Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નિરાવરણ બની આત્માનું શુક્લ સ્વરૂપ જોઈ શકે છે. આ શુક્લ સ્વરૂપ એક પ્રકારે સાચા સુખનો ઉપભોગ છે.
અત્યાર સુધી જે કાંઈ સુખો ભોગવ્યા છે તે પરિણામે દુઃખ દેનારા જ હતાં. અથવા સુખની સકલમાં દુઃખ જ નાચી રહ્યા હતા. પ્રત્યક્ષ દુઃખ તો દુઃખ જ હતા પરંતુ જે સુખો સુખરૂપે દેખાતા હતા, તે પણ પરોક્ષભાવે દુ:ખરૂપ જ હતા. જેને શાસ્ત્રકારોએ સુખાભાસ કહ્યા છે. આવા સુખાભાસની કપટજાળથી મુક્ત થયેલો આત્મા હવે નિજાનંદરૂપ સાચા સુખને વરી જાય છે. હવે કર્મની ગેરહાજરી થઈ ગઈ છે, કર્મનું શુભાશુભ કાર્ય પણ અટકી ગયું છે. હવે ફરીથી કર્મનું અંશમાત્ર આગમન થાય તેવી સ્થિતિ રહી નથી કારણકે તેનો અંતિમ અંત આવી ગયો છે અને આવા આત્યંતિક અંતથી આઘાત પામેલા કર્મો સર્વથા લય પામ્યા છે, ત્યારે જીવને હવે પોતાની ગાદીની પ્રાપ્તિ થાય છે. કર્મરૂપ દુશ્મનના જવાથી જીવને દુશ્મનોએ દબાવેલું સ્વસત્તાનું સિંહાસન પ્રાપ્ત થાય છે. આવા પદ ઉપર આરૂઢ થયેલો જીવ કર્મના સર્વથા અભાવરૂપ મોક્ષથી અલંકૃત થઈ સ્વભાવરૂપ મુક્તહારને ધારણ કરી, મુક્તિરૂપી સહચરીને પ્રાપ્ત કરી જરાપણ અડચણ વિના કે બાધા વિના નિરાબાધ સુખનો ઉપભોગ કરે છે.
૯૧મી ગાથાનું આ ચોથું પદ તે મોક્ષપદનું ઉદ્ઘાટન કરે છે. મોક્ષપદની સ્થિતિને જીવની સામે ધરી દેવામાં આવી છે.
એક મહત્વપૂર્ણ સમજ : અહીં જે આત્યંતિક વિયોગ કહ્યો છે, તે ભાવને બંને રીતે જાણવા આવશ્યક છે. જીવાત્મામાં બે પ્રકારની પરિણતિ છે. (૧) જ્ઞાનાત્મક પરિણતિ અને (૨) ચારિત્રરૂપ પરિણતિ
જ્યારે વસ્તુ જ્ઞાનમાં સત્ય સમજાય છે, ત્યારે તદનુસાર જ્ઞાનાત્મક પરિણતિ થતાં કર્મની હાજરી હોવા છતાં જ્ઞાનવૃષ્ટિએ જીવ મુક્ત થાય છે અને જ્ઞાનવૃષ્ટિએ મુક્ત થયા પછી સ્વતઃ કર્મની પ્રબળતા ઘટે છે અને ચારિત્રરૂપ પરિણામોનો પ્રભાવ વધવાથી કર્મ કર્મરૂપે ન રહેતાં દૂર થાય છે. આ રીતે જ્ઞાનાત્મક પ્રહાર થતાં જ્ઞાનવૃષ્ટિથી જીવ કર્મમુક્ત છે, તેવો નિર્ણય થતાં પ્રથમ પ્રકારનો કર્મવિયોગ નિષ્પન્ન થાય છે અને હવે કર્મના પરિણામમાં અનુરાગ ન હોવાથી કાળાંતરે કે જન્માંતરે કર્મનો ક્ષય થતાં જીવ ચારિત્રરૂપ કર્મમુક્તિનો અનુભવ કરે છે. ચોરને ચોરરૂપે જાણી લેવો, તે પ્રથમ ભૂમિકા છે અને ચોરને ચોરરૂપે જાણ્યા પછી હકીકતમાં તેનાથી દૂર થવું, તે બીજી ભૂમિકા છે. બીજી ભૂમિકામાં ચોરનો લય થઈ જાય છે. પ્રથમ ભૂમિકામાં ચોર હાજર હોવા છતાં તે ઉઘાડો પડી ગયો છે, એટલે તેનું પરિબળ નાશ પામ્યું છે. જેમ કોઈ માણસ પિત્તળને સોનું માનીને ચાલતો હોય, તો તે ઘોર અંધારામાં છે. આ ભૂમિકા તે અજ્ઞાનદશા છે. હવે તે વ્યક્તિએ પિત્તળને પિત્તળ રૂપે જાણ્યું અને આ સોનું નથી તેમ નિર્ણય કર્યો, ત્યારે તેની જ્ઞાનાત્મક ભૂમિકા મજબૂત બની અને તે કનકાભાસથી મુક્ત થયો. હવે જ્યારે સર્વથા મોહ મૂકીને પિત્તળને દૂર કરી દે છે, ત્યારે તે બીજી ભૂમિકામાં પ્રવેશ કરી સાચા અર્થમાં મુક્ત થયો છે.
અહીં જે કર્મમુક્તિની વાત છે શુભાશુભ પરિણતિનો ત્યાગ કરવાનો છે. તે પ્રથમ ભૂમિકામાં
(૩૦૫).