________________
૧૯૨
[વચનામૃત-૪૭] પરમાત્મા બિરાજે છે. ત્યાં હતાં ત્યાંથી આવ્યાં છે અને અંદરમાં અનુભવ થઈને રાગથી ભિન્ન પડી ચૈતન્યનું ચોસલું, નાળિયેરમાં ગોળો જેમ ગડગડ છૂટો પડે, એમ સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં રાગથી અને શરીરથી ભગવાન-ગોળો જુદો દેખાય ! આ..હા..હા..! આકરી વાત છે, પ્રભુ!
તારી પ્રભુતાથી ભરેલું જે તત્ત્વ છે, વસ્તુ જેને કહીએ, તે બંધાણી અને મુક્તિ એ તો પર્યાયમાં - અવસ્થામાં છે. વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે. આહા..હા..! આ વાત શી રીતે બેસે ? બહારની પ્રવૃત્તિમાં ગળા બહાર ડૂબી ગયો (છે) ! એમાં આ તત્ત્વ અંદર કેવી રીતે બેસે ?
બંધાયેલું કે મૂકાયેલું એ વ્યવહારનયથી છે, તે તો પર્યાય છે. તે તો દ્રવ્યની વર્તમાન દશા છે. પણ ત્રિકાળી ચીજ છે, એ તો ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ પ્રભુ (છે). જિનેશ્વરદેવે સર્વજ્ઞ સ્વભાવમાં (આમ) જોયું છે. કાલે કહ્યું હતું “પ્રભુ તુમ જાણગ રીતિ....' પ્રભુ ! મહાવિદેહમાં સીમંધર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. જેમની લોકો સામાયિક કે પ્રતિક્રમણ (કરતી) વખતે આજ્ઞા લે છે. એ તો ઠીક, પણ પરમાત્મા બિરાજે છે. એના મુખથી નીકળેલી આ દિવ્યધ્વનિ છે. એ બેનને અંદરમાંથી આવી છે. એ કોઈ વખતે બોલાઈ ગયેલું.
(બેન) એમ કહે છે કે, જે કાંઈ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય જે પદાર્થ છે, તે તો બંધાયેલ કે મૂકાયેલ પર્યાયમાં છે, અવસ્થામાં છે. વસ્તુમાં નથી. એ શું હશે ? વસ્તુમાં નથી અને પર્યાયમાં છે ! કોઈ દિ સાંભળ્યું ન હોય છે ? - જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે...' કરોળિયો ! “....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે;....' માણસ તરીકે એ કંઈ (મટી નથી ગયો. પરના વેપાર ટાણે કંઈ માણસ ફીટીને પરના વેપારમાં ગરી (ઘુસી) જતો નથી ! માણસ તો માણસ તરીકે જ સદાય છે. એ બધાં વેપાર-ધંધા આદિ ગમે તે પ્રકારની અવસ્થામાં હોય પણ એ કંઈ મનુષ્યપણું છૂટીને ઢોર કે બીજી દશા થઈ નથી. આહા..હા..! ઝીણી વાત છે, પ્રભુ ! માણસ તો માણસ જ છે.
....તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે...” આ...હા..હા..! ભગવાન