________________
૨૧૪
ષદર્શન
બંનેય એકબીજાથી નિરપેક્ષ પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. બેમાંથી જે બળવાન હોય તે પોતાના વિરોધીનો પરિહાર કરે એમાં કંઈ અજુગતું નથી. વિપર્યયજ્ઞાન પછી ઉત્પન્ન થતું પ્રમાણજ્ઞાન બળવાન હોઈ વિપર્યયજ્ઞાનને દૂર કરે છે. આની સામે વળી કોઈ વાંધો ઉઠાવે છે કે પૂર્વના જ્ઞાન કરતાં પછીના જ્ઞાનને વધુ બળવાન માનવું બરાબર નથી. બળવાન તો પૂર્વનું જ્ઞાન જ હોય છે. શ્રુતિ સ્મૃતિની પહેલાં હોય છે, પ્રત્યક્ષ અનુમાનની પહેલાં હોય છે. એટલે, જેમ સ્મૃતિથી શ્રુતિને અને અનુમાનથી પ્રત્યક્ષને બળવાન માનીએ છીએ તેમ પ્રમાણથી વિપર્યયજ્ઞાનને બળવાન માનવું જોઈએ. આ વાંધો ઉઠાવનારને યોગદર્શન ઉત્તર આપે છે કે તમારા કથનમાં દોષ છે. શ્રુતિ સ્મૃતિ કરતાં અને પ્રત્યક્ષ અનુમાન કરતાં બળવાન છે તેનું કારણ શ્રુતિ સ્મૃતિની પહેલાં અને પ્રત્યક્ષ અનુમાનની પહેલાં છે એ નથી પરંતુ શ્રુતિ સ્મૃતિના મૂળમાં છે અને પ્રત્યક્ષ અનુમાનના મૂળમાં છે એ છે. સ્મૃતિ સ્મ્રુતિમૂલક છે અને અનુમાન પ્રત્યક્ષમૂલક છે. સ્મૃતિ શ્રુતિમૂલક હોઈ શ્રુતિ સ્મૃતિથી બળવાન છે. અનુમાન પ્રત્યક્ષમૂલક હોઈ પ્રત્યક્ષ અનુમાનથી બળવાન છે. આથી ઊલ્ટું વિપર્યય પ્રમાણ પહેલાં હોવા છતાં તે પ્રમાણનું મૂળ નથી. પ્રમાણ વિપર્યયમૂલક નથી. એટલે, પ્રમાણથી વિપર્યયને બળવાન ન ગણી શકાય. પરંતુ વિપર્યય પણ પ્રમાણમૂલક નથી કે જેને કારણે આપણે પ્રમાણને વિપર્યયથી બળવાન ગણી શકીએ. તો પ્રમાણને વિપર્યયથી બળવાન ગણવાનું કારણ શું છે ? પ્રમાણ વિપર્યયથી બળવાન છે કારણ કે તે સદર્થવિષયક છે અને સદર્થવિષયક હોવાને કારણે અર્થક્રિયાકારી છે અર્થાત્ તેને આધારે આપણે કરેલી પ્રવૃત્તિ સફળ થાય છે.
ભિક્ષુ કહે છે કે યોગદર્શનને મતે ભ્રાન્તિમાં વિષય ઉપર જ્ઞાનાકારનો આરોપ કરવામાં આવે છે.૧૨ છીપમાં ચાંદીની ભ્રાન્તિના દૃષ્ટાંતમાં છીપ ઉપર ચિત્તગત ચાંદીના આકારનો આરોપ થાય છે. વળી, તેઓ જણાવે છે કે યોગદર્શન માત્ર ભેદાગ્રહણને જ ભ્રાન્તિ ગણતું નથી પરંતુ ભેદાગ્રહણ ઉપરાંત ભેદાગ્રહણને પરિણામે વિષયના અન્યરૂપે થતા ગ્રહણને ય ભ્રાન્તિમાં સમાવે છે.૧૩
વિપર્યય બે પ્રકારનો છે—પારમાર્થિક અને વ્યાવહારિક. પારમાર્થિક વિપર્યય એ અવિદ્યા છે. તે પુરુષ અને પ્રકૃતિના ભેદના અગ્રહણને કારણે પ્રકૃતિના ધર્મોના પુરુષમાં થતા આરોપરૂપ છે. તે સંસારનું અને સાંસારિક વ્યવહારનું બીજ છે. ખરી રીતે જોઈએ તો પરમાર્થિક વિપર્યયને જ્ઞાનરૂપ ગણવા કરતાં વલણરૂપ, શ્રદ્ધાનરૂપ ગણવો વધુ યોગ્ય છે. એટલે જ યોગદર્શન તેની ગણના ફ્લેશોમાં કરે છે. વ્યાવહારિક વિપર્યય એ તર્કશાસ્ત્રસંમત ભ્રાન્તિ યા સંશયરૂપ છે. આ જ ચિત્તવૃત્તિરૂપ યા જ્ઞાનરૂપ છે. એટલે અહીં વ્યાવહારિક વિપર્યય જ પ્રસ્તુત છે.
વિકલ્પ
શબ્દ સાંભળ્યા કે વાંચ્યા પછી ઉત્પન્ન થનારું, જેનું અસ્તિત્વ જ નથી એવા વિષયના આકારવાળું અને જેને આધારે ચાલતો વ્યવહાર બાધ પામતો નથી એવું જ્ઞાન તે વિકલ્પ.૧૪ આમ વિકલ્પરૂપ જ્ઞાન શબ્દજન્ય છે, વસ્તુસંસ્પર્શશૂન્ય છે અને