________________
પદર્શન કરે તો તેની સુખદુઃખમોહાત્મકતા વિફળ થાય. ભોક્તા ન હોય તો ભોગ્ય નિરર્થક છે. ભોગ્ય વસ્તુને ભોક્તાની અપેક્ષા છે. એટલે ભોક્તા પુરુષની ભોગ્ય પ્રકૃતિ અપેક્ષા રાખે છે. બીજી બાજુ, પુરુષ મુક્તિ માટે પ્રકૃતિની અપેક્ષા રાખે છે. પુરુષ મુક્તસ્વભાવ અને નિઃખ હોવા છતાં અવિવેકવશે પ્રકૃતિની સાથે અવિવિક્તભાવે સંયુક્ત થાય છે. પ્રકૃતિ સાથે સંબદ્ધ પુરુષ પ્રકૃતિમાંથી ઉદ્ભૂત બુદ્ધિરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થઈ યા તો બુદ્ધિનું પ્રતિબિંબ ઝીલી પોતાના ઉપર દુઃખત્રયનો આરોપ કરે છે. દુઃખજ્વાલાથી જર્જરિત થઈ પુરુષ આત્મત્તિક ભાવે દુઃખત્રયની નિવૃત્તિ કરવા પ્રકૃતિ સાથેનો સંબંધ તોડવાની કામના કરે છે. આત્મત્તિકભાવે દુઃખત્રયનિવૃત્તિરૂપ કેવલ્ય માટે પુરુષ અને બુદ્ધિ બંને ભિન્ન સ્વભાવવાળાં છે એવું વિવેકજ્ઞાન આવશ્યક છે. આ વિવેકજ્ઞાનને વિવેકખ્યાતિ કે સત્ત્વપુરુષાન્યતાખ્યાતિ નામે ઓળખવામાં આવે છે. વિવેકખ્યાતિ માટે જરૂરી છે શ્રવણ, મનન, નિદિધ્યાસન, વગેરે. બુદ્ધિતત્ત્વ વિના શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે સંભવે નહિ. પ્રકૃતિ ના હોય તો બુદ્ધિતત્ત્વ ઉત્પન્ન ન થાય. આ કારણે જ કૈવલ્યપ્રાપ્તિ માટે પુરુષ પણ પ્રકૃતિની અપેક્ષા રાખતો જણાય છે. આ પરસ્પરની અપેક્ષાને કારણે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ છે. આ સંબંધને આધારે પ્રકૃતિનો મહત્તત્ત્વ વગેરરૂપે પરિણામ શક્ય બને છે. મહત્તત્ત્વ વગેરેની સૃષ્ટિ વિના કેવળ પ્રકૃતિ-પુરુષનો સંયોગ કદીય ભોગ કે કૈવલ્યના ઉત્પાદનમાં સમર્થ બને નહિ. સામ્યવસ્થાપન પ્રકૃતિનો ભોગ થઈ શકે નહિ.
પ્રકૃતિની પરિણતિના વૈચિત્ર્યના મૂળમાં રહ્યું છે જીવનું કર્મવૈચિત્ર્ય. જીવના ઉપાર્જિત ધર્મ અને અધર્મ અનન્ત પ્રકારના છે, તદનુસાર પ્રકૃતિની સૃષ્ટિ પણ અનન્ત પ્રકારની થાય છે. પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે અને જીવના ધર્મ-અધર્મ નિમિત્તકારણ છે. બાળપણથી જે વ્યક્તિ સેવક હોય તે જે રીતે શેઠની પરિચર્યા માટે નાના પ્રકારની ચેષ્ટા કરે છે તેવી રીતે પ્રકૃતિ પણ પુરુષને માટે નાનાવિધ કાર્યો કરે છે. પુરુષની સાથે પ્રકૃતિનો સ્વસ્વામીભાવ સંબંધ છે. એટલે, પ્રકૃતિ એક હોવા છતાં પુરુષનાં વિવિધ કર્મોને લીધે વિચિત્ર સૃષ્ટિ સંભવિત બને છે.”
મહત્તત્ત્વથી માંડી પંચમહાભૂત સુધીનાં તત્ત્વોની ઉત્પત્તિ પ્રકૃતિમાંથી થાય છે એ અવશ્ય સ્વીકારવું જોઈએ. એમની ઉત્પત્તિ કારણરહિત છે એમ કહેવાય નહિ. સૃષ્ટિને કારણહીન માનતાં જગત નિત્ય બની જાય. પરંતુ જગત તો સાવયવ અને રૂપવાનું હોવાથી તેની ઉત્પત્તિ અને વિલય અવશ્યભાવી છે. એટલે જગતને નિત્ય ગણી શકાય નહિ. જે કારણહીન હોય તેની ઉત્પત્તિ સંભવે નહિ. સૃષ્ટિને કારણશૂન્ય ગણતાં શશવિષાણની જેમ તેને મિથ્યા માનવી પડે. પરંતુ સૃષ્ટિ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ છે. તેને મિથ્યા ગણી શકાય નહિ. તેથી મહત્તત્ત્વથી માંડી પંચભૂત સુધીનાં તત્વો પ્રકૃતિનું પરિણામ છે. ચેતન જગતનું ઉપાદાન કારણ બની શકે નહિ કારણ કે તે અપરિણામી છે. પરિણામ વિના રૂપવિશિષ્ટ સાવયવ જગતની ઉત્પત્તિ થઈ શકે નહિ. ચેતન તો માત્ર નિયામક, દોરવણી આપનાર અધિષ્ઠાતા છે. આ નિયત્તા કોઈ એક