________________
સાંખ્યદર્શન
૧૮૫
અનુમાન વીત અને અવીત એમ બે પ્રકારનું છે. સાધન હોતાં સાધ્યના હોવારૂપ અન્વયમુખે જે બુદ્ધિવૃત્તિરૂપ જ્ઞાન થાય અને જે પ્રમાણાન્તર દ્વારા અગ્રાહ્ય ભાવવસ્તુનું જ્ઞાપક હોય તે વીતા અનુમાન, સાધ્યના અભાવમાં સાધનના અભાવરૂપ વ્યતિરેકમુખે જે બુદ્ધિવૃત્તિ ઉત્પન્ન થાય અને જે પ્રમાણાન્તરે ન ગ્રહણ કરેલા વિષયને ગ્રહણ કરે તે અવીતાનુમાન. વીતાનુમાન વિધાયક છે અને અવીતાનુમાન નિષેધક યા અભાવબોધક છે. વીતાનુમાનના બે પ્રકાર છે - ‘પૂર્વવત્’ અને ‘સામાન્યતો દષ્ટ’. અવીતાનુમાનનો એક જ પ્રકાર છે ‘શેષવત્.
,૪૩
‘પૂર્વવત્’અનુમાન એટલે કાર્ય ઉપરથી કારણનું અનુમાન. જે સાધ્યની જાતિની વસ્તુ પૂર્વે પ્રત્યક્ષગોચર થઈ હોય તે સાધ્યના અનુમાનને પૂર્વવત્ કહેવામાં આવે છે, જેમ કે ‘પર્વત ઉપર અગ્નિ છે કારણ કે ત્યાં ધુમાડો છે.’અહીં પર્વત પક્ષ છે, અગ્નિ સાધ્ય છે અને ધુમાડો હેતુ છે. સાધ્ય અગ્નિ અહીં પર્વત ઉપર દેખાતો ન હોવા છતાં એ જાતિના બીજા અગ્નિને તો આપણે પહેલાં રસોડા વગેરે સ્થાને પ્રત્યક્ષ જાણેલો હોય છે. રસોડાના અગ્નિમાં અને સાધ્ય અગ્નિમાં જાતિભેદ નથી, બન્નેમાં અગ્નિત્વરૂપ સામાન્ય છે. અગ્નિત્વરૂપ સામાન્ય ધરાવતા અગ્નિવેશેષો યા અગ્નિવ્યક્તિઓ પ્રત્યક્ષગોચર થઈ શકે છે. એવી વસ્તુઓ કે જે કદીય પ્રત્યક્ષગોચર થઈ શકે જ નહિ તેમનું અનુમાન પૂર્વવત્ પ્રકારનું હોતું નથી. તે અનુમાન કાં તો ‘શેષવત્’ હોય છે કાં તો સામાન્યતો દષ્ટ' હોય છે.૪૪
‘સામાન્યતો દૃષ્ટ’ અનુમાન ‘પૂર્વવત્’ અનુમાનથી ઊલટું છે. આ અનુમાનમાં જે સાધ્યનું અનુમાન કરવામાં આવે છે તે સાધ્યની જાતિની કોઈપણ વસ્તુ કદીય પ્રત્યક્ષગોચર થવી શક્ય નથી. એક ઉદાહરણથી આ અનુમાનને સમજીએ. રૂપજ્ઞાન, રસજ્ઞાન વગેરે જ્ઞાનો ક્રિયારૂપ છે. જે ક્રિયારૂપ હોય તે કરણયુક્ત હોય જ. એટલે આ જ્ઞાનો પણ કરણયુક્ત હોવા જ જોઈએ. અને આ જ્ઞાનના કરણરૂપ વસ્તુ બીજી કરણરૂપ વસ્તુઓથી તદ્દન ભિન્ન જાતિની છે. જ્ઞાનના કરણરૂપ વસ્તુ ઇન્દ્રિયજાતિની છે જ્યારે બીજી કરણરૂપ વસ્તુઓ ઇન્દ્રિયજાતિની નથી. ઇન્દ્રિયરૂપ કરણ કદીય પ્રત્યક્ષ થતું નથી જ્યારે બીજાં કરણો પ્રત્યક્ષ થાય છે. એટલે ક્રિયા ઉ૫૨થી કરણસામાન્યનું અનુમાન (આ થશે ‘પૂર્વવત્’) કરી જ્ઞાનના કરણવિશેષ ઇન્દ્રિયનું અનુમાન કરવું તે ‘સામાન્યતો દૃષ્ટ’ અનુમાન છે. અહીં કરણસામાન્ય દૃષ્ટ છે, કરણવિશેષ દૃષ્ટ નથી; કોઈક કરણ દૃષ્ટ છે, ઇન્દ્રિયરૂપ ક૨ણ દૃષ્ટ નથી. સાધ્ય ઇંદ્રિય છે. તેમાં ઇન્દ્રિયત્વ અને કરણત્વ બે સામાન્યો છે. ઇંદ્રિયત્વ સામાન્ય કરણત્વાન્તર્ગત છે. કરણત્વ દૃષ્ટ છે જ્યારે ઇંદ્રિયત્વ દૃષ્ટ નથી. એટલે ઇંદ્રિયત્વનું અનુમાન તે ઇંદ્રિયત્વ કરણત્વાન્તર્ગત હોઈ શક્ય બને છે. આમ ઇંદ્રિયરૂપ કરણવિશેષનું અનુમાન ‘સામાન્યતો દૃષ્ટ’નું ઉદાહરણ છે. ‘સામાન્યતો દૃષ્ટ’ અનુમાનથી અતીન્દ્રિય પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.૪૫
વ્યતિરેકવ્યાપ્તિ દ્વારા પ્રાપ્ત નિષેધાત્મક નિગમનવાળું અનુમાન અવીત કહેવાય છે. અને અવીતનો એક જ પ્રકાર શેષવત્ હોવાથી તેવા અનુમાનને શેષવત્ પણ કહેવાય છે.
૫-૧૩