________________
યોગદર્શન
૨૨૯
અવિરતિનો અર્થ છે વિષયનો સંપર્ક થતાં તેને ભોગવવાની તીવ્ર ઇચ્છા. ચિત્તની એકાગ્રતા સાધવામાં આ એક મોટું વિઘ્ન છે. વિષયતૃષ્ણા ચિત્તને અંતર્મુખ થવા દેતી જ નથી અને જો કોઈ મહાપ્રયત્ને તેને અંતર્મુખ કરે તો પણ તે તેનો ભંગ તુરત જ કરી નાખે છે.
ભ્રાંતિનો અર્થ છે મિથ્યાજ્ઞાન યા વિપર્યયજ્ઞાન, પ્રસ્તુત સંદર્ભમાં ચિત્તની સ્થિરતાના ઉપાયોને ચિત્તની સ્થિરતાના ઉપાયો ન ગણવા, પણ એથી ઊલટું ચિત્તની અસ્થિરતા કરનારને ચિત્તની સ્થિરતાના ઉપાયો ગણવા એ ભ્રાંતિ છે.
અલબ્ધભૂમિકત્વનો અર્થ છે અભ્યાસ કરવા છતાં કોઈ પ્રતિબંધકને કારણે અનુરૂપ યોગભૂમિનો લાભ ન થવો તે. પ્રયત્નની અસફળતા ઉત્સાહને મંદ બનાવે છે, એટલું જ નહિ પણ તેના તરફથી ચિત્ત ઊઠી જાય છે અને અવળી દિશામાં વળે છે.
ન
અનવસ્થિતત્વનો અર્થ છે પ્રાપ્ત થયેલ યોગભૂમિમાં ચિત્તની અપ્રતિષ્ઠા યા દૃઢ સ્થિરતાનો અભાવ. જો પ્રાપ્ત થયેલી યોગભૂમિને દૃઢ કરવામાં ન આવે તો સાધક આગળની યોગભૂમિને સર કરી શકતો નથી, એટલું જ નહિ પણ પ્રાપ્ત થયેલી યોગભૂમિમાંથીય ભ્રષ્ટ થાય છે. આમ અનવસ્થિતતા પણ યોગાંતરાયરૂપ બને છે.
આ નવ જ યોગાંતરાયો નથી પણ આ નવની સાથે ઉત્પન્ન થનાર બીજા ચાર–દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજય અને શ્વાસ-પ્રશ્વાસ– પણ યોગાંતરાયો છે.
જે જીવોને પીડે છે અને તેથી જીવો જેને દૂર કરવા પ્રયત્ન કરે છે તે દુઃખ છે. દુઃખના ત્રણ પ્રકાર છે—આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આ ત્રણેય પ્રકારનાં દુઃખો ચિત્તને વિક્ષિપ્ત કરનાર હોઈ યોગાંતરાયરૂપ છે.
દૌર્મનસ્યનો અર્થ છે ઇચ્છા પાર ન પડવાથી થતી ચિત્તની ક્ષુબ્ધતા યા વ્યાકુળતા. આ વ્યાકુળતા પણ ચિત્તને વિક્ષિપ્ત કરનાર હોઈ યોગાંતરાયરૂપ છે.
અંગમેજયનો અર્થ છે શરીરના અંગોનું ધ્રૂજવું. શરીરનું કંપન યા અસ્થિરતા ચિત્તને સ્થિર થવા દેતી નથી એટલે તે પણ યોગાંતરાય છે. ચિત્તની સ્થિરતા માટે શરીરની સ્થિરતા આવશ્યક છે એ વસ્તુ યોગાંગ આસનથી પણ સૂચવાય છે.
શ્વાસ-પ્રશ્વાસ એટલે શું ? વ્યક્તિની ઇચ્છા વિના યા પ્રયત્ન વિના જે પ્રાણ પોતાની મેળે જ બહારના વાયુને અત્યંત વેગથી નાક વાટે શરીરમાં દાખલ કરાવી દે છે તે શ્વાસ છે, અને વ્યક્તિની ઇચ્છા યા પ્રયત્ન વિના જે પ્રાણ પોતાની મેળે જ પેટમાં રહેલા વાયુને અત્યંત વેગથી નાક વાટે બહાર કાઢી દે છે તે પ્રશ્વાસ. આ શ્વાસ-પ્રશ્વાસ અનિયમિત અને અનિયત્રિત હોવાથી ચિત્તને સ્થિર થવામાં વિઘ્નરૂપ બને છે.
દુઃખ અને દૌર્મનસ્ય એકાગ્રતાના સીધા વિરોધી છે, અંગમેજયત્વ આસનનું વિરોધી છે અને શ્વાસ-પ્રશ્વાસ પ્રાણાયામના વિરોધી છે.
આ બધા અંતરાયોને દૂર કરવા શું કરવું ? ઈશ્વરપ્રણિધાન યા ઈશ્વરભક્તિ. ઈશ્વર