________________
(૯)
સ્થૂલભદ્રજી દસ પૂર્વ શીખી ગયા અને પાટલીપુત્રમાં એક દુઃખદ પ્રસંગ બની ગયો, જેથી તેમનો વિકાસ સ્થગિત થયો. બન્યું એવું કે નેપાળથી પાટલીપુત્ર ગયા બાદ એક વખત સ્થૂલભદ્રજીની સાત સાધ્વી-બહેનો વંદન કરવા આવી. સૂરિજીએ કહ્યું કે, ‘‘સ્થૂલભદ્ર પાસે તમે જઈ શકો છો.’’ જ્ઞાનબળથી સ્થૂલભદ્રજી સમજી ગયા કે પોતાની બહેનો આવી છે. તેમણે પોતાના જ્ઞાનનો પરચો બતાવવાનું વિચાર્યું. બહેનો વંદન કરવા ગઈ. તેમણે એક સિંહને ત્યાં બેઠેલો જોયો. બહેનો ડરીને તરત ચાલી ગઈ. સૂરિજીએ પૂછ્યું, ‘‘કેમ પાછાં આવ્યાં ?''
બહેનો-‘ત્યાં તો સિંહ બેઠો છે.’’ સૂરિજીએ જ્ઞાનથી જાણ્યું કે ભાઈને જ્ઞાનનું અજીર્ણ થયું છે. તેમણે કહ્યું, ‘‘હવે ફરી જાઓ ત્યાં સિંહ નહિ હોય.'' બહેનો ફરી ગઈ તો તે જગ્યાએ હવે ભાઈમુનિને બેઠેલા જોયા.
વાચનાનો સમય થતાં ભદ્રબાહુસ્વામીજી પાસે સ્થૂલભદ્રજી વાચના લેવા ગયા. સૂરિજીએ કહ્યું, ‘“આજથી વાચના બંધ કરવામાં આવે છે. જેને જ્ઞાન પચે નહીં, તેને જ્ઞાન આપવાનો શો અર્થ ?’’
અત્યાર સુધીમાં દસ પૂર્વની અર્થ સહિત વાચના આપી હતી. હવે બાકીના ચાર પૂર્વની વાચના બંધ કરી. સ્થૂલભદ્રજી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. વારંવાર અપરાધની માફી માગી. ઘણો પશ્ચાત્તાપ કર્યો. ગુરુના ચરણોને આંસુથી પખાળ્યા.
(૯)