Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કન્યા પણ તત્ક્ષણ પોતાનું એવું અદ્ભુત રૂપ ત્યજીને એક સર્પિણી થઈ ગઈ; નાટકને વિષે નટી પોતાનો સુંદર સીતાનો વેષ ત્યજીને રાક્ષસીનો લે તેમ. પછી એ સર્પિણી પેલા સર્પની સંગાથે, હું ભાળું એમ, હર્ષસહિત સુરતસુખ ભોગવવા લાગી; કારણ કે એવાઓના વિવેકરૂપ ચક્ષઓ મદને લીધે અંધ થયેલા હોવાથી એમને લાજ કે શરમનો છાંટો પણ હોતો નથી. હે પ્રિયે ! આમ પરસ્ત્રીને પોતાની સ્ત્રીની પેઠે ભોગવતા એ સર્પને જોઈને મને ક્રોધ ઉત્પન્ન થયો. કુળને કલંક લગાડનારા આવા આચરણવાળી સ્ત્રીઓને જોઈને ખેદ થયા વિના પણ કેમ રહે ! અહો ! કામથી પીડાયેલી એ સ્ત્રી સધ સર્પિણીનું કૃત્રિમ રૂપ લઈ એક સર્પની સંગાથે સુખા ભોગવવા લાગી એ કેવું આશ્ચર્ય ! પરંતુ નિર્દય કામદેવે આ વિશ્વમાં કોને વિડમ્બના પમાડી નથી ! એવા નિર્લજ્જ કુપાત્રો સમજે છે કે એઓ પોતે જાણે અદૃશ્ય જ છે ! પણ એમને શિક્ષા કરવાનો મને વિચાર થયો એટલા માટે કે અન્ય કોઈ પુનઃ આવું આચરણ કરે નહીં. વળી રાજાઓનો પણ ધર્મ છે કે-શિષ્ટ જનોનું પાલન કરવું, અને અશિષ્ટ-અવિવેકીઓનો નિગ્રહ કરવો.
હે ચંદ્રમુખી ! આમ વિચારી, સરોવરની બહાર નીકળીને મેં લાલચોળ નેત્રો કરી એ બંનેને ચાબકાનો પ્રહાર કર્યો, જેવી રીતે અશ્વોને ખેલાવનાર કરે છે તેમ. મારા પ્રહારથી બંને મૂછ પામ્યા એટલે મેં એમને છોડી દીધા; કારણ કે ઉત્તમ સુભટો કદી વૈરીને પણ પડ્યા ઉપર પ્રહાર કરતા નથી. એટલામાં તો, હે પ્રિયે ! આપણું પાયદળ-હસ્તિ-અશ્વ આદિનું સૈન્ય મને શોધતું આવી પહોંચ્યું; જેવી રીતે ઉત્તમ કવિની કાવ્ય પદ્ધતિને વિષે "અભિધેયની પાછળ વ્યંગનો સમૂહ આવે છે તેમ. તે સમયે મારું ચિત્ત વ્યગ્ર હોવાથી, મૂછમાંથી જાગ્યું એવું જ પેલું યુગલ ક્યાંક જતું રહ્યું તેની મને ખબર રહીં નહીં અથવા તો સાચું જ કહ્યું છે કે જે પલાયન કરી જાય છે તે જ જીવતો રહે છે. પછી તો તું જાણે છે કે હું સમગ્ર પરિવાર સહિત અહીં આવ્યો. આ પ્રમાણે, હે પ્રિયે ! મેં જે વિસ્મયકારક કુતૂહલ
૧. અભિધેય-અભિધેય અર્થ-મૂળ અર્થ. વ્યંગ્ય-વ્યંગ્ય, અર્થ-વાચ્ય અર્થ-મૂળ અર્થ પરથી બીજા જે જે અર્થ નીકળે છે તે. હરેક શબ્દના મૂળ અર્થની પાછળ બીજા અનેક અર્થો નીકળે છે તેમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)