________________
૯૮.
ષદર્શન
પુરુષની મુક્તિ સાધી આપવા પ્રકૃતિની પ્રવૃત્તિ છે. પરંતુ પુરુષ તો અપરિણામી છે. તેની બાબતમાં બંધન, મોચન કે સંસરણ સંભવે નહિ. બંધનનો અર્થ છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનવેશ એ પાંચ કલેશો તેમ જ સંસ્કાર અને ધર્મધર્મ, સંસરણનો અર્થ છે એક દેહમાંથી બીજા દેહમાં ગમન. મોચનનો અર્થ છે બંધનમાંથી નિવૃત્તિ. પુરુષ તો નિત્યમુક્ત છે. બંધન તો ચિત્તમાં છે. પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડે છે એટલે પુરુષમાં તેનો આરોપ થાય છે એટલું જ. પુરુષને દુઃખયોગાત્મક બંધન અને દુ:ખવિયોગાત્મક મોક્ષ એકાન્તિક નથી. તે અવિવેકને લઈને થાય છે. પ્રકૃતિ-પુરુષનું ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી જીવનો બંધ છે. ભેદજ્ઞાન થતાં તે મુક્ત થાય છે.૭૯ આરોપિત સુખદુઃખને લઈ પુરુષને બંધન છે અને આરોપિત સુખદુઃખની નિવૃત્તિ જ પુરુષની મુક્તિ છે. આરોપિત સુખદુઃખનો ભોગ અને આરોપિત સુખદુઃખની નિવૃત્તિ આ બે પુરુષના પુરુષાર્થો છે. પ્રકૃતિ સ્વાર્થનિરપેક્ષ થઈ પુરુષના આરોપિત ભોગને માટે ધર્મ, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અવૈરાગ્ય, ઐશ્વર્ય અને અનૈશ્વર્ય દ્વારા પોતાંને પોતે બાંધે છે અર્થાત્ ધર્મ, અધર્મ, અજ્ઞાન, સંસ્કાર વગેરેની સૃષ્ટિ કરે છે.પરંતુ તે વિવેકખ્યાતિરૂપ તત્ત્વજ્ઞાન દ્વારા પોતે પોતાને મુક્ત કરે છે. પુરુષને વિવેકખ્યાતિ (ભાન) થતાં તેને તેના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. તેથી તે પુરુષના ભોગ અને અપવર્ગ માટે પ્રકૃતિ પોતાને પુનઃ પ્રવર્તિત કરતી નથી.
૮
૮૧
સાંખ્યનું ખંડન કરનારાઓ કહે છે કે સાંખ્યમાં સર્ગ વિના પુરુષનો બંધ ઘટે જ નહિ. પુરુષ નિર્ગુણ છે, તે ભ્રાન્તિને કારણે ગુણોના સુખ, દુઃખ વગેરે ધર્મોનો પોતાના ઉપર આરોપ કરે છે અને પરિણામે બંધનદશાને પામે છે આવું સાંખ્યાચાર્યો કહે છે. પરંતુ પ્રકૃતિની સૃષ્ટિ વિના ગુણોનો પ્રકાશ અને તેમના દ્વારા પુરુષનું બંધન સંભવે નહિ. બીજી બાજુ, સાંખ્યાચાર્યો પોતે જ કહે છે કે સૃષ્ટિ પુરુષની મુક્તિ માટે જ છે. આમ સૃષ્ટિથી જ પુરુષનો બંધ અને મોક્ષ બન્નેય થાય છે. કેવી વિચિત્ર વાત ! એક જ કારણમાંથી પરસ્પર વિરોધી બે કાર્યો થઈ જ ન શકે. યુક્તિદીપિકાકાર આ ખંડનકર્તાઓને નીચે પ્રમાણે યોગ્ય ઉત્તર આપે છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સૃષ્ટિ થાય છે. પુરુષને પોતાના સ્વરૂપના સાક્ષાત્કાર યા પ્રાકટ્યને માટે એક આધાર જરૂરી છે. જેમ અગ્નિની દહનશક્તિ અને કુઠારની છેદનશક્તિના પ્રાકટ્યને માટે દાહ્ય અને છેદ્ય વસ્તુ જરૂરી છે તેમ પુરુષના પ્રાકટ્યને માટે કોઈ માધ્યમ જરૂરી છે અર્થાત્ પુરુષના પ્રતિબિંબને ઝીલવા કોઈ ફલક જરૂરી છે. પ્રકૃતિ આ માધ્યમ યા ફલક છે. વળી, અચેતન પ્રકૃતિ પુરુષની સહાય વિના સંપૂર્ણાંગ-સૃષ્ટિક્રિયા સંપન્ન કરી શકતી નથી. પુરુષનું પ્રતિબિંબ ગ્રહણ કરીને પ્રકૃતિ ચૈતન્યછાયા પામે છે. તેથી પુરુષ અને પ્રકૃતિ ભિન્ન ધર્માવલંબી હોવા છતાં એકબીજાની અપેક્ષા રાખે છે. આ પરસ્પરાપેક્ષિતા એ જ તેમનો સંયોગ છે. અનાદિ અવિદ્યાને લઈને પુરુષ અને પ્રકૃતિનો સંયોગ પણ અનાદિ છે. પ્રલયકાળે પ્રકૃતિની સામ્યાવસ્થામાં પણ આ સંયોગનું બીજ રહેલું જ હોય છે. અન્યથા, પુનઃ સૃષ્ટિક્રિયા થઈ શકે નહિ. મુક્ત પુરુષની બાબતમાં આ સંયોગ અત્યન્તભાવે તૂટી ગયો છે, એટલે પ્રકૃતિ તેમના માટે સૃષ્ટિક્રિયા કરતી નથી, પરંતુ