________________
અધ્યયન ૮ મહતત્ત્વ (બુદ્ધિ)
એક એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે સામ્યવસ્થાનો ભંગ થતાં કાળમાં પ્રથમ ઉત્પત્તિ મહતત્ત્વની કેમ થાય છે ? આનો જવાબ નીચે પ્રમાણે આપી શકાય : તમોગુણનો પ્રભાવ તો અદૃષ્ટ વિપાકોન્મુખ થતાં દૂર થઈ ગયો અને રજોગુણ તો સત્ત્વગુણનું સંચાલન કરવામાં રોકાયેલો હતો એટલે સત્ત્વગુણ જ પ્રધાન બની બુદ્ધિની અભિવ્યક્તિ કરે છે. વળી, પુરુષ પ્રકાશસ્વરૂપ છે, ગુણોમાં સત્ત્વગુણ પ્રકાશ સ્વરૂપ છે. એટલે ક્ષોભકાળે સત્ત્વગુણ જે પુરુષની સમીપ વધુ આવી શકે છે અને તેથી પ્રથમ સત્ત્વપ્રધાન મહત્તત્ત્વનો આવિર્ભાવ થાય છે. ઉપરાંત, બધાં વ્યક્ત તત્ત્વોમાં બુદ્ધિ સૌથી વધુ સૂક્ષ્મ તત્ત્વ છે. અને ઉત્પત્તિના ક્રમમાં પ્રથમ સૂક્ષ્મનો જ આવિર્ભાવ થાય છે અને પછી પછીના કાર્યમાં સૂક્ષ્મતા ઘટતી જાય છે. આ કારણે મહત્તત્ત્વનો આવિર્ભાવ સૌ પ્રથમ થાય છે.
પ્રત્યેક જીવને પોતપોતાની બુદ્ધિ યા મહતું હોય છે. મહતું બધા જીવોને સાધારણ એક વૈશ્વિક શક્તિરૂપ નથી. જો કે બધાં જ બુદ્ધિતત્ત્વોમાં સર્વ પ્રધાન હોય છે તેમ છતાં કેટલીક બુદ્ધિમાં સત્ત્વ અધિક ઉભૂત હોય છે અને કેટલીકમાં તમસું. આમ બુદ્ધિ સાત્વિક ય તામસિક હોય છે. સાત્ત્વિક બુદ્ધિના ધર્મો છે-ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય. એથી ઊલટું તામસિક બુદ્ધિના ધર્મો છે-અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય. આ આઠ ધર્મોને સાંગાચાર્યો “ભાવસર્ગ' કહે છે.
ઉત્પાદ્ય વ્યક્તિ તત્ત્વોમાં સૌથી વધુ વ્યાપક અને સ્થાયી તત્ત્વ મહત્ છે. દેશ અને કાળની દૃષ્ટિએ સૌથી વધુ વ્યાપક હોવાને કારણે તેને “મહતુ” એવું નામ અપાયું છે. કેટલાકને મતે આ તત્ત્વમાં ધર્માદિ ઉત્કૃષ્ટ ગુણો હોવાને કારણે તેને મહત્ નામ - અપાયું છે. ૨
યોગભાષ્યકાર જણાવે છે કે સત્ત્વગુણના આધિક્યને કારણે મહતું ઉજ્વલ આકાશ જેવું ભાસ્વર છે. પાર્થિવ સ્થૂલ દેહના હૃદયકેન્દ્રમાં મહતત્ત્વનું સ્થાન છે.' ભાવાગણેશ કહે છે કે બુદ્ધિ, મન અને અહંકાર મહતત્ત્વના જ પરિણામવિશેષો છે. આ ત્રણને જ અન્તઃકરણ કહેવામાં આવે છે. અન્તઃકરણ જ્યારે નિશ્ચયાત્મક વૃત્તિના રૂપમાં પરિણમે છે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે. અભિમાનાત્મક વૃત્તિના રૂપમાં પરિણત અન્તઃકરણને અહંકાર કહેવામાં આવે છે અને સંકલ્પાત્મક વૃત્તિના રૂપમાં પરિણત અન્તઃકરણને મન કહેવામાં આવે છે. મન, બુદ્ધિ અને અહંકારાત્મક વૃક્ષની અંકુરાવસ્થા મહતત્ત્વ છે."