Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૭
શ્રદ્ધાંજલિ પિતાશ્રીની સેવાભાવનાને સવાઈ રીતે શોભાવી હતી. લગભગ બે દાયકા સુધી વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે અને ૨૮ વર્ષ લગી વિદ્યાલયના માનદ મંત્રી તરીકે એમણે ખડે પગે, પોતાનાં સમય, શક્તિ અને ધનને ભોગ આપીને જે સેવા બજાવી હતી તે અમૂલ્ય હતી.
આવા જાતમહેનતુ, ખબરદાર અને પળેપળ સંસ્થાને માટે ચિંતા સેવનાર તેમ જ સંસ્થાના આજીવન સેવક ગણી શકાય એવા મહાનુભાવનું તા. ૭–૮–૧૯૬૨ના રોજ મુંબઈમાં અવસાન થતાં સંસ્થાને એક નિષ્ઠાવાન કાર્યકરની મોટી ખોટ પડી છે. એમની દીર્ઘકાલીન સેવાઓને વિદ્યાલય તરફથી (રિપોર્ટ ૪૭, પૃ. ૨૫) ભાવભરી અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે
વિદ્યાલયનું નામ લેતાં જ જેમની છબી આપણી નજર સમક્ષ ઊભી થયા વગર ન રહે તે શ્રી. ચંદુલાલ સારાભાઈ મોદીનું, બેએક મહિનાની માંદગી બાદ, સર હરકીશનદાસ હોસ્પિટલમાં, તા. ૭-૮-૧૯૬૨ ને મંગળવારના રોજ સવારમાં, ૬૬ વર્ષની ઉંમરે, દુઃખદ અવસાન થતાં વિદ્યાલયને એક નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ કાર્યકર્તાની, ન પૂરાય એવી ખોટ પડી છે.
“ વિદ્યાલયના સંચાલન સાથે શ્રી. ચંદુભાઈનું જીવન ઓતપ્રોત થઈ ગયું હતું અને એમના રોમરોમમાં વિદ્યાલયના અભ્યદયની ભાવના ધબકતી હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પોતાની અંગત મુસીબતોની લેશ પણ પરવા કર્યા વગર તેઓશ્રીએ લગભગ ત્રણ દાયકા જેટલા સમય સુધી, વિદ્યાલયની જે એકધારી સેવા બજાવી હતી તે કદી પણ વિસરી ન શકાય એવી, તેમ જ નિષ્ઠાવાન કાર્યકર કેવો હોય એને આદર્શ પૂરા પાડે એવી હતી. અઢાર વર્ષ સુધી તેઓ વિદ્યાલયના ટ્રસ્ટી હતા અને જીવનની છેક છેલ્લી ઘડી સુધી, એકધારાં ૨૮ વર્ષો સુધી તેઓશ્રીએ વિદ્યાલયના મંત્રી તરીકેની જવાબદારી ખૂબ જ યશસ્વી રીતે ઉઠાવી હતી. જ્યાં સુધી વિદ્યાલયનું નામ રહેશે ત્યાં સુધી ચંદુભાઈ મોદીએ જૈન સમાજને, કેળવણી ક્ષેત્રે આગળ વધારવા માટે આપેલી અમૂલ્ય સેવાઓ યાદગાર બની રહેશે.
“શ્રી. ચંદુભાઈ મોદી જાણે જન્મજાત જાહેર કાર્યકર હતા. જાહેર સેવા અને જાહેર જીવન એ જ એમના જીવનને મુખ્ય રસ હતો. અને એમનો એ રસ, અખૂટ ઝરાની જેમ એમના જીવન અને કાર્યમાં સતત વહેતો રહ્યો હતો. તેઓ દેશસેવા, સમાજસેવા અને શિક્ષણનું કામ કરતી અનેક સંસ્થાઓ સાથે સંકળાએલ હતા.
દેશની સ્વાતંત્ર્યલડતમાં પણ શ્રી. ચંદુભાઈ જરાય પાછળ રહ્યા ન હતા. એક ઉત્સાહી, નવલોહીયા યુવકની જેમ સ્વતંત્રતાના અહિંસક યુદ્ધના સૈનિક બનીને પોતાના જીવનને તેમણે ધન્ય બનાવ્યું હતું અને જરૂર પડી ત્યારે સામે પગલે જેલવાસ સ્વીકારીને એમણે પોતાની દેશભક્તિને ચરિતાર્થ કરી બતાવી હતી. કેંગ્રેસ કમિટીના સભ્ય, મંત્રી કે પ્રમુખ તરીકે તેમ જ મ્યુનિસિપાલીટીના સભ્ય તરીકે ચંદુભાઈએ પોતાની સેવાઓ આપી હતી અને એક ખાદી ભંડારની પણ સ્થાપના કરી હતી.
વિદ્યાલયના આજીવન સેવક સમા આવા નિષ્ઠાવાન કાર્યકર્તા અને સહકાર્યકરના ચિરવિયોગ પ્રત્યે અમારે હાર્દિક શોક વ્યક્ત કરીએ છીએ અને તેઓશ્રીની અમૂલ્ય સેવાઓને અંતરની અંજલિ આપવા સાથે એમના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરીએ છીએ.” - સંસ્થાની લાગણીપૂર્વક સેવા કરનારા ભાવનાશીલ કાર્યકરોની પરંપરામાં વિદેહ થયેલા મહાનુભાવમાં શેઠ શ્રી ફકીરચંદ નગીનચંદ કપૂરચંદ, શ્રી મણિલાલ મોતીલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org