________________
સાંખ્યદર્શન
૧૯૫ અધિષ્ઠાતારૂપે ઈશ્વરને સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. કર્મો સ્વયં પોતપોતાનું ફળ આપે છે. પ્રકૃતિ અજ્ઞ છે; તે સ્વાર્થે કે કરુણાવશે સૃષ્ટિ કરતી નથી. તે પોતે સ્વયં મહત્ વગેરરૂપે પરિણમે છે. જગતનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે, નિમિત્તકારણ જીવોનાં ધર્માધર્મરૂપ કર્મો છે. તેથી સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની કોઈ જરૂર યા અપેક્ષા નથી. યુક્તિદીપકાકાર પણ વાચસ્પતિની દલીલો જેવી દલીલો આપીને ઈશ્વરના જગતકર્તુત્વનો નિષેધ કરે છે.'
સાંગસૂત્રકાર ઈશ્વરનો જોરદાર પ્રતિષેધ કરે છે. ઈશ્વરને પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી." “પ્રમેયસિદ્ધિઃ પ્રમાણાદ્ધિના નિયમને માનનાર સાંખ્યોને મતે પ્રમેયની અસિદ્ધિ અને પ્રમેયનો અભાવ બે જુદી વસ્તુ રહેતી જ નથી કારણ કે પ્રમેયનું અસ્તિત્વ હોય તો તે કોઈ ને કોઈ પ્રમાણથી ગ્રાહ્ય યા સિદ્ધ થાય જ એવો સાંખ્યમત છે. એટલે, ઈશ્વર કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી. એનો અર્થ ઈશ્વર નથી એ જ થાય. સૂત્રકાર કહે છે કે જો ઈશ્વર હોય જ તો તે કાં તો બદ્ધ હોય કાં તો મુક્ત હોય, ત્રીજો કોઈ પ્રકાર યા વિકલ્પ સંભવતો નથી. ઈશ્વરને બદ્ધ (કલેશાદિયુક્ત) માની શકાય નહિ કારણ કે એમ માનતાં તો ઈશ્વર સાધારણ જન જેવો બની જાય અને તેનામાં અચિંત્યરચનાવાળું જગત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહે નહિ. ઈશ્વરને મુક્ત (કલેશાદિરહિત) માનવાથી તેનામાં અભિમાન તેમ જ રાગાદિનો અભાવ જ થાય અને આવો ઈશ્વર પણ જગતનો કર્તા બની ન શકે. જો ઈશ્વર ન જ હોય તો શ્રુતિસ્મૃતિમાં “તે સર્વજ્ઞ છે, સર્વકર્તા છે” એવાં જે વાક્યો આવે છે તેનો શો અર્થ ઘટાવશો? આવાં વાક્યો સિદ્ધપુરુષોને ઉદ્દેશીને છે, નિત્ય ઈશ્વરને ઉદ્દેશીને નથી. આ સિદ્ધપુરુષોથી પ્રકૃતિલીન જીવો સૂચવાય છે. પૂર્વ સર્ગમાં પ્રકૃતિની ઉપાસના કરવાથી જે પુરુષો પ્રકૃતિમાં લીન થયેલા હોય છે તે પુરુષો પુનઃ નવા સર્ગના આદિકાળમાં સર્વ વસ્તુઓને યથાયોગ્ય જાણનાર અને સર્વ પદાર્થોને કરવાનું સામર્થ્ય ધરાવનારા આદિપુરુષો થાય છે, અર્થાત્ નવા સર્ગમાં મહાસિદ્ધ થાય છે. આવા અનિત્ય ઈશ્વરને સાંખ્યો માને છે. પરંતુ નિત્ય ઈશ્વરને સાંખ્યો માનતા નથી. અજ્ઞ અને અચેતન દૂધમાંથી દહીં નિયત ક્રમે જ થાય છે; બીજમાંથી યોગ્ય ક્રમે જ અંકુર, પ્રકાંડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ ઉદ્ભવે છે. કોઈ પણ પુરુષના પ્રયત્ન વિના તે દૂધ અને બીજા સ્વભાવથી જ નિયત ક્રમે દહીં અને અંકુરાદિમાં પરિણમે છે–માત્ર દૂધને અસ્ફરસના સંયોગની અને બીજને પાણી વગેરેના સંયોગની અપેક્ષા છે.'' તેવી જ રીતે પ્રકૃતિમાંથી મહત્ વગેરે તત્ત્વોની ઉત્પત્તિ નિયતક્રમમાં પ્રકૃતિના પોતાના સ્વભાવથી જ થાય છે - માત્ર તેમની સૃષ્ટિના પ્રારંભ માટે પ્રકૃતિને ધર્માધર્મવિશિષ્ટ પુરુષોની સન્નિધિની જ માત્ર અપેક્ષા રહે છે. જેઓ ઈશ્વરને અધિષ્ઠાતા માને છે તેમને પણ કહેવું પડે છે કે ઈશ્વર કર્મોની ઉપેક્ષા કરી પોતાના સામર્થ્યથી ફળ આપી શકતો નથી. એટલે, કર્મો જ માનવાં જોઈએ જે પોતપોતાના સ્વરૂપાનુસાર આપમેળે નિયતક્રમે ફળે છે. વધારાનો ઈશ્વર માનવાની જરૂર જ નથી. અધિષ્ઠાતાની પ્રવૃત્તિ જગતમાં સ્વાર્થપ્રેરિત યા રાગપ્રેરિત હોય છે અને ઈશ્વર તો પૂર્ણકામ અને વીતરાગ જ હોઈ શકે એટલે તેવો ઈશ્વર અધિષ્ઠાતા છે એવું માનવું અયોગ્ય છે.''