Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઉદય (૨) વિપાક ઉદય.
જે કર્મ જીવને શુભાશુભ ફળ આપીને છૂટા પડે, તે વિપાક ઉદયથી નાશ પામે છે. જયારે જીવને સુખદુઃખનો અનુભવ કરાવ્યા વિના આંતરિક ક્ષેત્રમાં જે કાંઈ પ્રભાવ પાથરવો હોય, તે પ્રભાવ પાથરી કર્મ નાશ પામે, તે પ્રદેશ ઉદયથી નાશ પામ્યા કહેવાય છે. તેમાં એક પ્રકારે સૂક્ષ્મભોગ છે પણ જીવને તેની અનુભૂતિ થતી નથી. આ વિષય કેવળીગમ્ય છે પરંતુ જીવ શુભાશુભ કર્મ ભોગવે છે, તે એક નકકર હકીકત છે. શાસ્ત્રકારે જે છ બિંદુ ઉપર આત્મસિધ્ધિનો મુખ્ય આધાર લીધો છે. તેમાં ચોથું બિંદુ “જીવ ભોકતા છે તેની સિધ્ધિ અહીં કરવામાં આવી છે. ભોગ તે સૈકાલિક નથી. તેમાંથી મુકિત થઈ શકે છે. એટલે શાસ્ત્રકાર સ્વયં પાંચમા બિંદુ પર પ્રકાશ નાંખશે. અહીં ફકત “ભોકતા છે તેટલો જ ઉલ્લેખ કર્યો છે. ભોકતૃત્વ ભાવ સિધ્ધ થવાથી મુકિતના ઉપાયનો વિચાર થઈ શકે છે. જેનો વિચાર આગળની ગાથામાં આવશે. દ્રવ્યોનો સ્વભાવ અને તે જ રીતે કર્મફળ એક દ્રવ્ય હોવાથી તે પોતાના સ્વભાવ અનુસાર પરિણમન કરે છે અને તેનો જે કાંઈ પ્રભાવ ઉત્પન્ન થાય છે, તે કર્મફળ છે. આ રીતે અહીં કર્મની પરંપરા સ્થાપિત થયેલી છે. હવે આપણે આ ગાથાના આધ્યાત્મિક ભાવોનું દર્શન કરી આ ગાથાનો ઉપસંહાર કરીશું.
આધ્યાત્મિક સંપૂટ : કોઈ પણ બાહ્યશકિત ચૈતન્યના ક્રિયાકલાપમાં ડખલ કરતી નથી, અને તેની જરૂર પણ નથી. કારણ કે ચૈતન્યશકિત સ્વયં પરિણામી છે. અહીં જેમ કર્મને સ્વયં પરિણામી કહ્યા છે તેમ પરોક્ષભાવે એ સ્પષ્ટ થાય છે કે આત્મા પણ સ્વયં પરિણામી છે. કર્મ જે કાંઈ કર્મફળ આપે છે, તે કર્મસત્તાનું કાર્ય છે, જયારે ચૈતન્યસત્તા નિરાળી છે અને તે સ્વયં જ્ઞાનાત્મક અને વેદનાત્મક પરિણામ કરે છે, વેદનાત્મક પરિણામોને નિરાળા જાણીને આત્મા સ્વય કર્મથી ભિન્ન છે, એમ કર્મફળની જેમ આત્મા પણ પોતાના પરિણામનું ફળ ભોગવે છે. ગાડી ચલાવનારો ડ્રાઈવર ગાડી ચલાવે છે પરંતુ ગાડી નિરાળી છે, ગાડીની ગતિ જુદી છે, ડ્રાઈવર ફકત પોતાના ભાવનો જ કર્તા છે, તેથી ડ્રાઈવર ગાડીના કર્તા તરીકે અહંકાર ન કરે અને વિમુકત રહે, તે રીતે આ આત્મા પણ બાહ્ય ગતિશીલ કે પરિવર્તનશીલ દ્રવ્યોની ક્રિયાનો કર્તા નથી. પોતે સ્વયં પોતાનું પરિણમન કરે છે. આખા અધ્યાત્મશાસ્ત્રની આ મોટી ચાવી છે. આ ગાથામાં પણ ભોકતા ભાવનો માલિક હકીકતમાં કર્મ છે અને શાસ્ત્રકારે ભોગને કર્મનું ફળ પણ બતાવ્યું છે. પોતે ભોકતા ભાવનો માત્ર સાક્ષી છે અને અધિક કહો તો તેનો સંવેદનકર્તા છે. આ બંને ક્રિયાને ભેદભાવે જોવી, તે જ આ ગાથાનું આધ્યાત્મિક રહસ્ય છે.
ઉપસંહાર : ગાથાનું મુખ્ય કથન કર્મફળનું પ્રદર્શન છે. આત્મા કર્મનો કર્તા હોવાથી ભોકતા પણ આત્મા છે, એમ સિધ્ધ કરવામાં આવ્યું છે. આ કર્મલીલા સ્વયં પરિચાલિત એક પરંપરા છે. તેમાં વિશ્વવંદ્ય ઉપાસનાના આધારભૂત ઈશ્વરને ફળદાતા તરીકે માનવાથી જરૂર નથી. પરમ પૂજનીય ઈશ્વરને ફળદાતા માનવાથી જીવ બેજવાબદાર બની જાય છે, માટે આ ગાથામાં ફળદાતા તરીકે ઈશ્વરનો પ્રતિકાર કર્યો છે અને ભોગ થયા પછી કર્મ જીવથી વિભકત થઈ જાય છે, તે ઘણું જ મહત્ત્વપૂર્ણ વાકય છે. કર્મો ગમે તેવા ફળ આપે પણ આત્મસત્તાને નુકશાન કરી શકતા નથી.
ALL(૩૨૭) LLLLLLLLLLLLLLLLLLLS