગાળામાં શીઘ્ર ભોગવી લેવા માટે જેને પુનર્ભવ નથી તે વ્યક્તિ અમુક ખાસ પ્રક્રિયાનો આશરો લે છે તે નોંધવું અહીં રસપ્રદ છે. અલબત્ત જૈનસંમત તે પ્રક્રિયા અસંપ્રજ્ઞાત યોગથી ભિન્ન છે. આમ અસંપ્રજ્ઞાત યોગ નિયમથી કૈવલ્યનું કારણ નથી પણ વિવેકજ્ઞાન જ કૈવલ્યનું નિયમથી કારણ છે.
યોગવાર્તિકકાર ત્રણ મુક્તિઓ ગણાવે છે – પહેલી મુક્તિ જ્ઞાનથી (વિવેકજ્ઞાનથી) થાય છે. આ મુક્તિ મિથ્યાદર્શનમાંથી મુક્તિ છે. બીજી મુક્તિ રાગદ્વેષના ક્ષયથી થાય છે. આ મુક્તિ ક્લેશોમાંથી મુક્તિ છે. ત્રીજી મુક્તિ કર્મક્ષયથી થાય છે. આ મુક્તિ