________________
યગ્દર્શન
વાચસ્પતિ બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે એવું માનતા નથી. આવું ન માનવામાં તે એકલા નથી. પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એટલું જ તે માને છે. એટલે તેમને મતે તો એવું થાય કે બુદ્ધિની વૃત્તિઓનું ભાન કે ભોગ ખરા પુરુષને નહિ પણ પ્રતિબિંબરૂપ તુચ્છ પુરુષને થાય છે, કહો કે પુરુષપ્રકાશથી પ્રકાશિત બુદ્ધિને થાય છે. બુદ્ધિ સ્વગત પુરુષપ્રતિબિંબને કારણે પોતે જ પુરુષ છે એવું અભિમાન કરે છે, અને સુખ, દુ:ખ તેમ જ વિષયના આકારે પુરુષરૂપ હું જ પરિણમી રહી છું એવું કલ્પ છે. વૃત્તિનિરોધ થતાં પુરુષનું પ્રતિબિંબ વિશદ બને છે અને તેમ થતાં બુદ્ધિમાં વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનો ઉદય થાય છે. પરિણામે, અત્યાર સુધી જેને પોતાનો સ્વામી માની જેની 'સાથે તદાત્મભાવે રહી હતી તે તો નિષ્ક્રિય છે, નિર્ગુણ છે વગેરેનું ભાન બુદ્ધિને થતાં તે તેનું સ્વામીપણું ફગાવી મુક્ત થાય છે, તે પુરુષના પ્રકાશથી પ્રકાશવાનું છોડી દે છે. અત્યાર સુધી પુરુષના આધિપત્ય અને અધિષ્ઠાતૃત્વમાં પોતાના વ્યક્તિત્વ - જડતા - ને દબાવી જે બુદ્ધિ ચેતન જેવી બની ગઈ હતી તે હવે પોતાનું ખરું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી સ્વસ્વભાવમાં રહેવાનું પસંદ કરે છે. આમ ભાન, ભોગ, બંધ, મોક્ષ બધું બુદ્ધિનિષ્ઠ છે, બુદ્ધિને છે. આ મતે આવું ફલિત થાય છે અને આ મતના પુરસ્કર્તાઓ એમ જ જણાવે છે. તેમને એમાં કંઈ અસંગત નથી લાગતું. :
•
૯૪
યોગભાષ્યકાર પુરુષ અને બુદ્ધિ વચ્ચેનો ભેદ સૂક્ષ્મ રીતે જ્ગાવે છે. પુરુષ બુદ્ધિથી અત્યન્ત સરૂપેય નથી કે વિરૂપેય નથી. તે અત્યન્ત સરૂપ નથી કારણ કે પુરુષ અપરિણામી છે જ્યારે બુદ્ધિ પરિણામી છે. પુરુષ અપરિણામી હોવાથી તેનો વિષય બુદ્ધિવૃત્તિ તેને કદી અજ્ઞાત હોતો નથી. બુદ્ધિ પરિણામી હોઈ તેનો વિષય બાહ્ય પદાર્થો તેને અજ્ઞાત પણ હોઈ શકે છે. પુરુષ તેના વિષયનું ગ્રહણ પ્રતિબિંબ દ્વારા કરે છે, જ્યારે બુદ્ધિ તેના વિષયનું ગ્રહણ તે વિષયાકારે પરિણમીને કરે છે. આથી જ કહ્યું છે કે પુરુષમાં પ્રત્યયાનુપશ્યતા છે જ્યારે બુદ્ધિમાં પ્રત્યયપશ્યતા છે. પ્રત્યયાનુપશ્યતા એટલે વિષયાકાર બુદ્ધિવૃત્તિના પ્રતિબિંબનું ધારકત્વ, અને પ્રત્યયપશ્યતા એટલે વિષયાકાર પરિણામનું ધારકત્વ. પુરુષ બુદ્ધિથી અત્યન્ત વિરૂપ પણ નથી. તે શુદ્ધ હોવા છતાં પ્રત્યયાનુપશ્યતાને લઈને બુદ્ધિસરૂપ જણાય છે. પુરુષનું અસ્તિત્વ કોઈને માટે નથી, જ્યારે બુદ્ધિનું અસ્તિત્વ પુરુષ માટે છે. પુરુષ સ્વાર્થે છે, બુદ્ધિ પરાર્થે છે. પુરુષ અસંહત છે, જ્યારે બુદ્ધિ ત્રણ ગુણોના સંઘાતરૂપ છે. પુરુષ અસંહત હોઈ પરપ્રયોજનસાધક નથી જ્યારે બુદ્ધિ સંઘાતરૂપ હોવાથી પરપ્રયોજનસાધક છે.૧
પ્રકૃતિ અને પુરુષ
પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે પણ તે અચેતન છે. પુરુષ નિષ્ક્રિય છે પણ તે ચેતન છે. પુરુષનો ભોગ અને અપવર્ગ સાધી આપવા પ્રકૃતિની પ્રવૃત્તિ છે. અદષ્ટાધીન પુરુષોના સાન્નિધ્યને લઈને પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ થાય છે. લોહચુંબક કેવળ પોતાના સાન્નિધ્યથી લોહશૂળોને ગતિ કરાવે છે પરંતુ તે સ્વયં ગતિ કરતું નથી; પુરુષ પણ એવી જ રીતે સ્વયં સ્થિર રહી કેવળ પોતાના સાન્નિધ્યથી પ્રકૃતિને કાર્યોન્મુખ બનાવે છે.