Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
હેરાન ન કરે !...' એટલે ગાગરમાં છાસ લઈને છાશ લો, છાશ લો' એમ બોલતો તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેનાથી સાધુને સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે.
તેથી સાધુ પેલાને કહે છે, ‘અભણ માણસ, આ વળી છાશ વેંચવાનો કાળ છે ? સમય તો જો,' દેવે પણ કહ્યું, ‘અહો ! આ કયો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.’ પછી સાધુએ જાણ્યું કે, ‘આ સામાન્ય મનુષ્ય નથી.' એટલે એણે ઉપયોગ મૂક્યો. ખબર પડી કે, અડધી રાત થઈ છે. એણે મિચ્છામિ દુક્કડ આપ્યું. દેવે કહ્યું, ‘આવું ન કરશો. કદાચ હલકા દેવતા તમને પરેશાન કરે. તેથી કાળે સ્વાધ્યાય કરવો, અકાળે નહીં.’
(૨) વિનય :- વિનય એટલે બાહ્ય સેવા-ભક્તિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનોનો વિનય કરવો. શ્રેણિકનું દૃષ્ટાંત.
શ્રેણિકનું દૃષ્ટાંત :- શ્રેણિક રાજાને ત્યાં એક બગીચો હતો જેમાં બધી ઋતુના પુષ્પો અને ફળો ઊગતાં હતા. એકવાર નગરમાં એક ચંડાળની સ્ત્રીને અકાળે આંબા ખાવાનો દોહલો થયો. તેણે પતિને વાત કરી. ચંડાળ પાસે અવનામિની અને ઉન્નામિની વિદ્યાઓ હતી. તેની સહાયથી તેણે રાજાના બગીચામાંથી આંબા ચોરીને પત્નીને ખવડાવ્યા. રાજાને ચોરીની ખબર પડી. રાજાએ અભયકુમારને ચોર પકડી લાવવા કહ્યું. અભયકુમારે યુક્તિથી ચોરને પકડ્યો. તેને દરબારમાં હાજર કર્યો. ચોરે ગુનો કબૂલ્યો. રાજાએ કહ્યું, ‘જો વિદ્યાઓ આપીશ તો નહીં મારું, નહીંતર શૂળીએ ચડાવીશ.' મરણના ભયથી ચોરે વિદ્યાઓ આપી. પણ રાજાને તે વિદ્યાઓ ચઢી નહીં. રાજા પૂછે છે, ‘વિદ્યાઓ કેમ ચઢતી નથી ?' ચંડાળ બોલ્યો, ‘આપ અવિનયથી શીખો છો. હું નીચે બેઠો છું અને આપ સિંહાસન પર બેઠા છો. માટે વિદ્યાઓ ચઢતી નથી.' રાજાને ભૂલ સમજાઈ. તે ચંડાળ કરતા નીચા આસને બેઠો. વિદ્યાઓ તરત ચઢી ગઈ. આમ વિનયથી ભણવું.
...30...
૮ પ્રકારના જ્ઞાનાચાર