________________
અધ્યયન ૧૭ ઈશ્વર
સાંખ્યદર્શન ઈશ્વરના અસ્તિત્વ બાબતે ઉદાસીન છે. ઈશ્વરકૃષ્ણની કારિકામાં ઈશ્વરનું અસ્તિત્વ પ્રતિષ્ઠિત નથી થયું તેમ જ નિરાકૃત પણ નથી થયું.
સાંખ્યસિદ્ધાન્તમાં ઈશ્વર જગતનો સ્રષ્ટા નથી. પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિનું ઉપાદાનકારણ છે પ્રકૃતિ અને નિમિત્તકારણ છે જીવોના ધર્માધર્મ. જીવોના ધર્માધર્મ અનુસાર તેમના ભોગ અને અપવર્ગ માટે પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જન કરે છે.' સૃષ્ટિની શરૂઆતમાં કર્માધીન પુરુષોના સંસ્પર્શના પ્રભાવે પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ થાય છે અને સૃષ્ટિક્રિયાનો પ્રારંભ થાય છે. ઈશ્વર જગતનો કર્તાય નથી, ધર્તાય નથી કે હર્તા(ધ્વંસકર્તા)ય નથી.
સાંખ્યકારિકાના ટીકાકાર વાચસ્પતિ પોતાની સાંખ્યતત્ત્વકૌમુદી (કા. ૫૭)માં સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની અપેક્ષા પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી એમ જણાવે છે. ઈશ્વરાસ્તિત્વવાદીઓ કહે છે કે અચેતન અને અજ્ઞ પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જન ન કરી શકે; વળી, તે તે દેહસ્થ જીવાત્માઓ પ્રકૃતિના પ્રેરક બની જગતનું સર્જન કરી શકે નહિ કારણ કે તેઓ પ્રકૃતિના સ્વરૂપથી અજ્ઞાત છે; એટલે સર્વદર્શી નિત્ય ઈશ્વર જ પ્રકૃતિના સૃષ્ટિકાર્યનો પ્રેરક બની શકે. આ આપત્તિના ઉત્તરમાં વાચસ્પતિ જણાવે છે કે વત્સપોષણ માટે ગાયના સ્તનમાંથી જેમ અજ્ઞ દૂધ ઝરે છે તેવી રીતે પુરુષના ભોગ અને મોક્ષ માટે અન્ન પ્રકૃતિ સૃષ્ટિક્રિયામાં પ્રવૃત્ત થાય છે. ઈશ્વરને જો પ્રકૃતિનો પ્રેરક માનીએ તો સૃષ્ટિકાર્યમાં તેની પ્રેરણારૂપ પ્રવૃત્તિનું કારણ શું હોઈ શકે ? જગતમાં બુદ્ધિમાન લોકો સ્વાર્થથી પ્રેરાઈને કે કરુણાથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરે છે. પરંતુ ઈશ્વરને તો કોઈ સ્વાર્થ હોઈ શકે નહિ, કારણ કે તે તો પૂર્ણ છે. કરુણાવશે પણ તેની પ્રવૃત્તિ ઘટતી નથી. સૃષ્ટિ પહેલાં દુઃખ હોતું નથી, કારણ કે જીવોનાં દેહ, ઇન્દ્રિયો અને દુઃખદાયક વસ્તુઓની ઉત્પત્તિ થઈ જ હોતી નથી. એટલે સૃષ્ટિ પૂર્વે કરુણા જ સંભવતી નથી. સૃષ્ટિ પછી દુઃખ જોઈને ઈશ્વરને કરુણા જન્મે છે એમ પણ ન કહી શકાય, કારણ કે એમ માનતાં ઈતરેતરાશ્રયદોષ આવે કરુણાવશે સૃષ્ટિ અને સૃષ્ટિજન્ય દુઃખ જોઈને કરુણા. વળી, ક્રુણાવશે ઈશ્વરની સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્તિ હોય તો તે બધાં પ્રાણીઓને સુખી જ કેમ ન સર્જે ?, કોઈ સુખી અને કોઈ દુઃખી એવી વિચિત્ર સૃષ્ટિ કેમ કરે ? જો "કહેવામાં આવે કે જીવોના ધર્માધર્મરૂપ કર્મવૈચિત્ર્યને પરિણામે સૃષ્ટિવૈચિત્ર્ય છે તો કહેવું જોઈએ કે કર્મોના