________________
ષદર્શન
પ્રશાન્તવાહિતા માટે ચિત્તને સ્થિર થવાની ટેવ પાડવા કરાતો પ્રયત્ન.” એકનો એક અક્ષર ઘૂંટવાથી તે અક્ષર હાથ સહેલાઈથી લખી શકે છે. તેવી જ રીતે ચિત્તને એક વિષય ઉપર અમુક સમય સુધી સ્થિર રાખવાની ક્રિયા વારંવાર કરવાથી ચિત્તને તેટલા સમય સુધી સ્થિર રહેવાની ટેવ પડી જાય છે અર્થાત્ તેટલા સમય સુધી સ્થિર રહેવું તેને સહજ અને સરળ થઈ જાય છે. અમુક સમય સુધી સ્થિર રહેવાની ટેવ ચિત્તને પડી જાય એટલે એ સમયની અવધિમાં થોડોક વધારો કરવો અને આમ ચિત્તને ઉત્કૃષ્ટ સમય સુધી એક વિષય ઉપર સ્થિર રહેવાની ટેવ પડે ત્યાં સુધી કરતા રહેવું. આ અભ્યાસ છે. આ અભ્યાસમાં વિષયને પણ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને બાહ્યમાંથી આંતર કરવાનું જરૂરી છે.
૨૨૪
ચિત્તને અમુક વિષય ઉપર અમુક વખત સુધી સ્થિર રહેવાની ટેવ પાડવા માટે કેટલો અને કેવો અભ્યાસ કરવો જોઈએ ? આના ઉત્તરમાં પતંજલિ જણાવે છે કે અભ્યાસ લાંબા સમય સુધી કરવો જોઈએ, સતત કરવો જોઈએ અને આદરપૂર્વક ફરવો જોઈએ. ચિત્તને એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર ઠેકડા માર્યા કરવાની ટેવ અનાદિ કાળની છે એટલે એ ટેવ કદીય ન છૂટે એવું માનવું પતંજલિ યોગ્ય ગણતા નથી. તેમનું માનવું છે કે ચિત્તને સ્થિર રહેવાની ટેવ પાડવા લાંબા કાળ સુધી અભ્યાસ કરવો જરૂરી છે. તેમ કરવાથી ચિત્તની એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર ઠેકડા મારવાની ટેવ શિથિલ થઈ ટળી જાય છે અને ચિત્તને સ્થિરતાની ટેવ પડે છે. લાંબા કાળ સુધી અભ્યાસ કરે પણ જો વચ્ચે વચ્ચે અટકીને અભ્યાસ કરે તો તે અનભ્યાસના ગાળા દરમ્યાન ચિત્ત ઠેકડા મારવા માંડે અને તેની ઠેકડા મારવાની ટેવ શિથિલ ન થતાં બળવાન બને. ટુકડે ટુકડે અભ્યાસ કરવાથી તે અભ્યાસ સફળ થતો નથી. એટલે અભ્યાસ લાંબા કાળ સુધી કરવો એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ સાથે સાથે અભ્યાસ નિયમિત કરવો એ પણ અત્યંત જરૂરી છે. વળી, અભ્યાસ આદરપૂર્વક કરવો જોઈએ. જો અભ્યાસ આદરપૂર્વક યા શ્રદ્ધાપૂર્વક ન કરવામાં આવે અને માત્ર બહારના દબાણને કારણે કે ડોળ માટે કરવામાં આવે તો તેવો અભ્યાસ પણ સફળ થતો નથી. યોગભાષ્યકાર જણાવે છે કે અભ્યાસ આદરપૂર્વક થતો ત્યારે જ ગણાય જ્યારે તે શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્ય અને વિદ્યાથી સમન્વિત હોય. આમ ચિત્તની ઉત્કૃષ્ટ સ્થિરતારૂપ પ્રશાંતવાહિતા સંપાદન કરવા પ્રશાંતવાહિતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર આદરપૂર્વક ચિત્તને સ્થિર કર્યા કરવાનો યત્ન એ અભ્યાસ. ચિત્તને સ્થિર થવામાં સહાય કરનાર બહિરંગ અને અંતરંગ ઉપાયોનું પણ લાંબા કાળ સુધી નિરંતર આદરપૂર્વક વારંવાર અનુષ્ઠાન અભ્યાસ છે.
વૈરાગ્ય એટલે શું ? વૈરાગ્ય એટલે રાગરહિતપણું યા તૃષ્ણારહિતપણું. વૈરાગ્ય બે પ્રકારનો છે—અપર અને ૫૨. લૌકિક અને અલૌકિક વિષયો પ્રત્યેના રાગનો જય એ અપર વૈરાગ્ય જ્યારે વિવેકજ્ઞાનધારીનો પોતાના ચિત્ત પ્રત્યેના રાગનો જય એ પર વૈરાગ્ય છે. આમ અપર વૈરાગ્ય સંપ્રજ્ઞાતયોગ યા પ્રશાંતવાહિતાનું કારણ છે જ્યારે પર વૈરાગ્ય અસંપ્રજ્ઞાતયોગ યા સંસ્કારશેષ અવસ્થા યા સંપૂર્ણ વૃત્તિનિરોધનું કારણ છે. અમુક વિષય પ્રત્યે વૈરાગ્ય થવામાં અને તે વૈરાગ્ય દૃઢીભૂત થવામાં મુખ્ય કારણ તે