Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 403
________________ આ દ્વિતીય ખંડમાં (૪૩ થી ૯૧ સુધીની ગાથા) ૪૯ ગાથાનો સમાવેશ કર્યો છે. આગળ આપણે કહ્યું છે કે આ ગાથાઓ અધ્યાત્મભાવોની સાથે નૈતિક ઉપદેશનું પણ ઘણું જ મૂલ્ય ધરાવે છે. સામાજિક દષ્ટિએ સમાજમાં પ્રવર્તમાન ઘણા મિથ્યાભાવોનું નિરાકરણ કરી એક ઉચિત માર્ગનું પ્રદર્શન કરે છે અને આ એવો માનવીય માર્ગ છે, જે મોક્ષમાર્ગ સાથે પણ સંબંધ ધરાવે છે. વ્યવહારમાં ઉન્નતિ માટે સમગ્ર દષ્ટિએ જોતાં સાધનાના ક્ષેત્રમાં ત્રણ ભૂમિકાઓ આવશ્યક છે. (૧) નૈતિક ભૂમિ – નીતિધર્મ (૨) માનવીય ભૂમિ – માનવધર્મ અને (૩) અધ્યાત્મભૂમિ –આત્મધર્મ-આત્મિક ઉત્થાન. અમોને એમ લાગ્યું છે કે શ્રીમદ્ રાજચંદ્રજી જન્મજાત કવિરાજ તો છે જ પરંતુ સમાજશાસ્ત્રના ઊંડા અધ્યેતારૂપે તેઓએ વિચારધારાને નિર્મળ કરીને એટલી જ ઊંડાઈથી અધ્યાત્મમાં પ્રવેશ કરી એક સિદ્ધહસ્ત યોગીરાજ રૂપે પ્રકાશમાન થયા છે. આજે આત્મસિદ્ધિ હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની, તેમને જ્ઞાનમાર્ગનો પ્રકાશ આપી ભક્તિમાર્ગમાં વાળે છે. તેઓશ્રીની સાધનાને વસ્તુતઃ અક્ષરદેહ આપવા માટે આ દ્વિતીયખંડમાં પ્રયાસ કર્યો છે અને સૈદ્ધાંતિક કે ન્યાયદષ્ટિએ મૂળ ગાથાઓનું અવલંબન લઈ જરાપણ આગળ-પાછળ ગયા વિના સીધી કેડીએ ચાલીને આ ગાથાઓને કંડારવા માટે ધ્યાન અપાયું છે. સુખદ વાત એ છે કે જેમ કોઈ સરિતા પોતાની નિશ્ચિત દિશામાં વહે છે તેમ આ આત્મસિદ્ધિની ગંગા પરમતત્ત્વને લક્ષમાં રાખી એક જ દિશામાં વહી રહી છે, લગભગ ક્યાંય પણ વિષયાંતર થયું નથી. એક સચોટ નિબિડ ઉક્તિને પ્રમાણિત કરી જ્ઞાનના મૂળ મજબૂત કર્યા છે. કેટલું કહીએ. ઘણી વિશેષતાઓથી ભરપૂર એવા આ પદોનો અને તેના ભાવોનો અહીં સંક્ષેપમાં ઉપસંહાર કર્યો છે. જેમ કોઈ મોટા રાજમહેલનું બારીક નિરીક્ષણ કર્યા પછી વૃષ્ટા બહાર નીકળે, ત્યારે પુનઃ એકવાર અખંડ ભાવે રાજમહેલને જૂએ છે, અંદરથી જોયેલો રાજમહેલ પુનઃ અખંડભાવે જોતાં એક નવો ઓપ આપે છે, તેમ અહીં પણ ૪૯ ગાથાઓનું યથાસંભવ અવલોકન કરી પુનઃ બધી ગાથાઓને અખંડભાવે જોતાં ઉપસંહાર રૂપે એક અદ્ભુત દર્શનની પ્રતીતી થાય છે. ઉપસંહાર તે સાર છે, સારનો હાર છે, અને હારમાં સમૂહભાવે મોતી ચમકે છે. આટલો ઉપસંહાર કરી, ગાથાઓના જ્ઞાનને ફરી ફરી નમન કરી વિરામ લેશું. NSSC(૩૮૨)SS

Loading...

Page Navigation
1 ... 401 402 403 404