Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આથી શાસ્ત્રકાર બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે જે ખાય અને જેવું થાય, તેવું ફળ થાય. ખાનારની કે પદાર્થની બંનેની કોઈ સમજણનો અહીં અવકાશ નથી. સમજણ તે વ્યકિતની જ્ઞાનસત્તા છે. બૌદ્ધિક પરિબળ છે પરંતુ જે ખાય તેવું ફળ થાય' તેનો અર્થ એ છે કે પરિણમન તે પદાર્થની પોતાની પરિણામી સત્તા છે, જેને આપણે પ્રારંભમાં કહ્યું છે કે જૈનદર્શન સ્વતઃ પરિણામી સિધ્ધાંત માને છે. આ પદથી પરોક્ષભાવે કર્મભોગ માટે મધ્યસ્થ શકિતનો પણ પ્રતિકાર કર્યો છે. વ્યકિતને મારવા માટે ઝેર પર્યાપ્ત છે. તેમાં બીજી સત્તાનો અવકાશ નથી. તેના પરિણમન બદલી શકાય, તે આખી વિશેષ પ્રણાલી છે. જેનો આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. આ પદમાં સૈદ્ધાંતિક સામાન્ય પ્રણાલીનો ઉલ્લેખ છે.
સ્વતઃ પરિણમન અને નૈમિત્તિક પરિણમન બહુ જ ઊંડા ચિંતનનો વિષય છે. આ ગાથાને થોડી સ્પષ્ટ કર્યા પછી તેના ઉપર પ્રકાશ નાંખશું.
ભોકતૃત્વભાવની પરાધીનતા : મુખ્ય વાત કર્મશકિતની છે. ભોકતૃત્વ ભાવ પણ બે પ્રકારના છે. સુખરૂપ અને દુઃખરૂપ. તેને ધાર્મિક ભાષામાં શુભ-અશુભ ગણે છે. કર્મ શુભ હોય કે અશુભ હોય, તે પોતાની ફળ દેવાની શકિત ધરાવે છે. કયારે ફળ આપે ? કેટલું ફળ આપે ? કેવા તીવ્ર કે મંદ ભાવે પ્રગટ થાય ? કેટલા લાંબા-ટૂંકા સમય સુધી ભોગવવું પડે, તે કર્મશકિતની પોતાની નિર્માણ વ્યવસ્થા છે. કર્મ નિર્માણ થતી વખતે કર્તારૂપ જીવ તેમાં જોડાયો હતો. કર્તુત્વ અમુક અંશે સ્વૈચ્છિક છે. તે કરે કે ન કરે, તે લગામ જીવના હાથમાં છે. એટલે કર્તુત્વ એ જીવના સ્વતંત્ર પરિણામ છે પરંતુ ભોકતાભાવ તે સર્વથા સ્વતંત્ર નથી. એક પ્રકારનો પરાધીન ભાવ છે. અર્થાત્ કર્મના ઉદય વખતે જીવ પરાધીન અવસ્થામાં હોય છે. કર્મની પ્રબળતા હોય છે. કર્મ ફળ આપવા માટે કોઈની પ્રતીક્ષા કરતું નથી. તેમ જ જીવની ઈચ્છા સાથે પણ સામાન્ય અવસ્થામાં સંબંધ ધરાવતું નથી. જીવાત્મા તપોબળના આધારે કર્મશકિતમાં ભલે પરિવર્તન કરી શકે પરંતુ સાક્ષાત ઈચ્છા પ્રમાણે કર્મફળમાં પરિવર્તન કરી શકતો નથી, તેથી શાસ્ત્રકારોએ ભોકતાભાવને પરાધીન અવસ્થા બતાવી છે.
જુઓ ! અહીં કૃપાળુ ગુરુદેવે ઉદાહરણ પણ કેવું સચોટ મૂકયું છે કે જેમાં બંને ભાવ પ્રગટ થયા છે. ઝેર ખાવું કે ન ખાવું તે મનુષ્યની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે પરંતુ ઝેર ખાધા પછી ઝેરથી મરે કે ન મરે, તે જીવની ઈચ્છા ઉપર નિર્ભર નથી. ઝેર પોતાનું કામ સ્વતઃ કરે છે. ઝેર સ્વતઃ પરિણામ પામે છે. ઝેર બીજી કોઈ શકિતની અપેક્ષા રાખતું નથી અને જીવાત્મા ઝેરની મારણ ક્રિયાનો ભોગ બને છે. આ છે અશુભકર્મનું ઉદાહરણ. એ જ રીતે સુધા એટલે અમૃતનું સેવન કરવું, તે મનુષ્યની ઈચ્છા ઉપર આધારિત છે પરંતુ સેવન કર્યા પછી અમૃત સ્વતઃ પોતાના દિવ્યભાવ પ્રગટ કરે છે અને તે જીવ દિવ્યભાવનો ભોકતા બને છે. અહીં સુધી તે શુભકર્મનું ઉદાહરણ છે. હકીકતમાં સુધા એટલે અમૃત જેવી કોઈ વસ્તુ પ્રત્યક્ષ દેખાતી નથી પરંતુ એવી દિવ્ય
ઔષધિઓ છે. જે જડીબુટ્ટી અમૃત જેવું અર્થાતુ ખૂબ જ સારું પરિણામ આપનારી છે. સુધાનો અર્થ દિવ્ય ઔષધિઓ ગણી, તેના શુભ ગુણો કે ઉત્તમ ગુણો સમજવાના છે.
MissississississississuuNSLLLLLSLLLLLLLLLS(૩૦૩), NiL\\\\\\\\\\\)