________________
૧૮૪
ષદર્શન - દસ અવયવોનો ઉલ્લેખ કર્યો છે–જિજ્ઞાસા, સંશય, પ્રયોજન (જિજ્ઞાસાનો ઉદેશ), શક્યપ્રાપ્તિ (સંશયના નિરાકરણનું સામર્થ્ય), સંશયનિરાકરણ, પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન. આમાંથી પ્રથમ પાંચ વ્યાખ્યાનાં અંગ છે જ્યારે અંતિમ પાંચ પ્રત્યયોત્પત્તિનાં અંગ છે. વ્યાખ્યાંગ પાંચ અવયવોની સમજૂતી નીચે પ્રમાણે છે : (૧) કોઈ વ્યક્તિ આચાર્ય પાસે જઈને પુરુષ વિશે જાણવાની ઇચ્છા પ્રગટ કરે છે– પુરુષ છે કે નહિ? આ છે જિજ્ઞાસા. (૨) આચાર્ય જાણવાને ઇચ્છે છે કે આવો સંશય થવાનું કારણ શું છે? જવાબ મળે છે કે આત્માની અનુપલબ્ધિ. આ છે સંશય. (૩) આચાર્ય પૂછે છે કે આવી જિજ્ઞાસાનું પ્રયોજન શું છે? ઉત્તર મળે છે કે “વ્યક્ત અવ્યક્ત અને પુરુષના સ્વરૂપજ્ઞાનથી મુક્તિ મળે છે આવું શાસ્ત્રમાં કહ્યું છે, એટલે મોક્ષપ્રાપ્તિ વિશે જે કહ્યું છે તેમાંથી જન્મેલી આ જિજ્ઞાસા છે. આ છે પ્રયોજન. (૪) આચાર્ય જણાવે છે કે આ સંદેહનું સમાધાન થઈ શકે છે. આ છે શક્યપ્રાપ્તિ. (૫) પ્રમાણત્રય દ્વારા નિશ્ચિત સિદ્ધાંતમાં શ્રદ્ધા થાય છે. આ છે સંશયનિરાકરણ. ત્યાર પછી પ્રતિજ્ઞા વગેરેના પ્રયોગ દ્વારા પુરુષનું અસ્તિત્ત્વ નિર્ધારિત થાય છે. માઠર અનુમાનના ત્રણ અવયવો સ્વીકારે છે–પક્ષ, હેતુ અને દષ્ટાન્ત. પક્ષનો અર્થ અહીં છે પ્રતિજ્ઞા. તેમના મતે પક્ષાભાસ નવ છે, હેત્વાભાસ ચૌદ છે અને દષ્ટાન્નાભાસ દશ છે. એટલે આ તેત્રીસ આભાસોથી રહિત અને ત્રણ અવયવોથી યુક્ત અનુમાન હોય છે. વળી, અનુમાન પંચાવયવવિશિષ્ટ પણ હોઈ શકે છે એ વાતનો તેમણે સ્વીકાર કર્યો છે. તે પાંચ અવયવો છે–પ્રતિજ્ઞા, અપદેશ, નિદર્શન, અનુસંધાન અને પ્રત્યાખ્ખાય. આ પાંચ અવયવો પૂર્વોક્ત પાંચ અવયવો જેવા જ છે.' જિજ્ઞાસા વગેરે દસ અવયવો પુરાણા નૈયાયિકો સ્વીકારતા હતા એવું વાત્સ્યાયને પોતાના ન્યાયભાષ્યમાં જણાવ્યું છે, અને એ દસને તેમણે ગણાવ્યાં છે.” યુક્તિદીપિકાકારે આપેલાં નામો જ ન્યાયભાષ્યમાં પણ છે. - કોઈ એક પદાર્થ કોઈ એક પદાર્થની સાથે નિયત અવસ્થાન કરે છે. કોઈ એક વસ્તુના અભાવમાં અન્ય એક વસ્તુનો અભાવ થાય છે. કોઈ એક પદાર્થ ઉત્પન્ન થતાં તેની સાથે કે તેની અવ્યવહિત પર અન્ય એક પદાર્થ ઉત્પન્ન થાય છે. કોઈ એક વસ્તુનું જ્ઞાન થતાં તેની સહચર બીજી વસ્તુનું જ્ઞાન થાય છે. આમ અનેક પ્રકારે એક પદાર્થની સાથે બીજા પદાર્થનો અવિનાભાવ અર્થાત્ સ્વાભાવિક અવિયુક્તભાવે હોવાનો નિયમ દેખાય છે. તે નિયમ તે જ વ્યાતિ છે. આ અવિનાભાવવિશિષ્ટ વસ્તુ વ્યાપ્ય કહેવાય છે અને તેની સાથે જે પદાર્થની વ્યાપ્તિ તે પદાર્થ છે વ્યાપક. વ્યાપ્તિસંબંધ ત્રિવિધ છેઅન્વયી, વ્યતિરેકી અને અન્વયવ્યતિરેકી. સાધન હોતાં સાધ્ય હોય છે આવી રીતની વ્યાપ્તિ અન્વયી છે, જેમ કે ધૂમ હોતાં વહ્નિ હોય છે. સાધ્ય ના હોતાં સાધન હોતું નથી. આવી રીતની વ્યાપ્તિ વ્યતિરેકી છે, જેમ કે વતિ ન હોતાં ધૂમ પણ હોતો નથી અથવા કારણના અભાવમાં કાર્યનો અભાવ હોય છે. હોતાં હોવું, ન હોતાં ન હોવું આ રીતની ઉભયમુખી વ્યાપ્તિ અન્વયવ્યતિરેકી છે, જેમ કે દ્વૈધનયોગ (ભીનાશવાળા ઇંધણ સાથે અગ્નિનો સંબંધ) હોતાં ધૂમ હોય છે, ન હોતાં નથી હોતો.