Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કારણ કે ભવાભિનંદી પ્રાણીઓને હિતવચનો પણ અશાંતિને અર્થે થાય છે. મારાં વચનો સાંભળીને એણે તો મને વેચાતી લીધેલી ગુલામડીની પેઠે નિર્દયપણે ચાબુકનો પ્રહાર કર્યો. હે પ્રિય ! તમારા જેવા મારા સ્વામી છતાં આમ બન્યું તે વ્યાજબી થયું છે ?
દેવ બ્રહ્મદત્તને કહે છે કે-મારી સ્ત્રીએ કહેલી વાત સાંભળીને મને અતિશય ક્રોધ ચઢ્યો; કારણકે સ્ત્રીનાં વચનથી લોકોનો સગાભાઈ પ્રત્યેનો વિશ્વાસ પણ જતો રહે છે. એટલે મેં તો એ મારી કામદેવની પુતળી સમાન પ્રિયાને સાત્ત્વન પમાડીને કહ્યું- હે પ્રિયે ! ખેદ ન કરું. હું હમણાં જ જઈને એને મારા જ હાથવડે હણીને ક્ષણમાં તારું વેર લઈશ. એણે મારા જેવો બળવત્તર સ્વામી હયાત હોવા છતાં કેવળ એશઆરામમાં રહેવાને ઉચિત એવી તારા જેવી સ્ત્રીને એ પ્રમાણે તાડના કરી છે, તો એમ જ સમજવું કે એણે કેસરીસિંહની કેસર-છટા લેવાનો પ્રયત્ન કર્યો છે.”
મારી સ્ત્રીને આમ કહીને ત્યાંથી હું નદીના પૂરના વેગે અહીં તારી પાસે આવ્યો તો, હે રાજન ! તેં મારી સ્ત્રીની કથા તારી રાણીને કહી તે મેં બહાર રહીને ગુપ્તપણે યથાસ્થિત સાંભળી તેથી સ્ત્રીના વચનોરૂપી. વાયુથી ઉદ્દીપ્ત થયેલો મારો કોપાગ્નિ શમી ગયો છે. માટે હે રાજન ! મેં જે દુષ્ટ ચિંતવન કર્યું છે તેની તું મને ક્ષમા આપ. કારણ કે મહંતપુરુષોની ક્ષમા જ ખરી પ્રિયા છે. વળી મારી પાસેથી કંઈ “વરદાન માગી લે, કેમકે દેવદર્શન અમોઘ (ખાલી) જાય નહીં. ચક્રવર્તીએ કહ્યું- હે દેવ ! મારે કોઈ વસ્તુની ઉણપ નથી; તો પણ તમારું દર્શન અમોઘ ન જાય માટે હું માગી લઉં છું કે-મારા નગરને વિષે વ્યાધિ, અકાળ મરણ અને અન્ય પણ કોઈ પ્રકારના ઉપદ્રવ વિશેષ ન થાઓ. એ સાંભળીને દેવે એને એ વર આપ્યું.
વળી એટલું આપ્યા પછી કંઈ વિશેષ મહત્વવાળું વર માગવાનું દેવે કહેવાથી બ્રહ્મદત્તે માગ્યું કે-હું સર્વ પ્રાણીઓની ભાષા સમજી શકું એમ કરો. દેવે એ વરદાન પણ આપ્યું પણ સાથે ઉમેર્યું કે હે રાજન, જો એ પ્રમાણે સાંભળેલી વાત તે અન્ય કોઈને કહીશ તો નિશ્ચયે તારું મૃત્યુ થયું સમજવું. આમ બ્રહ્મદત્તને સર્વ સ્પષ્ટ કહીને દેવતા અંતર્ધાન થયો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૧૧