Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ક્રિયાના જે ઉપાદાન કારણો હોય છે, તેની સાથે વિરોધી કારણોનો અભાવ બહુ જ જરૂરી છે. જેને પ્રતિબંધક અભાવ કહેવામાં આવે છે. આમ પ્રતિબંધક અભાવ થયા પછી જ દ્રવ્ય પોતાનું કાર્ય કરી શકે છે. કર્મની હાજરી જયાં સુધી છે, ત્યાં સુધી પ્રતિબંધકનો અભાવ થતો નથી અને ત્યાં સુધી શાશ્વત આનંદરૂપી મોક્ષ પ્રાપ્ત થતો નથી. ટૂંકમાં કહેવાનું એ હતું કે મોક્ષમાં પણ કર્મ મુકિત તે અભાવાત્મક મોક્ષ છે અને જ્ઞાનનું રમણ તે ભાવ મોક્ષ છે. જ્યાં સુધી જીવ કર્તા-ભોકતાની પરંપરાથી મુકત ન થાય અને અભાવરૂપી મુકિત ન મળે, ત્યાં સુધી તે સાધક મોક્ષનો અધિકારી બનતો નથી.
પણ તેનો નહીં મોક્ષ : આ ગાથામાં મોક્ષનો જે ઉલ્લેખ કર્યો છે તે અભાવાત્મક મોક્ષનો ઉલ્લેખ કર્યો છે. શંકાકાર એમ કહે છે કે આવો કર્તા ભોક્તાનો ભાવ અટકી શકતો નથી અને જીવે તેનાથી મુકત થતો નથી. કર્મ ભોગવવા તે જીવની સૈકાલિક અવસ્થા છે. એટલે માની લઈએ કે જીવ કર્મનો કર્તા પણ છે અને જીવ કર્મનો ભોકતા પણ છે પણ તેનાથી મુકિત થતી નથી. આમ એક સહજ શંકા પ્રગટ કરવામાં આવી છે.
ભોગભાવ એ ધ્રુવસત્તા છે. વિશ્વના બધા દ્રવ્યો ધ્રુવસત્તા ધરાવે છે અને તેના પરિણામો પણ અનંતકાળથી ધ્રુવભાવે અસ્તિત્વ પામ્યા છે. બધા દ્રવ્યો પરસ્પર ગુણધર્મોથી બંધાયેલા છે અને તેના આધારે એક આખી વિશ્વલીલા ચાલી રહી છે. વિશ્વના મંચ ઉપર જે નાટક ચાલી રહ્યું છે, તે નાટક અટકી શકે તેવું નથી કારણ કે તે વિશ્વની ધ્રુવસત્તા છે. જીવાત્મા અને કર્મ, એ બંને નાટકના મુખ્ય પાત્ર છે. આ બંને પાત્રો પરસ્પર મળીને કર્તા પણ બને છે અને તેના ફળ પણ ભોગવે છે. કર્મભાવ અને ભોગભાવ, એ બંને ક્ષણિક છે, જ્યારે જીવ અને કર્મ બંને શાશ્વત છે. એમ માનીને જીવ અને કર્મની ધ્રુવસત્તાનો સ્વીકાર કરી પૂછવામાં આવે છે કે જો બંને પાત્રો વિશ્વમંચ પર ખેલી રહ્યા છે, તો તેનું નાટક બંધ કયાંથી થાય ? કર્તા અને ભોકતા, જીવ અને કર્મનો એક નિત્યક્રમ છે. આ ક્રમનો ભંગ કરી શકાય તેવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી, માટે તે ભાવોથી મુકિત થાય, તે કલ્પના માત્ર છે. મોક્ષ એ કોઈ કાલ્પનિક ભાવ હોય તેવું લાગે છે. વિશ્વના કોઈપણ પદાર્થ પોતાની ગતિથી મુકત થતા નથી. પાણી વરસે છે, વહી જાય છે, પુનઃ વરસે છે. આ ક્રિયા આદિકાળથી ચાલું છે. વિશ્વની જમીન અંકુરિત થાય છે, ફસલ પેદા કરે છે, તેનો લય થાય છે, પુનઃ અંકુરિત થાય છે. પૃથ્વી, પાણી ઈત્યાદિ પંચભૂતો પોતાની શાશ્વત ક્રિયામાં જોડાયેલા છે. જેમ તે ક્રિયાઓ બંધ થઈ શકતી નથી, તેમ જીવની પણ આ કર્તા-ભોકતારૂપ અવસ્થા કેવી રીતે બંધ થઈ શકે? કર્તા-ભોકતાની ક્રિયા છે એટલે એમ માની લઈએ છીએ પણ તેમાંથી કોઈ મુકત થાય છે, તે જોઈ શકાતું નથી અર્થાત્ તેમાંથી મુકિત થતી નથી તેમ માનવું રહ્યું. આ તર્કને આધારે શંકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. “કર્તા ભોકતા જીવ હો” અર્થાત્ કર્તા-ભોકતાની ક્રિયા સ્વીકારી લેવામાં આવી છે. પણ તેનો નહીં મોક્ષ' અર્થાત્ તેનાથી છૂટકારો નથી. તેમ માનવામાં આવ્યું છે.
એક પ્રશ્ન : કર્તા, ભોકતા અને મુકિત. આ આખું વર્તુળ શું છે? કર્તા તે ઉત્પત્તિ ભાવ છે અને ભોકતા તે વિલયભાવ છે. ઉત્પત્તિ અને વિલય, બંનેનો અભાવ તે મુકિતભાવ છે. ચિંતન કરવાથી લાગે છે કે કર્તૃત્વ અને ભોકતૃત્વ એક સિકકાની બે બાજુ છે. જે ક્રિયા થાય છે, તે
(૩૩૯) )