________________
અધ્યયન ૭
ચિત્તશુદ્ધિના ઉપાયો
શુદ્ધ યા પ્રસન્ન ચિત્ત જ એકાગ્ર થઈ શકે છે એટલે ચિત્તને શુદ્ધ કરવું જરૂરી છે. ઈર્ષ્યા, પરાપકારવૃત્તિ, અસૂયા અને અમર્ષ–આ ચાર ચિત્તની અશુદ્ધિઓ છે. પોતાનાથી વધારે સુખી જનને જોઈ બળતરા થવી તે ઈર્ષ્યા છે. પોતાનાથી વધારે દુઃખીને જોઈ તેના તરફ નફરત અને તિરસ્કાર દર્શાવી તેને ત્રાસ આપવો તે પરાપકાર છે. પોતાનાથી વધારે ગુણવાળી વ્યક્તિને જોઈ તેના ગુણોને ઉતારી પાડી તે ગુણોમાં દોષારોપણ કરવું તે અસૂયા છે. અને દુષ્ટ વ્યક્તિને જોઈ તેના તરફ ક્રોધ કરવો તે અમર્ષ છે. ચિત્તની આ ચારેય અશુદ્ધિઓ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવના કેળવવાથી દૂર થાય છે. સુખી જનો પ્રત્યે મૈત્રીભાવ કેળવવાથી ઈર્ષ્યા નિર્મૂળ થાય છે, દુઃખી જનો પ્રત્યે કરુણાભાવ કેળવવાથી પરાપકારવૃત્તિ નિર્મૂળ થાય છે, ગુણી જનો પ્રત્યે પ્રમોદભાવ કેળવવાથી અસૂયા નિર્મૂળ થાય છે અને દુષ્ટ જનો પ્રત્યે ઉપેક્ષાભાવ કેળવવાથી અમર્ષ નિર્મૂળ થાય છે. અહીં અમુક ભાવને દૂર કરવા માટે તેનાથી વિરોધી ભાવને કેળવવાની પદ્ધતિ સ્વીકારી છે. કેટલાક રાગ અને દ્વેષરૂપ બે અશુદ્ધિઓ વધારે માની મૈત્રીભાવથી રાગ અને કરુણાભાવથી દ્વેષ નિર્મૂળ થાય છે એમ જણાવે છે. યોગદર્શન અહીં સ્પષ્ટપણે જણાવવા માગે છે કે આસુરીસંપનું ઉન્મૂલન દૈવીસંપદ્ કેળવવાથી જ થાય છે અને આસુરીસંપન્નુ ઉન્મૂલન તેમ જ દૈવીસંપની પ્રાપ્તિ ચિત્તની એકાગ્રતા સાધવા માટે અત્યંત આવશ્યક છે.
ચાર ભાવનાના અનુષ્ઠાનથી શુક્લ ધર્મ ઉત્પન્ન થાય છે. યોગદર્શન ચાર પ્રકારનાં કર્મો અને તજ્જન્ય ચાર પ્રકારના ધર્મો કહ્યું છે–શુક્લ, કૃષ્ણ, શુક્લ-કૃષ્ણ અને અશુક્લાકૃષ્ણ. પાપસંબંધ રહિત કેવળ પુણ્યને શુક્લ ધર્મ કહે છે. એથી ઊલટું પુણ્યસંબંધ રહિત કેવળ પાપને કૃષ્ણ ધર્મ કહે છે. પાપ અને પુણ્યના સંમિશ્રણને શુક્લકૃષ્ણ ધર્મ કહે છે. પાપ અને પુણ્યથી પર હોવાપણું તે અશુક્લ-અકૃષ્ણ ધર્મ છે.
:
જૈનો પણ આ જ ચાર ભાવનાઓ સ્વીકારે છે અને તેમણે સ્વીકારેલા આ ચાર ભાવનાના વિષયો પણ યોગદર્શને જે સ્વીકાર્યા છે તે જ છે, તફાવત એટલો જ કે યોગદર્શન મૈત્રીભાવનાના વિષય તરીકે સર્વ સુખી વ્યક્તિઓને ગણે છે જ્યારે જૈનદર્શન મૈત્રીભાવનાના વિષય તરીકે પ્રાણીમાત્રને ગણે છે. એટલે જૈનદર્શનના અનુસાર મૈત્રીનો અર્થ થાય છે સર્વ પ્રાણીઓમાં પોતાપણાની બુદ્ધિ.' જૈનો જણાવે છે કે અહિંસા આદિ વ્રતોની સ્થિરતામાં આ ચાર ભાવના પણ ખાસ ઉપયોગી છે.