________________
યોગદર્શન
૨૪૩
સ્વાભાવિક ગતિનો વિચ્છેદ હોય છે જ. એટલે રેચક અને પૂરકને પણ પ્રાણાયામ કહેવામાં આવે છે. કુંભક અને ચતુર્થમાં જ શ્વાસ અને પ્રશ્વાસ બંનેની ગતિનો વિચ્છેદ હોય છે, પણ પૂરકમાં માત્ર પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ હોય અને રેચકમાં માત્ર શ્વાસની ગતિનો વિચ્છેદ હોય છે, તેમ છતાં શ્વાસ અને પ્રશ્વાસ બંનેયની સ્વાભાવિક ગતિનો વિચ્છેદ તો રેચક, પૂરક, કુંભક અને ચતુર્થ ચારેયમાં હોય છે. રેચકને બાહ્યવૃત્તિપ્રાણાયામ કહેવામાં આવે છે, પૂરકને આપ્યંતરવૃત્તિપ્રાણાયામ કહેવામાં આવે છે અને કુંભક (તેમ જ ચતુર્થને) સ્તંભવૃત્તિપ્રાણાયામ કહેવામાં આવે છે. ભાષ્યકાર જણાવે છે કે શ્વાસપૂર્વક ગતિનો અભાવ જ્યાં હોય તે આત્યંતરવૃત્તિ પૂરક છે, પ્રશ્વાસપૂર્વક ગતિનો અભાવ જ્યાં હોય તે બાહ્યવૃત્તિ રેચક છે, અને જ્યાં શ્વાસ અને પ્રશ્વાસનો અભાવ એક જ વારના વિધારક પ્રયત્નથી કરવામાં આવે તે સંભવૃત્તિ કુંભક છે. જેમ તપાવેલા પથ્થર ઉપર પડેલું પાણી બંધી બાજુથી સંકોચ પામે છે તેમ કુંભકમાં વહનશીલ વાયુ બળવાન વિધારક પ્રયત્નથી ચારે બાજુથી સંકોચાઈ શરીરમાં સૂક્ષ્મરૂપે રહે છે. પાણીને અંદર સમાવવા કે બહાર કાઢવાના પ્રયત્ન વિના માત્ર ધારણ કરી રાખવાના પ્રયત્નથી જ કુંભ જેવી રીતે પોતાની અંદર પાણીને સ્થિર ધારણ કરી રાખે છે તેવી રીતે સાધક પૂરક કે રેચક પ્રયત્ન વિના માત્ર ધારક પ્રયત્નથી જ વાયુને શરીરમાં નિશ્ચલ ધારણ કરી રાખે છે. આ કુંભક પ્રાણાયામ છે. જેમ તૂણેલું રૂ ફેલાઈને દીર્ઘ તેમ જ સૂક્ષ્મ બને છે તેમ પ્રાણાયામ પણ પ્રતિદિન અભ્યાસ કરવાથી દેશ, કાળ તથા સંખ્યાની વૃદ્ધિ દ્વારા પરિવર્ધિત થતો દીર્ઘ અને સૂક્ષ્મ બને છે. પ્રાણાયામનું લાંબા કાળ સુધી રહેવું એ એની દીર્ઘતા છે અને પ્રાણાયામમાં વાયુનું અતિસૂક્ષ્મ સંચરણ હોવું તે એની સૂક્ષ્મતા છે. રેચક, પૂરક અને કુંભક ત્રણેયને અભ્યાસથી દીર્ઘ અને સૂક્ષ્મ કરવા તે સાધકનું કર્તવ્ય છે. આ ત્રણની દીર્ઘતા તથા સૂક્ષ્મતાનો નિર્ણય દેશ, કાલ તથા સંખ્યા દ્વારા થાય છે. રેચક પ્રાણાયામની દીર્ઘતા-સૂક્ષ્મતાનો દેશ દ્વારા નિર્ણય કેવી રીતે થાય ? પવનરહિત દેશમાં નાકના અગ્રભાગથી એક વેંત દૂર તૂણેલું રૂ મૂકો અને જુઓ કે નાકની બહાર પ્રાણવાયુની ગતિથી તે ફરફરે છે કે નહિ. જો ફરફરે તો જાણવું કે ત્યાં સુધી બાહ્ય વાયુનો વિષય સ્થિર થઈ ગયો છે. વેંતની મર્યાદા વધારતા જઈ દોઢ હાથ સુધી કરો. આવી રીતે જ્યારે દોઢ હાથ છેટે બાહ્ય વાયુ સ્થિર થાય ત્યારે માનવું કે રેચક પ્રાણાયામ તેટલો દીર્ધસૂક્ષ્મ થયો છે. પૂરક પ્રાણાયામની દીર્ઘતા-સૂક્ષ્મતાનો દેશ દ્વારા નિર્ણય કેવી રીતે કરવો ? પગના તળિયાથી માંડી મસ્તક સુધી કીડીના સ્પર્શ જેવા સ્પર્શ તરફ લક્ષ રાખવું. એ સ્પર્શ જ્યાં અનુભવાય ત્યાં તે સ્થિર થયો કહેવાય. નાભિચક્રદેશ સુધી સ્થિર થયેલા પૂરકને તેટલો દીર્ઘસૂક્ષ્મ કહી શકાય. કુંભકની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય કેવી રીતે થાય ? રેચક અને પૂરકના જે બાહ્ય-આત્યંતર દેશ છે તે જ બહારના અને અંદરના વાયુના એક સાથે વિલય થવાના દેશ છે, એટલે કુંભકની દીર્ઘતા અને સૂક્ષ્મતાનો નિશ્ચય ઉક્ત રૂના પ્રયોગ દ્વારા અને ઉક્ત કીડીના સ્પર્શ જેવા સ્પર્શ દ્વારા થાય છે. કાળ દ્વારા પ્રાણાયામોની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય કેવી રીતે કરવો ? આંખની નિમેષક્રિયામાં જેટલો કાલ જાય છે તેટલા કાલના ચોથા ભાગને ક્ષણ કહે છે. તે ક્ષણ વડે ત્રિવિધ