Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સ્પર્શ કરી ગુણ અને ગુણીનો મેળ બેસાડે છે. હકીકતમાં આ બધા સબંધો બે દ્રવ્ય વચ્ચે હોતા નથી. બે દ્રવ્યો મળવાથી કોઈ એક નવા દ્રવ્યોનો ઉદ્ભવ થતો નથી પરંતુ બધા દ્રવ્યો પરસ્પર એકબીજાના સંપર્કમાં માત્ર આવે છે અને વિખૂટા પણ પડે છે. આ યોગ અને વિયોગની વ્યાખ્યા કરવા માટે સંયોગ સબંધ અસ્તિત્વમાં આવ્યો છે.
સંયોગ સબંધને અલગ અલગ દ્રષ્ટિકોણથી બે, ત્રણ વિભાગમાં આપણે જોઈ શકીએ છીએ. (૧) સ્પર્શ સંયોગ : એક દ્રવ્ય બીજાનો માત્ર સ્પર્શ કરીને અલગ થઈ જાય, અથવા સ્પર્શ ભાવે સાથે રહે પરંતુ બંને દ્રવ્યમાં કોઈ પ્રકારનો વિકાર ન થાય, આવા સંયોગોને સ્પર્શસંયોગ કહે છે. જેમ કે એક આકાશપ્રદેશ પર પરમાણુ સ્થિત થાય, ત્યારે માત્ર સ્પર્શભાવે જ સાથે રહે છે. તેમાં બંને દ્રવ્યમાં કોઈ વિકાર થતો નથી. (૨) અવયવી સંયોગ : પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ પિંડો એકબીજા સાથે મળીને એક સ્કંધને તૈયાર કરે છે અને બંને દ્રવ્યો એક અવયવી તરીકે પરિણામ પામે છે. પરિણામ પામવા છતાં પોતાના અસ્તિત્વનો વિલય થતો નથી. કાલાંતરે અવયવીનો લય થતાં સ્થિતિ પૂર્ણ થતાં બધા સાંયોગિક દ્રવ્યો વિખૂટા પડે છે. આવા સંયોગોને અવયવી સંયોગ કહી શકાય છે. (૩) પ્રભાવિક સંયોગ : બે દ્રવ્યો પરસ્પર સ્પષ્ટ થયા પછી માત્ર સ્પર્શરૂપ ન રહેતાં એકબીજાને પ્રભાવિત કરી શકે છે અને એ જ રીતે પરસ્પર સંયોગ થવાથી કેટલીક ગુણાત્મક પર્યાયનો આર્વિભાવ પણ કરી શકે છે. સંસારમાં આ ત્રીજા પ્રકારનો સંયોગ વિશાળ અને વિરાટ રૂપે કામ કરે છે. આ પ્રભાવિક સંયોગને આપણે ઉદાહરણથી સમજીએ. સૂર્યના તાપનો સ્પર્શ થવાથી વનસ્પતિનો વિકાસ થાય છે. પ્રાણવાયુનો અંતરમાં પ્રવેશ થવાથી જીવન ચાલુ રહે છે. આ રીતે કરોડો પદાર્થો એકબીજાને પ્રભાવિત કરી સૃષ્ટિનું નિર્માણ કરે છે પરંતુ આ પ્રભાવક કે પ્રભાવ્ય દ્રવ્યો પોતાના અસ્તિત્વનો નાશ કરતા નથી.
આટલા વિવેચનથી સમજી શકાય છે કે સંયોગ શું છે અને આ બધા સંયોગો પરસ્પર મળીને નાની મોટી ભિન્ન ભિન્ન પર્યાયોને ઉત્પન્ન કરે છે. અહીં કવિરાજ કહેવા માંગે છે કે કોઈ સંયોગોથી નહીં' અર્થાત્ આ બધા જડાત્મક સંયોગો ભલે બીજા ગુણાત્મક ભાવો ઉત્પન્ન કરતા હોય પરંતુ આ સંયોગો જ્ઞાનાત્મક આત્મદ્રવ્યને ઉત્પન્ન કરી શકતા નથી. એ જ રીતે આત્મદ્રવ્યનો કોઈ સંયોગથી નાશ પણ થઈ શકતો નથી. આમ કવિશ્રીએ સંયોગો દ્વારા આત્માની ઉત્પત્તિ અને નાશનો અભાવ વ્યકત કર્યો છે પરંતુ આ વાકયના ગર્ભમાં રહી જાય છે કે સંયોગો ભલે આત્માને ઉત્પન્ન ન કરી શકે પરંતુ આ સંયોગો બીજા કોઈ ભાવોને ઉત્પન્ન કરી શકે છે કે કેમ? અથવા પરસ્પર સંયોગો ઉત્પત્તિ-લયનું કારણ બને છે કે કેમ ? તે ગાથામાં અધ્યાર્થ ભાવે મૂકી દેવામાં આવ્યું છે. કોઈપણ સંયોગો બીજાને ઉત્પન્ન કરતા હોય કે ન કરતા હોય, તેના વિવેચનમાં ન જતાં અહીં એટલું જ કહેવામાં આવ્યું છે કે આ સંયોગો આત્માને ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ આપણે સંયોગોની વ્યાખ્યામાં કહી ગયા છીએ તેમ સંયોગો પરસ્પર નિમિત્ત ભાવે કાર્ય કારણ બની શકે છે.
SSSS(૧૮