________________
(૧૧)
સમક્ષ મૂકવામાં આવી છે. અત્યંત વૈભવી રાજકુમારના સંસારત્યાગની ઘટના ભલભલા ભાવુકનું માથું નમાવી દે તેવી છે.
કલ્પસૂત્રમાં આવેલા ‘કલ્પ’ શબ્દનો અર્થ આચાર છે. સાધુજીવનનો આચાર જેમાં સમજાવવામાં આવે છે તે કલ્પસૂત્ર. એ સમજૂતી સાથે આચારપ્રદર્શક ચોવીસ તીર્થંકર ભગવંતોના જીવનનું વર્ણન આવે જ, એ વાત કૃતજ્ઞતાગુણની રૂએ સહેલાઈથી સમજાય તેવી છે.
જૈનદર્શન જણાવે છે કે જગતનું કે જાતનું કલ્યાણ અરિહંત પરમાત્માની આજ્ઞાઓના પાલનથી કે ક્ટર પક્ષપાતથી જ શક્ય છે. આચારમાં જે શુદ્ધ રહે તે વિચારમાં સહજ રીતે પ્રાયઃ શુદ્ધ બની શકે છે.
જે આચારથી સમૃદ્ધ નથી અને માત્ર વિચારોથી સમૃદ્ધ છે એ માણસ કદાચ પોતાના વિચારોનો પ્રભાવ કોઈ ઉપર નાખી દે તે બનશે, પણ એ પ્રભાવની લાંબી અસર તો નહિ જ જોવા મળે. વિચારસમૃદ્ધ નહિ બનાય તો ચાલશે, શબ્દસમૃદ્ધ નહિ હશો તોપણ ચાલશે. એના અભાવથી જીવન સમૃદ્ધ બનાવવામાં કોઈ પણ મુશ્કેલી આવી શકતી નથી. એક જ શરત છે, જીવનસિદ્ધિ પામવા માટેની; તે એ કે તમે આચારસમૃદ્ધ બનો.
આચારસમૃદ્ધિના અનેક લાભો છે. જેની પાસે આચારસમૃદ્ધિ છે, તેનું અંતઃકરણ પવિત્ર બને, અને તેના વિચારો પણ રાગાદિના મળોથી નિર્લિપ્ત રહે. આમ, વિચારસમૃદ્ધિની બક્ષિસ તરત પ્રાપ્ત થાય છે.
(૧૧)