________________
યોગદર્શન
ધ્યાન ધારણા પછી ધ્યાન આવે છે. ધ્યાનનો અર્થ છે પ્રત્યયની એકતાનતા." પ્રત્યય એટલે ચિત્તવૃત્તિ યા જ્ઞાન. ધ્યાનમાં સદૃશ ચિત્તવૃત્તિનો પ્રવાહ ચાલે છે. વિજાતીય ચિત્તવૃત્તિ નિરંતર ચાલતા આ સદૃશ ચિત્તવૃત્તિના પ્રવાહને તોડતી નથી. ભાષ્યકાર તો કહે છે કે સદૃશ ચિત્તવૃત્તિઓનો પ્રવાહ જ્યારે વિસદશ ચિત્તવૃત્તિથી અપરાકૃષ્ટ યા અસ્પષ્ટ બની જાય ત્યારે ધ્યાન થયું કહેવાય. વળી, આપણે એવું પણ અર્થઘટન કરી શકીએ કે ધ્યાનકાળે તો ધ્યેય વિષયનાં વિવિધ પાસાંઓને વિષય કરતી ચિત્તવૃત્તિઓનોય સંભવ નથી પરંતુ તેના એક જ પાસાને વિષય કરતી તદન સદૃશ ચિત્તવૃત્તિઓ જ ધ્યાનમાં સંભવે છે. આમ ધારણાકાળે જે વિષયમાં ચિત્ત ધાર્યું હોય છે તેનાં વિવિધ પાસાંઓ ઉપર જવાની ચિત્તની ચંચળતાનો સંભવ હોય છે; આ ચંચળતાય ધ્યાનમાં દૂર થાય છે અને ચિત્ત ધ્યેય વિષયના કેવળ એક પાસા ઉપર સ્થિર થાય છે. ધ્યાનકાળે એક જ જ્ઞાનનો પ્રવાહ હોય છે. તે બીજા કોઈ જ્ઞાનપ્રવાહ સાથે મિશ્રિત હોતો નથી.
જે દેશ યા વિષયમાં ચિત્ત દૃઢ સંબંધ સ્થાપે છે (ધારણા), તે જ દેશ યા વિષય ધ્યાનનો આધાર બને છે. ધારણા અને ધ્યાનનું આલંબન એક જ હોય છે. ધ્યાનકાળે ધ્યાતા (ચિત્ત), ધ્યાન (ચિત્તવૃત્તિ) અને ધ્યેય (ચિત્તવૃત્તિનો વિષય) આ ત્રણેયનું ભાન સાધકને હોય છે. બાર પ્રાણાયામને જેટલો વખત લાગે તેટલો વખત એક ધારણાનો હોય છે અને બાર ધારણાને જેટલો વખત લાગે તેટલો વખત એક ધ્યાનનો છે. અર્થાતુ, ચિત્તની સદશ ચિત્તવૃત્તિઓનો પ્રવાહ ઓછામાં ઓછો આટલા વખત સુધી નિરંતર ચાલે તો જ તેને ધ્યાનની કોટિમાં ગણી શકાય. ધ્યાનના બે પ્રકાર છે–સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય તે સગુણ ધ્યાન અને જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત બ્રહ્મ હોય તે નિર્ગુણ ધ્યાન.
સમાધિ ધ્યાન જ્યારે ધ્યેય અર્થની જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે સ્વરૂપશુન્ય હોય એવું બની જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. સમાધિ એ ધ્યાનનો પ્રકર્ષ જ છે. ધ્યાનકાળે ધ્યેયનું અને તેના પ્રત્યયનું ભાન સાધકને હોય છે, જ્યારે સમાધિકાળે કેવળ ધ્યેયનું જ ભાન સાધકને હોય છે. બીજા શબ્દોમાં, ધ્યાનકાળે ચિત્ત, ચિત્તવૃત્તિ અને ચિત્તવૃત્તિનો વિષય આ ત્રણેયનું ભાન સાધકને હોય છે જ્યારે સમાધિકાળે તો માત્ર ચિત્તવૃત્તિના વિષયનું જ ભાન તેને હોય છે. પાણીમાં નાખેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકાકાર થઈ ગયું હોવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી પરંતુ કેવળ પાણી જ દેખાય છે. તેવી જ રીતે સમાધિકાને ધ્યાન (ચિત્તવૃત્તિ) હોવા છતાં ધ્યાન ધ્યેયની સાથે એકાકાર થઈ ગયેલું હોવાથી તે ધ્યાન ધ્યાનરૂપે ભાસતું નથી પણ માત્ર ધ્યેયનો જ ભાસ થાય છે. જો સમાધિકાળે ધ્યાન(ચિત્તવૃત્તિ)નું અસ્તિત્વ જ ન સ્વીકારીએ તો ધ્યેયને પ્રકાશશે કોણ? કારણ કે ધ્યેયને ધ્યાન જ પ્રકાશે છે. સમાધિકાને ધ્યાન વિદ્યમાન હોવા