________________
છઠ્ઠા આરાનું સ્વરૂપ
૧૭૯ દિવસ વિજળી વરસે છે. તેથી પૃથ્વી ઉપરના વાતાવરણ અને સ્થિતિ ભયંકર થઈ જાય છે. ખરાબ પવન વાય છે. તે બહુ રોગ કરાવનાર જલ વરસાવે છે. તે પર્વત અને સ્થલ સમાન કરી નાંખે છે. પૃથ્વી અંગારાથી અને રાખથી ઢંકાયેલ અંગારા જેવી અને ઘાસરહિત થાય છે. સર્વત્ર હાહાકાર મચી જાય છે. પક્ષીઓનું બીજ વૈતાદ્યપર્વત વગેરે પર્વતોમાં અને મનુષ્યો-પશુઓનું બીજ બિલ વગેરેમાં હોય છે. પક્ષીઓનું બીજ એટલે શેષ બચેલા પક્ષીઓ મનુષ્યોપશુઓનું બીજ એટલે શેષ બચેલા મનુષ્યો-પશુઓ. એ શેષ બચેલા પક્ષીઓ, મનુષ્યો, પશુઓથી ઉત્સર્પિણીમાં ફરી નવી સૃષ્ટિપરંપરા વધે છે. માટે તેમને બીજ કહેવાય છે. - બિલો - દક્ષિણ અને ઉત્તર ભરતક્ષેત્રમાં ગંગાનદીના બે-બે કિનારા છે, એટલે કુલ ૪ કિનારા છે. એજ રીતે સિંધુ નદીના પણ દક્ષિણ અને ઉત્તર ભરતક્ષેત્રમાં બે-બે કિનારા છે, એટલે કુલ ૪ કિનારા છે. આમ ગંગા અને સિંધુના કુલ ૮ કિનારા છે. આ દરેક કિનારે ૯-૯ બિલો છે. એટલે કુલ ૮ x૯ = ૭ર બિલો છે.
આ જ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર ઐરાવતક્ષેત્રમાં રફતારફતવતી નદીઓના ૮ કિનારા છે. તે દરેક કિનારા ઉપર ૯-૯ બિલો છે. એટલે કુલ ૮ X ૯ = ૭ર બિલો છે.
છઠ્ઠો આરાના મનુષ્યો ૨ હાથ ઊંચા, ૨૦ વર્ષના આયુષ્યવાળા, ખરાબ રૂપવાળા, કૂરઅધ્યવસાયવાળા, માછલાનો આહાર કરનારા, મરીને નરકગતિ-તિર્યંચગતિરૂપ દુર્ગતિમાં જનારા, લજ્જા વિનાના, વસ્ત્ર વિનાના, કઠોર વચનો બોલનારા, પિતા-પુત્ર વગેરેની મર્યાદા વિનાના હોય છે. સ્ત્રીઓ છ વર્ષે ગર્ભ ધારણ કરનારી, દુઃખેથી જન્મ આપનારી અને ઘણા પુત્રોવાળી હોય છે. છઠા આરાના અંતે મનુષ્યો ૧ હાથ ઊંચા અને ૬ વર્ષના આયુષ્યવાળા હોય છે.