________________
સાંખ્યદર્શન
૧૭૯ પ્રત્યક્ષલક્ષણ લાગુ પડવાની આપત્તિ આવે એ વાત બરાબર નથી. આના ઉત્તરમાં યુક્તિદીપિકાકાર જણાવે છે કે જો વિષયાવ્યવસાયને જ પ્રત્યક્ષનું લક્ષણ ગણીએ તો અન્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત વિષય ઇન્દ્રિયાન્તરના અધ્યવસાયરૂપ પ્રત્યક્ષનું લક્ષ્ય થઈ પડે. આ દોષના નિવારણ માટે ઈશ્વરકૃષ્ણ “પ્રતિ’ શબ્દનો પ્રયોગ પ્રત્યક્ષલક્ષણમાં કર્યો છે, એટલે નિયત વિષય સાથે જ તે વિષયગ્રાહક ઇન્દ્રિયના સંબંધના પરિણામે તે જ વિષયના સંબંધી જે બુદ્ધિવૃત્તિ થાય તે પ્રત્યક્ષપ્રમાણ છે.૧૭
પૂર્વોક્ત રીતે પ્રત્યક્ષલક્ષણનું સ્વરૂપ સમજાવતાં સુખ, દુઃખ, વગેરે આંતર વિષયો પ્રત્યક્ષના વિષય ઘટી શકે નહિ કારણ કે સુખ, દુઃખ વગેરેનું જ્ઞાન સન્નિકૃષ્ટ ઇન્દ્રિય દ્વારા થતું નથી. આથી સુખ, દુઃખ વગેરે આંતર વિષયોના જ્ઞાનમાં ઈશ્વરકૃષ્ણના પ્રત્યક્ષલક્ષણની અવ્યાપ્તિનો દોષ આવશે. આમ કહેવું બરાબર નથી. આ આપત્તિનું ખંડન કરવાના ઉદેશથી યુક્તિદીપિકાકારે પ્રતિવિષયાધ્યવસાયની બીજી રીતે વ્યાખ્યા કરી છે. આ બીજી વ્યાખ્યામાં પ્રતિ' શબ્દને અધ્યવસાયના વિશેષણ તરીકે લીધો છે. (વિષયે વિષય પ્રતિ યો મધ્યવસાયઃ તિ). “પ્રતિ’નો અર્થ આભિમુખ્ય યા સંમુખીભાવ છે એ તો આપણે જોઈ ગયા. એટલે આ બીજી વ્યાખ્યા અનુસાર પ્રત્યક્ષલક્ષણ થશે“આભિમુખ્ય યા સંમુખીભાવથી યુક્ત એવો વિષયનો અધ્યવસાય તે પ્રત્યક્ષ.” અર્થાત્ બાહ્ય યા આંતર, દૂરવર્તી યા નિકટવર્તી વિષય સાથેના આભિમુખ્ય યા સંમુખીભાવરૂપ સંબંધને લઈ થતો અધ્યવસાય તે પ્રત્યક્ષપ્રમાણ. પ્રથમ વ્યાખ્યામાં તો “પ્રતિ ઇન્દ્રિયના વિશેષણ તરીકે છે (વિષયં વિષયં પ્રતિ યો વર્તત તસ્મિન યોધ્યવસાયઃ ત૬ ૪ષ્ટમ). અહીં બીજી વ્યાખ્યામાં તો ઇન્દ્રિયને વચ્ચે લાવવામાં આવી જ નથી. એટલે સુખ, દુઃખ, વગેરેનું જ્ઞાન ઇન્દ્રિયજ ન હોવા છતાં તેમાં વિષયાભિમુખ્ય યા વિષયૌમુખ્ય હોવાથી તે પ્રત્યક્ષલક્ષણાક્રાન્ત બની રહે જ છે.'
યુક્તિદીપિકાકારની બીજી વ્યાખ્યા સ્વીકારતાં શબ્દ વગેરે વિષયોના ઇન્દ્રિયજ જ્ઞાનમાં પ્રત્યક્ષલક્ષણ નહિ ઘટે, કારણ કે બીજી વ્યાખ્યાનુસાર પ્રતિ શબ્દનો અર્થ છે વિષયનો અન્તઃકરણ (જેનો નિર્દેશ ઉપર “અધ્યવસાય” શબ્દથી કર્યો છે) સાથેનો સંબંધ. અન્તઃકરણ સાથે શબ્દ વગેરે વિષયોનો સાક્ષાત્ સંબંધ ઘટતો નથી. તેથી શબ્દ વગેરે વિષયોનો જે અધ્યવસાય થાય તે વિષયસંબદ્ધ અન્તઃકરણ દ્વારા થઈ શકે નહિ. એટલે આ બીજી વ્યાખ્યા પ્રમાણે શબ્દ વગેરે વિષયોના અધ્યવસાયને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડી શકે નહિ. જો શબ્દ વગેરેની સાથે અન્તઃકરણનો સાક્ષાત્ સંબંધ સ્વીકારીએ તો શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોની કલ્પના નિરર્થક થઈ જાય. વળી, ઈશ્વરકૃષ્ણ બાલ્વેન્દ્રિયોને દ્વારરૂપે અને અન્તકરણને દ્વારીરૂપે વર્ણવે છે. જો શબ્દ વગેરે વિષયોનો અન્તઃકરણ સાથે સાક્ષાત્ સંબંધ સ્વીકારવામાં આવે તો આ દ્વારદ્વારિભાવનો વ્યાઘાત થાય. બાધેન્દ્રિય દ્વારા ગૃહીત વિષયની જ બુદ્ધિત્તિ થાય છે. બુદ્ધિની સાથે બાહ્ય વિષયોનો સાક્ષાત્ સંબંધ થતો જ નથી. એટલે, બાહ્ય વિષયના ઇન્દ્રિયજ જ્ઞાનને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડી શકે તે માટે પ્રથમ વ્યાખ્યાને પણ અવશ્ય સ્વીકારવી જોઈએ. આ કારણે યુક્તિદીપિકાકાર પ્રતિવિષયાવ્યવસાયને એકશેષ સમાસ તરીકે સ્વીકારી બન્નેય વ્યાખ્યાનો સ્વીકાર કરે છે.૧૯