Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ભજના છે. દ્રવ્યમાં બંને પ્રકારના દ્રવ્યો છે. જડ અને ચેતન અર્થાત્ જ્ઞાનયુક્ત દ્રવ્યો અને જ્ઞાનહીન દ્રવ્યો. જ્ઞાનવાળું એક ચેતન દ્રવ્ય છે, તે આત્મદ્રવ્ય છે, જીવ તત્ત્વ છે, ચેતન તત્ત્વ છે, તે સુખ દુઃખનું ભાજન છે. આવું દ્રવ્ય તે આત્મતત્ત્વ છે. અહીં શાસ્ત્રકારને આત્મદ્રવ્યનું પ્રયોજન છે. એટલે દ્રવ્યદ્રષ્ટિએ આત્માને નિત્ય કહ્યો છે. બાકી તો દ્રવ્ય દ્રષ્ટિએ બધા દ્રવ્યો નિત્ય છે. જો બધા દ્રવ્ય નિત્ય છે તો આત્મદ્રવ્ય પણ નિત્ય છે, તે સિદ્ધ થાય છે. દ્રવ્યદ્રષ્ટિએ આત્માની નિત્યતા નિહાળ્યા પછી શાસ્ત્રકાર સ્વયં બીજી શંકાનું નિવારણ કરે છે.
પર્યાયે પલટાય જો આત્મા નિત્ય છે, તો તેમાં આટલા બધા ભાવ પરિવર્તન કેમ થાય છે? અલગ અલગ યોનિઓમાં દેહ ધારણ કરી નવા નવા રૂપાંતરની ક્રિયા કેમ થાય છે? આત્મા નિત્ય હોવા છતાં તેમાં ઘણી જાતના પલટા આવે છે અર્થાત્ તે પલટાતો રહે છે, બદલાતો રહે છે, નવા નવા રૂપ ધારણ કરે છે. શું નિત્ય તત્ત્વમાં આવા અનિત્ય ભાવોનો સંભવ છે ? આ બધા પ્રશ્નોનો જવાબ સ્વયં ગુરુદેવ આપે છે કે "પર્યાયે પલટાય" અર્થાત્ હે ભાઈ ? જે રૂપાંતર થાય છે, તે દ્રવ્યની અવસ્થાઓ છે અને પર્યાય રૂપ આવી અવસ્થાઓના આધારે તેના બાહા કલેવરમાં અનિત્ય ભાવો જોવામાં આવે છે પરંતુ આ અનિત્ય ભાવો તે દ્રવ્યની સ્થાયી અવસ્થા નથી. દ્રવ્યમાં એવી શકિત છે કે આવી અસંખ્ય અવસ્થાને ઉત્પન્ન કરી શકે છે. મંચ ઉપર આવેલા નૃત્યકાર અલગ અલગ અવસ્થાઓના કપડા પહેરીને રાજારાણી કે રંકના રૂપ ધારણ કરે છે. હકીકતમાં તેના કપડાં બદલાય છે પરંતુ તે નટ તો બરાબર એનો એ જ છે. બરફમાંથી પાણી થાય, પાણીની વરાળ થાય, આમ પાણીની જુદી જુદી અવસ્થાઓ પ્રગટ થાય છે, પણ મૂળમાં પાણી તે પાણી જ છે. આ રીતે દ્રવ્ય આ વિશ્વના રંગમચ ઉપર પર્યાય રૂપે અવસ્થાઓ બદલીને વિશ્વનાટક ઊભું કરે છે, આ બધું રૂપાંતર થતું રહે છે, દૃશ્યો પલટાતા રહે છે પરંતુ મૂળ દ્રવ્યો યથાવત્ શાશ્વતરૂપે વ્યવસ્થિત છે માટે અહીં બીજા પદમાં શાસ્ત્રકાર કહે છે. પર્યાયે પલટાય” અર્થાત્ અવસ્થાના આધારે પલટો થાય છે. દ્રવ્ય સ્વયં પલટાતું નથી.
અહીં આત્માનું વિવેચન ચાલે છે. તેથી દ્રવ્યદ્રષ્ટિએ આત્મા નિત્ય છે પરંતુ તે પણ કર્મ સંયોગોના કારણે વિભાવ રૂપે અનેક જાતના પલટા કરે છે. હકીકતમાં વૈભાવિક પર્યાયોનો પલટો થાય છે, તે પર્યાયની ઉત્પત્તિ અને નાશ, આ બે ક્રિયાઓ ચાલુ રહે છે. જયારે દ્રવ્યની અનુત્પત્તિ અને અવિનાશ અર્થાત્ તેની ઉત્પત્તિ અને નાશ નથી. તે નિત્ય છે. પૂર્વની ગાથાઓમાં આ હકીકત વિસ્તાર સાથે કહેવામાં આવી છે. એટલે નિત્ય શું છે તે સ્પષ્ટ થયું છે પરંતુ આ ગાથામાં નિત્યતાનો આધાર દ્રવ્યદ્રષ્ટિ છે, તેમ કહીને દાર્શનિક સિદ્ધાંત અભિવ્યકત કર્યો છે... અસ્તુ.
આપણે હવે પર્યાયે પલટાયે' તેનો થોડો ગહન વિચાર કરીએ. પર્યાય તે અવસ્થા છે, તે જાણ્યા પછી આ અવસ્થાઓ શું ક્રમિક છે કે કોઈ ક્રમનો આધાર રાખ્યા વિના અક્રમિક ભાવે પલટો મારે છે ? અર્થાત જે પલટો આવે છે, તે કોઈ સિદ્ધાંતના આધારે છે, કોઈ નિયમના આધારે છે કે અનિયમિત છે? અન્ય દર્શનોમાં પણ રૂપાંતર વિશે ઘણું ગહન ચિંતન જોવા મળે છે. ત્યાં ઉત્પત્તિ અને વિલયનો સ્વીકાર કર્યા વિના આર્વિભાવ અને તિરોભાવ એવો સિદ્ધાંત તારવ્યો છે. અર્થાત્ મૂળ તત્ત્વ કે પદાર્થ કાયમ રહે છે અને તે પોતાની અવસ્થાઓને પ્રગટ કરે છે. આવી
SS(૧૯૬).
SSSS