________________
લલિતવિસ્તરા ભાગ-૩ | સંકલના
સંકલના
-
જગતમાં સર્વોત્તમ પુરુષ તીર્થંકરો છે; કેમ કે જગતના જીવમાત્રને સન્માર્ગ બતાવનારા છે, તેથી જગદ્ગુરુ છે, તે જગદ્ગુરુની પ્રતિમા તે ચૈત્ય છે અને તેમને વંદન ક૨વાથી વંદન ક૨ના૨ને શુભ ભાવો થાય છે. તે શુભ ભાવો પ્રકર્ષને પામીને તે જીવને જગત્ગુરુ તુલ્ય બનાવે છે, તેથી જગદ્ગુરુની પ્રતિમાને વંદન કરવા માટે ગણધરોએ ચૈત્યવંદનનાં સૂત્રોની રચના કરી છે અને તેના પારમાર્થિક ભાવોને સ્પષ્ટ કરવા માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચેલ છે, જેનાથી યોગ્ય જીવોને ચૈત્યવંદન ક૨વાથી કઈ રીતે વીતરાગતુલ્ય થવાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય છે તેનો માર્ગાનુસા૨ી બોધ કરાવ્યો છે.
તેમાં પ્રથમ ચૈત્યવંદન કરવાના અધિકારી જીવો કેવી યોગ્યતાવાળા હોય છે, અનધિકા૨ી જીવો ચૈત્યવંદન કરીને પણ તે પ્રકારના કોઈ સુંદર ફળને પામતા નથી તે બતાવેલ છે, તેથી ચૈત્યવંદનના અધિકારી થવા માટે જે મહાત્મા તેને અનુરૂપ ઉચિત ગુણોમાં યત્ન કરે છે તે ક્રમસર ચૈત્યવંદન કરવાના અધિકારને પામે છે. તે અધિકારને પ્રાપ્ત કર્યા પછી દૃઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે તો તે મહાત્માને અવશ્ય સર્વ પ્રકારની કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે; કેમ કે આ ચૈત્યવંદન અચિંત્ય ચિંતામણિ કલ્પ છે, છતાં અનધિકારી જીવો તેને વિધિપૂર્વક સેવવા સમર્થ નથી અને યથાતથા ચૈત્યવંદન કરીને તેના લાઘવનું આપાદન કરે છે અને લોકોને પણ આ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેવો બોધ કરાવે છે. તેવા અયોગ્ય જીવોને ચૈત્યવંદન આપવાનો પણ નિષેધ છે, તેથી મહાત્મા યોગ્ય જીવોને વિધિપૂર્વક ચૈત્યવંદન આપે, તેનાથી આપના૨ને પણ મહાનિર્જરા થાય છે; કેમ કે તે મહાત્મા ભગવાનની આજ્ઞાનુસાર અધિકારીને ચૈત્યવંદન આપીને તે જીવોનું હિત કરે છે અને ભગવાનની આજ્ઞાનું સમ્યગ્ આરાધન કરે છે, તેથી સ્વપરને ઇષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે. વળી, અનધિકા૨ી જીવોને ચૈત્યવંદન નહિ આપવાથી તેઓનું હિત થાય છે; કેમ કે અનધિકારી જીવો યથાતથા ચૈત્યવંદન કરીને તેના પ્રત્યે અનાદર પરિણામવાળા હોવાથી ક્લિષ્ટ કર્મોને બાંધે છે અને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે વિવેકી પુરુષે યોગ્ય જીવોને ભગવાનના શાસનનું ગાંભીર્ય બતાવીને ચૈત્યવંદનની અધિકારિતાના ગુણો પ્રથમ તેનામાં સ્થિર થાય તે પ્રકારે કહેવું જોઈએ, ત્યારપછી યોગ્યતાની પ્રાપ્તિ થાય ત્યારે વિધિપૂર્વક ચૈત્યવંદન સૂત્ર ગ્રહણ કરાવે. વળી અભ્યાસદશામાં શુદ્ધ ચૈત્યવંદન કરવાના અર્થી થઈને કંઈક શુદ્ધિને અભિમુખ ત્રુટિવાળું ચૈત્યવંદન કરે તોપણ તેઓનું હિત થાય છે.
વળી, ચૈત્યવંદનમાં પ્રથમ નમુન્થુણં સૂત્ર બોલાય છે, તેમાં જગદ્ગુરુ કેવા ઉત્તમ ગુણોવાળા છે તે પ્રથમ બતાવેલ છે. ત્યારપછી અન્ય જીવો કરતાં તીર્થંકર થાય તેવી અનાદિ વિશેષ યોગ્યતાવાળા છે, માટે ભગવાનને પુરુષોત્તમ કહ્યા. વળી સમ્યક્ત્વ પામ્યા પછી તે મહાત્માઓ કઈ રીતે યોગમાર્ગને સાધે છે અને ચરમભવમાં સંયમ ગ્રહણ કરે છે ત્યારે સિંહની જેમ ઘાતી કર્મને જીતવા મહા પરાક્રમ કરે છે, સંસારમાં જન્મ્યા હોવા છતાં પુંડરીકની જેમ વિષયોથી કઈ રીતે નિર્લેપ રહે છે તે બતાવ્યું. કેવલજ્ઞાન પામ્યા પછી
*