________________
૧૬૦
-
-
-
[વચનામૃત-૪૨] (આવી ને વસ્યા હોય). શરીરમાં શાંતિ દેખાય ! અંતરમાં શાંતિની ઝલક ! (સાથે) શરીરમાં શાંતિ દેખાય ! એવા ‘ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં ! તારી આંખમાં નાથ ! ઉપશમ ઝરે છે...!! - એમ ધર્મને અંદરમાં રાગ અને વૈરાગ્યને ટાણે ઉપશમરસ ઝરતો હોય છે. આ..હા..હા...! આવું ક્યાં યાદ રાખવું ? એ કહે છે, “યથાર્થ રુચિ સહિતના.. (એટલે) જેને આત્માની દૃષ્ટિ થઈ છે તેના ..શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે, અને યથાર્થ રુચિ વિના....' ભગવાન આત્મા ! ધ્રુવના અંતરમાં ધ્યેય વિના. ધ્રુવના ધ્યેયના ધ્યાનની ધગશ વિના... આ..હા..હા...! ધ્રુવના ધ્યાનની ધૂણી ધગશ અને ધીરજથી (ધખાવ્યા) વિના, જેટલાં રાગાદિ થાય તેનામાં એ ભળી જશે. પણ અંદર જેને ધ્રુવ દૃષ્ટિમાં પકડાણો છે એના શાંતરસમાંથી એ નહિ ખસે. આહા..હા..! ભલે રાગ આવે, ભલે બહારનો વૈરાગ્ય હોય - એમાં નહિ (તણાય). (કેમકે) એ પણ એક પર્યાય છે, વૈરાગ્ય પણ એક પર્યાય છે, રાગ પણ એક પર્યાય છે.
એક વખતે ભાવનગરમાં આ બનાવ્યું હતું. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” બધાં ‘ધ.ધ્ધા છે. ભાવનગરમાં એક વાર તાવ આવ્યો હતો. એ વખતે આ બનાવ્યું હતું. ભાવનગર ગયા ત્યારે બનાવ્યું હતું). શું કીધું ? ધ્રુવના ધામના - અંદર ધ્રુવનું ધામ - જે સ્થાન, તેના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવનાર તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. આ પાના અહીં આવ્યાં હશે ? આવ્યાં છે ? આ તો મારાં છે. આ શબ્દો તો ભાવનગર કરેલાં. આહા..હા...! આ પાનાં ઘણાં છપાઈ ગયાં છે. અહીં આવ્યાં હશે.
ધ્રુવ ધામ...! આહા..હા..! નિત્ય એવું ધામ, એનું ધ્યેય (એટલે) એનું લક્ષ, (તેના) ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે ! આ તો હજારો છપાઈ ગયા છે.
મુમુક્ષુ : ખીસામાં રાખીએ તો લાભ થાય ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : ખીસામાં રાખે લાભ શું થાય ? આત્મામાં નાખે લાભ થાય ! ખીસું તો જડ છે માટી છે, ધૂળ છે. આહા..હા..! ધર્મના ધ્યેયની ધૂણી ધગશ અને ધીરજથી ધખાવ. અંદર તને શાંતરસ આવશે. રાગની ધૂણી ધખાવતાં, રાગ-દ્વેષ કરતાં દુઃખની જવાળામાં બળી જશો ! આ..હા..હા..!