Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નથી કે જીવનું પદ ધારણ કરી શકે. એટલે શંકાકાર સ્વયં ઈન્દ્રિયને મૂકી જીવની જગ્યાએ પ્રાણને સ્થાપિત કરે છે. આ રીતે પાંચમી શંકામાં દેહ, ઈન્દ્રિય અને પ્રાણને જ આત્મા માની લેવા માટે તર્ક કરે છે અને આત્માને નકારે છે.
(૬) નહીં જુદં એંધાણ : આગળ વધીને હજી બીજી શંકાઓ કરી શકાકાર પોતાના તર્કને રૂઢ કરવા માંગે છે અને કહે છે કે કદાચ દેહ, ઈન્દ્રિય અને પ્રાણને જ આત્મા ન માનીએ તો પણ આત્મા છે એવા કોઈ નિશાન મળતા નથી. સિધ્ધિકારે ગુજરાતી ભાષાના બહુ જ પુરાણા શબ્દનો ઉપયોગ કર્યો છે. જેમાં નિશાનને એંધાણ કહેવામાં આવે છે. જેમ રેતીમાંથી માણસ પસાર થયો હોય તો તેના પગલાં પડે છે. કોઈ જગ્યાએ દીવો પ્રગટાવ્યો હોય તો મેશના એંધાણ જોવા મળે છે. જે વસ્તુનું અસ્તિત્વ છે, તેનાથી જે પ્રતિક્રિયા થાય છે, આ પ્રતિક્રિયા તે વસ્તુની નિશાની બને છે. ઘરમાં ચોર આવ્યો છે કે કેમ? તે કોઈ નિશાની પરથી પકડાય છે. ખરું પૂછો તો આ નિશાનીની વાત તે અનુમાનશાસ્ત્રનો બહુ જ મોટો વિષય છે. આખું અનુમાનશાસ્ત્ર નિશાન પર આધારિત છે.
કોઈપણ નિશાન અથવા હેતુથી તેના અધિષ્ઠાનરૂપ દ્રવ્ય, પદાર્થ કે ભાવની ઉપસ્થિતિ સાબિત થાય છે. એંધાણનો અર્થ નિશાન છે. નિશાન એક પ્રકારનો હેતુ છે. હેતુ દ્વારા સાધ્યની પ્રાપ્તિ થવી, તે અનુમાન શાસ્ત્રનું મુખ્ય અંગ છે. હેતુ અને સાધ્યમાં પરસ્પર વ્યાપ્તિ હોય છે. જયાં અધિષ્ઠાન ન હોય, ત્યાં હેતુ ન હોય અર્થાત તેનું કોઈ લક્ષણ ન હોય અને જયાં જયાં હેતુ હોય, ત્યાં ત્યાં તે પદાર્થનું અસ્તિત્વ હોય છે. અનુમાનશાસ્ત્રમાં તેને વ્યાપ્તિ કહેવામાં આવે છે. આ વ્યાપ્તિ બધા દોષોથી મુકત હોવી જોઈએ, વ્યાપ્તિના મુખ્ય ત્રણ દોષ અતિવ્યાપ્તિ, અલ્પ વ્યાપ્તિ અને અને અસંભવ દોષ. સાધ્ય અને હેતુનો જરાપણ સંબંધ ન હોય, તેને અસંભવદોષ કહેવાય છે. હેતુ સાધ્યને છોડીને અન્ય દ્રવ્યમાં વ્યાપક હોય તેને અતિવ્યાપ્તિ કહેવાય છે. જયારે હેતુ સાધ્યમાં પરિપૂર્ણ વ્યાપ્ત ન હોય, ત્યારે તેને અલ્પ વ્યાપ્તિ કે અપૂર્ણ વ્યાપ્તિ કહેવાય છે. નિશાન પણ સંપૂર્ણ વ્યાપ્તિના ગુણથી ભરપૂર હોવું જોઈએ.
અહીં શંકાકાર, હેતુનો સર્વથા અભાવ હોવાથી આત્માનો પણ સર્વથા અભાવ છે તેમ શંકા કરે છે. પરંતુ નિશાનના અભાવથી પદાર્થનો અભાવ, તે અનુમાનશાસ્ત્રને અનુકૂળ તર્ક નથી. છતાં પણ શંકાકાર સામાન્ય રીતે નિશાનના અભાવને પ્રત્યક્ષ કરી આત્માનો અભાવ જોઈ રહ્યા છે.
હકીકતમાં નિયમ પ્રમાણે નિશાન ન હોય તો પણ દ્રવ્યનું અસ્તિત્વ સંભવે છે. વ્યવહારમાં પૂર્ણ તર્કથી રહિત સામાન્ય રીતે એમ બોલાય કે કોઈ એંધાણ નથી એટલે કશું જ ત્યાં હાજર નથી. હકીકતમાં રેતીમાં પગલાં પાડયા વગર પણ ચોર પસાર થઈ શકે છે, જો કે આ પ્રશ્ન મૂળમાં જ અસંગત છે છતાં આ શંકાકારનો પ્રશ્ન છે એટલે આત્માના નિષેધમાં જે શંકા કરી છે, તેનો અહીં એક ઉલ્લેખ માત્ર છે.
| (૭-૮) જણાય તે નહીં કેમ –સાતમી શંકા અને આઠમી શંકા એક સમાન છે. નિશાન નથી અર્થાત્ કોઈપણ રીતે પ્રગટ નથી. પ્રગટ થવું તે પણ એક નિશાન જ છે પરંતુ અહીં આપણે