________________
વચનામૃત રહસ્ય
૨૦૯
અવતારમાં ! પણ જો સંસ્કાર (નાખ્યા હશે) તો બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. ‘પુણ્ય-પાપથી (હું) જુદો છું' - એવા સંસ્કાર નાખ્યા હશે (તો બીજી ગતિમાં પણ સત પ્રગટશે).
જેમ શકોરુ કોરુ હોય, એમાં પહેલાં પાણી નાખે તો ચૂસી જાય. પણ ભરાઈ જાય પછી પાણી ઉપર આવી જાય. એમ (આ) સંસ્કાર નાખતાંનાખતાં.... આહા..હા..! પહેલાં અંદરમાં સંસ્કાર નાખતાં ઉપ૨ ઉપર રહેશે. પછી સંસ્કાર નાખતાં અંદર તળિયામાં જાશે ! આત્મા આનંદનો નાથ છે તેનું સમ્યગ્દર્શનમાં ભાન થઈ જશે. પણ જો એના તરફનો પ્રયત્ન અને પુરુષાર્થ કર તો ! બહારના પુરુષાર્થ કરી કરીને અનંત કાળથી મરી ગયો !
આા..જી...!
સ્વર્ગના દેવના ભવ અનંતા કર્યાં છે. મનુષ્યના અનંતા ભવ કર્યાં. એનાથી અસંખ્યગુણા નારકીના અનંતા કર્યાં. એથી અસંખ્યગુણા અનંતા દેવના કર્યાં. એથી અનંતગુણા અનંતા નિગોદના લસણ ને ડુંગળીના કર્યાં. આહા...! પણ ક્યાંય એણે આત્માનો વિચાર કર્યો નહોતો, બાપુ ! આહા..હા..! આવા ભવ કર્યાં છે, પ્રભુ ! કારણ કે અત્યાર સુધી ભવ વિના રહ્યો નથી. જો ભવ વિના રહ્યો હોય તો, શેકેલ ચણો જેમ ઊગે નહિ, કાચો ચણો હોય તો તુરાશ આપે અને ઊગે, પણ ચણો શેક્યો હોય તો તુરાશ છૂટી જાય, મીઠાશ આપે અને ઊગે નહિ, એમ અજ્ઞાનમાં દુઃખ થાય અને જન્મમરણ થાય, અને જ્ઞાનમાં સુખ થાય અને જન્મ-મરણ મટે. આહા..હા..! અરેરે...! આવી વાતું, પ્રભુ ! વાતું તો તારા ઘરની છે, નાથ ! પણ તને રુચવી જોઈએ. બહારની પ્રવૃત્તિનાં બધાં થોકડાં તો જગતમાં હાલે છે.
(અહીંયા કહે છે) ‘....બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્તા ઊંડા સંસ્કાર રેડ.' (અર્થાત્ અંદરમાં પુણ્ય-પાપથી રહિત (આત્મા છે) તેના સંસ્કાર નાખ ! તો આગળ ભવમાં - ઓલા ભવમાં પણ તને સમકિત થશે અને ભવનો અંત આવશે. (વિશેષ કહેશે....)