________________
અધ્યયન ૧૨ કાળ અને દિક
સાંખ્ય સૂત્રકાર જણાવે છે કે દિફ અને કાળ ‘ગારિ’ માંથી ઉત્પન્ન થાય છે.' ટીકાકારો “ગારિ'નો એવો અર્થ કરે છે કે છેવટે સૂત્રાર્થ એવો થાય કે દિફ અને કાળ આકાશમાંથી જે ઉત્પન્ન થાય છે. આકાશનો ભિન્ન ભિન્ન ઉપાધિઓ સાથે સંયોગ થતાં દિક અને કાળ ઉત્પન્ન થાય છે. અર્થાતુ, સૂર્ય વગેરેની ક્રિયાથી ઉપલક્ષિત આકાશ જ દિશા અને કાળ કહેવાય છે. ભિક્ષુ કહે છે કે આકાશમાંથી ઉત્પન્ન દિફ અને કાળ એ તો ખંડ દિફ અને કાળ છે, જ્યારે અખંડ દિફ અને કાળ આકાશમાંથી ઉત્પન્ન થતા નથી. અખંડ દિફ અને કાળ તો પ્રકૃતિના ગુણવિશેષરૂપ છે, નિત્ય છે. ભિક્ષુ આથી વિશેષ કંઈ જણાવતા નથી. અખંડ કાળને નિત્ય” કયા અર્થમાં સમજવો તેમ જ તેને પ્રકૃતિના ગુણવિશેષરૂપ કહેવાનો અર્થ શો એનો આપણે વિચાર કરી લઈએ. આનો અર્થ થઈ શકે પ્રકૃતિના ત્રણેય ગુણોનો મૂળભૂત સૂક્ષ્મ પરિણામ; આ પરિણામ કદીય આપણને પ્રત્યક્ષ થતો નથી અને સતત અવિચ્છિન્ન રીતે ચાલ્યા કરે છે – સામ્યાવસ્થામાં અને અસામ્યવસ્થામાં, પ્રલયમાં અને સૃષ્ટિમાં –, તે જ કાળ છે; અવિચ્છિન્નતા એ જ એની નિત્યતા છે.
યુક્તિદીપિકાકાર કાલને એવા કોઈ સ્વતંત્ર તત્ત્વ તરીકે સ્વીકારવા તૈયાર નથી જેમાંથી જગતની ઉત્પત્તિ થતી હોય. કાળ એ કોઈ સ્વતન્ત તત્ત્વ કે પદાર્થ નથી. પ્રહનક્ષત્રોની ગતિ, નાડીનું સ્પંદન, આંખની પાંપણનું ઊંચુંનીચું થવું, શ્વાસોચ્છવાસ વગેરે ક્રિયાઓને જ કાળ નામે ઓળખવામાં આવે છે. એથી અતિરિક્ત કોઈ કાળ નથી. જેમ બાહ્ય પદાર્થોમાં ક્રિયા જણાય છે તેમ જીવનાં કરણો પણ ક્રિયાયુક્ત હોય છે. એટલે, કરણીની ક્રિયાને પણ કાળ કહેવામાં આવે છે. વળી, સાંખ્યમાં ક્રિયા અને ક્રિયાવત્નો અભેદ હોઈ કાળને ક્રિયાયુક્ત બાહ્ય પદાર્થો અને કરણોની અંદર સમાવિષ્ટ માનવામાં આવ્યો છે. એક સ્થળે યુક્તિદીપિકાકાર જણાવે છે કે પદાર્થોની પરિણતિમાં કાળ જનક નથી પરંતુ તેમની પરિણતિમાં કંઈક સહાય તો કરે છે. આનો અર્થ એ થયો કે પદાર્થોના પરિણામોનું ઉપાદાનકારણ કાળ નથી પણ સહકારિકારણ તો તે છે. પદાર્થોના પરિણામોનું ઉપાદાનકારણ તો મૂલા પ્રકૃતિ છે. પદાર્થોના પરિણામોનું સહકારિતારણ કાળ છે એનો અર્થ એ કે પ્રકૃતિના મૂળભૂત સૂક્ષ્મ પરિણામ વિના પદાર્થોના તે તે પરિણામો ઉત્પન્ન થતા નથી અને આ મૂળભૂત સૂક્ષ્મ પરિણામને જ સાંખ્યો કાળ ગણે છે, કાળને કોઈ સ્વતંત્ર તત્ત્વ યા પદાર્થ તરીકે તે સ્વીકારતા નથી.