________________
સાંખ્યદર્શન
૧૨૯
સ્રોતમાંથી તે ઉદ્ધૃત કર્યા હશે. મહાભૂતોના આ બધા વિશિષ્ટ ગુણો જીવોના વિભિન્ન પ્રયોજનો સિદ્ધ કરે છે. પાર્થિવ મહાભૂતમાં આકારગુણ હોવાથી એના દ્વારા ગાય, ઘટ, મનુષ્ય વગેરેની આકૃતિ ઉત્પન્ન થાય છે. એના ગુરુત્વધર્મના પરિણામે ગાય, મનુષ્ય વગેરે ભૌતિક દેહ ધારણ કરી શકે છે. એના રુક્ષતાધર્મને લીધે ભૌતિક દેહો જલને ગ્રહણ કરી શકે છે અને તેમાંથી દેહની કોમળતા ઉદ્ભવે છે. પૃથ્વી મહાભૂતના આવરકત્વધર્મને બળે મનુષ્ય આદિમાં અનભિપ્રેત વસ્તુને આચ્છાદિત કરવાની શક્તિ, સ્વૈર્યધર્મને બળે જીવ અને પદાર્થોમાં સ્થિતિશીલતા અને ક્ષાન્તિધર્મને બળે ઉપભોગયોગ્યતા નિષ્પન્ન થાય છે. જળ, વાયુ વગેરે જુદા જુદા મહાભૂતોના ભિન્ન ભિન્ન ધર્મોની ઉપયોગિતાનો વિષય પણ આ જ રીતે યુક્તિદીપિકામાં વર્ણવ્યો છે.૧૫
યોગદર્શનમાં પંચમહાભૂતના સામાન્ય રૂપ અને વિશેષ રૂપની વાત છે. પંચભૂતનું સામાન્ય રૂપ છે—પ્રત્યેક મહાભૂતનો વિશેષ વિશેષ ધર્મ; જેમ કે પૃથ્વીનું કાઠિન્ય, જળની તરલતા, વિધ્નની ઉષ્ણતા, વાયુની ગતિ અને આકાશની વ્યાપકતા. આને યોગસૂત્રમાં ‘સ્વરૂપ’ અને યોગભાષ્યમાં ‘સ્વસામાન્યરૂપ’ કહ્યું છે. અને આ પાંચ મહાભૂતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગુણોના જે વિશેષો છે તેમને તેમનું વિશેષ રૂપ કહ્યું છે, જેમ કે શબ્દગુણના વિશેષો ષડ્જ, ગાન્ધાર વગેરે; સ્પર્શના વિશેષો શીત, ઉષ્ણ, વગેરે; રૂપના વિશેષો નીલ, પીત, વગેરે; રસના વિશેષો કષાય, મધુર વગેરે; અને ગંધના વિશેષો સુરભિ વગેરે. આકાર, રુક્ષતા, ગુરુત્વ, વગેરે ધર્મોની સાથે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધ વસ્તુનું ‘સ્થૂલરૂપ’ગણાય છે. ઉત્પન્ન પ્રત્યેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ રૂપ છે. યોગભાષ્યકાર દ્રવ્યના સ્વરૂપની વાત કરતાં કહે છે કે સામાન્ય અને વિશેષ ધર્મોના સમુદાયને દ્રવ્ય કહેવામાં આવે છે.
પંચતન્માત્રમાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ વિશે આપણે વિચાર કર્યો. આ પાંચ મહાભૂતોમાંનું પ્રત્યેક પરમાણુઓના સમૂહરૂપ છે. પૃથ્વીમાં પાર્થિવ પરમાણુ, જળમાં જલીય પરમાણુ, તેજમાં રૂપપરમાણુ, વાયુમાં વાયવીય પરમાણુ અને આકાશમાં શબ્દપરમાણુ હોય છે. પાર્થિવ પરમાણુની ઉત્પત્તિ ગંધતન્માત્રમાંથી, રૂ૫૫૨માણુની ઉત્પત્તિ રૂપતન્માત્રમાંથી, જલીય પરમાણુની ઉત્પત્તિ રસતન્માત્રમાંથી, વાયવીય પરમાણુની ઉત્પત્તિ સ્પર્શતન્માત્રામાંથી અને આકાશપરમાણુની ઉત્પત્તિ શબ્દતન્માત્રમાંથી થાય છે. એક તન્માત્ર સાથે બીજા તન્માત્રોના મળવાથી મહાભૂતોની ઉત્પત્તિ થાય છે એવું જે માને છે તેઓ પ્રત્યેક મહાભૂતના પ્રધાન કારણરૂપે તો એક જ તન્માત્રને ગણે છે. ઉદાહરણાર્થ, શબ્દતસ્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર અને રસતન્માત્રની સાથે મળીને ગન્ધતન્માત્રમાંથી જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થાય છે ત્યારેય પાર્થિવ પરમાણુની ઉત્પત્તિમાં પ્રધાન કારણ તો ગન્ધતન્માત્ર જ છે. આ જ રીતે શબ્દપરમાણુ, વાયવીય પરમાણુ, રૂપપરમાણુ અને રસપરમાણુનું પ્રધાન કારણ અનુક્રમે શબ્દતન્માત્ર, સ્પર્શતન્માંત્ર, રૂપતન્માત્ર અને રસતન્માત્ર છે. આમ પરમાણુઓ તન્માત્રોમાંથી ઉત્પન્ન થાય છે.૧૭